જ્હોન એફ. કેનેડીના દોહિત્ર સાથે મારે ક્યારેય કશી લેવાદેવા નહોતી: સેલેના ગોમેઝ
સે લિબ્રિટી ગોસીપના મામલામાં ઘણીવાર અફવાઓ તોફાની હવામાં સૂકા પાંદડાની જેમ ફંગોળાઈ જાય છે. આવી જ એક અફવાએ તાજેતરમાં ચાહકો અને મીડિયા બંનેનું ધ્યાન ખેંચ્યું હતું, જેમાં સિંગર સેલેના ગોમેઝ અને જ્હોન એફ. કેનેડીનો પૌત્ર જ્હોન કેનેડી સ્ક્લોસબર્ગનું નામ જોડાયું હતું. ૨૦૨૦થી ૨૦૨૧ના સમયગાળા દરમિયાન આ અફવાએ સોશિયલ મીડિયા પર અટકળોની ધૂમ મચાવી હતી. જોકે ગોમેઝે સોશિયલ મીડિયા પર એક જ નિવેદન આપીને તાબડતોબ અફવાની આગને ઠારી દીધી છે. અહેવાલ મુજબ ન્યુ યોર્ક સિટીમાં રહેતા ૩૧ વર્ષીય વકીલ તેમજ ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડન્ટની દીકરીનો દીકરો જ્હોન સ્ક્લોસબર્ગે ગોમેઝને મોટા મોટા વચનો આપીને લલચાવી હતી. ગોમેઝે તાજેતરમાં એક ચાહકના સવાલના જવાબમાં આ અફવાને એવું કહીને ફગાવી દેવામાં કોઈ સમય બરબાદ નહોતો કર્યો કે આ વ્યક્તિને હું કદાપિ મળી જ નથી.
અમેરિકાના સૌથી આઈકોનિક રાજકીય અને વગદાર પરિવારના વંશજ સ્ક્લોસબર્ગે પણ જાહેરમાં કદી પણ આ અફવાનો સ્વીકાર નથી કર્યો. કાયદાની પૃભૂમિ ધરાવતા તેમજ રાજકારણમાં પ્રવેશવાની ઈચ્છા વ્યક્ત કરનાર સ્ક્લોસબર્ગે અભિનયમાં હાથ અજમાવ્યો હતો. ટેલીવિઝન સિરીઝ 'બ્લ્યુ બ્લડ્સ' ની આઠમી સીઝનમાં પોલીસ ઓફિસર જેક હેમરના કેમિયો રોલ સહિત એણે નાનામોટા રોલ્સ કર્યા છે. સ્ક્લોસબર્ગે જોકે પોતાના દંતકથારૂપ નાનાજી સાથેના સગપણની વાત મોટે ભાગે છાની જ રાખી છે.
'ઓન્લી મર્ડર્સ ઈન ધી બિલ્ડીંગ' ગીતની ગાયિકા એવી સેલેના ગોમેઝના રોમેન્ટિક સંબંધો સમાચાર માધ્યમો અને સોશિયલ મીડિયા માટે ઈંધણ બની રહે છે. રેકોર્ડ નિર્માતા બેની બ્લેન્કો સાથે તેની હાલની રિલેશનશીપે જાહેર જનતાનું ધ્યાન વધુ ખેંચ્યું છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ગોમેઝે એક હૃદયસ્પર્શી પોસ્ટમાં બ્લેન્કો માટે પોતાની લાગણી અને પ્રેમ વ્યક્ત કર્યા હતા. પોતે અત્યાર સુધી જેટલાને ડેટ કર્યા હતા તેમાં સૌથી ઉત્તમ તરીકે બ્લેન્કોને ગણાવીને તેના વ્યવહારની પ્રશંસા કરી હતી અને તે પોતાના માટે સર્વસ્વ હોવાનો જાહેરમાં સ્વીકાર કર્યો હતો.
બ્લેન્કો અને ગોમેઝે અગાઉ તેનાં 'સિંગલ સૂન', 'સેમ ઓલ્ડ લવ', 'કિલ ધેમ ઓલ વિથ કાઈન્ડનેસ', 'ટ્રસ્ટ નોબડી' અને 'આઈ કેન્ટ ગેટ ઈનફ' જેવાં ગીતો માટે સાથે કામ કર્યું હતું.
સેલિબ્રિટી રિલેશનશીપના ગૂંચવાડા વચ્ચે ગોમેઝની સફર રસપ્રદથી જરા પણ ઓછી નથી રહી. પોપ સ્ટાર જસ્ટીન બીબર સાથે અતિશય પ્રસિદ્ધ થયેલા ઓફ-એન્ડ-ઓન રોમાન્સથી લઈને ઓર્લાન્ડો બ્લૂમ અને પ્રિયંકા ચોપડાનો પતિ નિક જોનસ (એ હજુ કુંવારો હતો ત્યારે) સાથેના સંબંધોની કહાણીઓ મુખ્ય સમાચારોમાં ઝળકી છે. આમ છતાં પ્રસિદ્ધિ અને રોમાન્સની ધમાલ વચ્ચે ગોમેઝ એક મક્કમ અને સ્વતંત્ર વ્યક્તિ તરીકે ઊભરી છે, જે અફવાઓનો સામનો કરવામાં અને સત્ય જણાવવામાં જરા પણ ખચકાતી નથી. ગોમેઝ અને બ્લેન્કો તેમના સંબંધમાં આગળ વધી રહ્યાં છે ત્યારે તેમના ચાહકો સોશિયલ મીડિયા પોસ્ટ અને પબ્લિક અપીયરન્સ દ્વારા તેમની પ્રેમ કહાનીની ઝલક મેળવવા આતુરતાથી વાટ જોતા રહે છે.