Get The App

હું હજુ સુધી સ્ટાર બન્યો નથી: વિકી કૌશલ

Updated: Apr 26th, 2024


Google NewsGoogle News
હું હજુ સુધી સ્ટાર બન્યો નથી: વિકી કૌશલ 1 - image


- 'મને હજુય ઉત્તમ ડિરેક્ટરો, સારા લેખકોના મજબૂત ટેકાની જરૂર પડે જ છે. જો આખેઆખી ફિલ્મ ઉત્તમ હોય તો જ લોકો મને જોવા થિયેટરમાં આવે છે. મારી ફિલ્મોમાં અસલી હીરો સ્ટોરી હોય છે. હું તો માત્ર સ્ટોરી પર સવાર થાઉં છું.'

વિ કી કૌશલ જેવો પોપ્યુલર એક્ટર જ્યારે ખુદને સ્ટાર ગણવાનો ઇન્કાર કરે ત્યારે નવાઈ તો લાગે. જોકે વિકી પાસે આમ કહેવાનું સ્પષ્ટ કારણ છે. એ કહે છે, 'મને આમિર ખાનની એક વાત યાદ આવે છે. એક ઇન્ટરવ્યુમાં એમણે કહેલું કે, કોઈ પણ હીરોનું સ્ટારડમ માપવું હોય તો એની સૌથી નિષ્ફળ ફિલ્મ પર ધ્યાન આપવું. શું આ નબળી ફિલ્મ હજુ પણ કોઈક રીતે, કોઈક માધ્યમમાં કમાણી કરી રહી છે? જો કોઈ એક્ટરની ફ્લોપ ફિલ્મ પણ એના નિર્માતાને પૈસા રળી આપતી હોય તો સમજવું કે એ એક્ટર પાસે સ્ટારડમ છે.'

આટલું કહીને વિકી ઉમેરે છે, 'આજે લોકપ્રિયતા અને સ્ટારડમ વચ્ચેની ભેદરેખા પાતળી થઈ ગઈ છે. સ્ટાર એ માણસ છે, જેના કારણે ઓડિયન્સ ફિલ્મ જોવા પ્રેરાય છે. એમને સમગ્ર ફિલ્મ સારી છે કે ખરાબ તેની સાથે બહુ લેવાદેવા હોતી નથી, એમને તો સ્ક્રીન પર પોતાના મનગમતા હીરોને જોવામાં જ રસ હોય છે. મને નથી લાગતું કે હું હજુ આ લેવલ પર પહોંચ્યો હોઉં. મને હજુય ઉત્તમ ડિરેક્ટરો, સારા લેખકોના મજબૂત ટેકાની જરૂર પડે જ છે. જો આખેઆખી ફિલ્મ સરસ હોય તો જ લોકો મને જોવા થિયેટરમાં આવે છે. મારી ફિલ્મોમાં અસલી હીરો સ્ટોરી હોય છે. હું તો માત્ર સ્ટોરી પર સવાર થાઉં છું.'

એક મિનિટ. વિકીની ફિલ્મ સારી હોય તો પણ ના ચાલી હોય એવું એક નહીં, કેટલીય વાર બન્યું છે. 'મનમઝયાં'ની વાત કરો. અનુરાગ કશ્યપ જેવો ડિરેક્ટર, અભિષેક બચ્ચન અને તાપસી પન્નુ જેવાં મોટા કો-સ્ટાર્સ, લવસ્ટોરી, અમિત ત્રિવેદીનું મ્યુઝિક, બજેટ પણ મોટું, પબ્લિસિટી અને પ્રમોશન સરસ... એવું લાગતું હતું કે આ ફિલ્મ તો બોક્સઓફિસ પર ચાલશે જ. એવું ન બન્યું. ફિલ્મ ન ચાલી.

'સામે પક્ષે, 'ઉરી- ધ સજકલ સ્ટ્રાઇક' રિલીઝ થવાની હતી એના ચાર દિવસ પહેલાં હું અને મારો ડિરેક્ટર આદિત્ય ધર વાતો કરતા હતા કે યાર, લોકો ફિલ્મ જોવા થિયેટર સુધી લાંબા થશે ખરા? કે થિયેટરમાં કાગડા ઉડતા હશે? ને જુઓ, ફિલ્મ જોરદાર ચાલી!' વિકી કહે છે. 

વિકીની 'સેમ બહાદૂર' પાસેથી ઊંચી અપેક્ષા હતી, આ ફિલ્મમાં વિકીનો અભિનય અફલાતૂન છે, પણ એના નસીબ ખરાબ કે એ જ દિવસે 'એનિમલ' પણ રિલીઝ થઈ. રણબીરની આ ફિલ્મે તો સૂપડા સાફ કરી નાખ્યા, કમાણીના નવા રેકોર્ડ્ઝ બનાવ્યા. 'ડંકી'ની વાત કરીએ તો, આ ફિલ્મમાં સૌથી વધુ વખાણ કોઈના થયા હોય તો તે કદાચ વિકીના જ થયા. એ કહે છે, 'હું રાજકુમારી હિરાણીનો એટલો મોટો ફેન છું કે, મેં એમને કહેલું કે સર, તમે મને કોઈ શોટમાં ટોળામાં ઊભો રાખી દેશો તો પણ હું તમારી ફિલ્મમાં કામ કરીશ! મને ખબર પડી કે એમને 'ડંકી' માટે મારા જેવા દેખાતા કોઈ એક્ટરની તલાશ છે. મેં તરત એમને ફોન કર્યો: સર, મારા જેવો એક્ટર શું કામ? હું જ કેમ નહીં? એમણે કહ્યુ: વિકી, આ સાઇડ રોલ છે, નાનો રોલ નથી. મેં કહ્યુ: સો વોટ? તોય મારે તમારી ફિલ્મમાં કામ કરવું છે... ને હું ફિલ્મની સ્ટોરી સાંભળ્યા વિના 'ડંકી'માં કામ કરવા તૈયાર થઈ ગયો. તમે માનશો, ફિલ્મનું પ્રીમિયર યોજાયું ત્યાં સુધી મને ખબર નહોતી કે આખી ફિલ્મમાં શું થવાનું છે. મને ફક્ત મારા રોલ પૂરતી જ ખબર હતી.' 

'ડંકી'ની પહેલાં વિકી અને રાજુ હિરાણીએ એમ તો 'સંજુ'માં પણ સાથે કામ કર્યું હતું.

વિકી અને કેટરીના કૈફનાં લગ્નને બે વર્ષ  કરતાંય વધારે સમય થઈ ગયો. બન્ને ખુશ છે. વિકી કહે છે, 'કેટરીનાને 'બહેતર' બનાવવાની મારી કોઈ ઇચ્છા નથી. એ જ રીતે મને 'બહેતર' બનાવવાના એને કોઈ ધખારા નથી. અમે જેવા છીએ એવા એકબીજાને ગમીએ છીએ. અમે સાથે સાથે વિકસી રહ્યાં છીએ, વ્યક્તિ તરીકે અને કપલ તરીકે, બન્ને રીતે.'

વિકી નજીકના ભવિષ્યમાં આ બે ફિલ્મોમાં દેખાશે - 'છાવા' (ડિરેક્ટર: લક્ષ્મણ ઉતેકર, હિરોઈન: રશ્મિકા મંદાના) અને 'બેડ ન્યુઝ' (ડિરેક્ટર: આનંદ તિવારી,  હિરોઈન: તૃપ્તિ ડિમરી). એમ તો બધું સમુસૂતરું પાર પડશે તો સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ 'લવ એન્ડ વોર'માં પણ વિકી દેખાશે. આ એક પ્રણયત્રિકોણ છે, જેના બાકીના બે ખૂણા છે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ. વાહ!   


Google NewsGoogle News