Get The App

હું મારા પાત્રોને ઓળખ અપાવવા માટે લડી લઉં છું : હુમા કુરેશી

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
હું મારા પાત્રોને ઓળખ અપાવવા માટે લડી લઉં છું : હુમા કુરેશી 1 - image


- શેફ, રાજકારણી અને સ્પોર્ટસ પ્રેઝન્ટરની ભૂમિકાઓ ભજવી આગવી ઓળખ ઉભી કરનારી હુમા

- હોરર અને કોમેડી બંનેમાં તમારે દર્શક સાથે નાતો બાંધવો પડે છે. હાલ હોરકોમ સફળ છે તેનું એક કારણ એ છે કે તેમાં અંધવિશ્વાસ અને દંતકથાઓની મજાક ઉડાવવામાં આવે છે. 

હુમા કુરેશી બોલીવૂડની એવી થોડી હિરોઇન્સમાંની એક છે જે તેના પાત્રોની પસંદગી અને તેની રજૂઆત બાબતે ગંભીર વલણ ધરાવે છે. હુમાએ વિવિધ વ્યવસાય કરતી મહિલાઓને ચરિતાર્થ કરી ભારતીય મહિલાઓ કેવી રીતે જીવનમાં નવા રોલ્સ ભજવી શકે તે દર્શાવવા બાબતે સભાન છે. હુમાએ ૨૦૨૨માં  ડબલ એક્સ એલ ફિલ્મમાં સ્પોર્ટ્સ પ્રેઝન્ટેરની, મહારાની વેબ સિરિઝમાં અભણ મહિલા રાજકારણીની અને ૨૦૨૩માં તરલા ફિલ્મમાં શેફની ભૂમિકાઓ ભજવી આધુનિક નારીના નવલાં રૂપ રૂપેરી પડદે રજૂ કર્યા છે. 

હુમા તેના વિશિષ્ટ મહિલા પાત્રો ભજવવાની યાત્રા ભવિષ્યમાં પણ જારી રાખવાની છે. ગુલાબી ફિલ્મમાં તે મહિલા રિક્ષા ડ્રાઇવરની તો થ્રિલર બયાનમાં તે ડિટેક્ટિવની ભૂમિકામાં જોવા મળશે. એક અભિનેત્રી તરીકે હુમાને પુરૂષ પાત્રને વિકસાવનાર પૂરક મહિલા પાત્રો ભજવવામાં કોઇ રસ પડતો નથી. તે સભાનપણ એવી ભૂમિકાએ પસંદ કરે છે જેમાં મહિલા પાત્રોની પોતાની આગવી ઓળખ અને જિંદગી હોય. ફિલ્મની કથામાં આ મહિલા પાત્રો મજબૂર નહીં પણ મજબૂત બની ઉભરે  તે જોવામાં હુમાને રસ પડે છે. હુમા કહે છે, હું મારા પાત્રને કોઇ ઓળખ મળે તે માટે લડી પણ લઉં છું. મિથ્યામાં ેહિન્દી સાહિત્યની પ્રોફેસરની ભૂમિકા ભજવનાર હુમાએ પ્રોફેસર માતા બને એટલે તેની વ્યાવસાયિક ઓળખ વિસારી દેવામાં આવે તે બર્દાસ્ત કરવાની ના પાડી હતી. તેણે પ્રોફેસરના પાત્રને માતાના લેન્સમાંથી જોવાને બદલે તેની એક અલગ ઓળખ બની રહે તે માટે લેખકોની ટીમ સાથે શિંગડા ભરાવી તેમની ભૂલો સુધારવાનો સફળ પ્રયાસ પણ કર્યો હતો. 

હુમા માટે કોઇપણ ભૂમિકા પસંદ કરવાનો માપદંડ બહું સ્પષ્ટ છે. તે કહે છે મારા માટે પાત્રને સ્ક્રિન પર કેટલો સમય મળે છે તે મહત્વનું નથી પણ તે કેટલું બળકટ છે તે વધારે મહત્વનું છે. પાત્રની તેની પોતાની આગવી ઓળખ હોય તો દર્શકોને તેની સાથે આઇડેન્ટિફાય કરવાનું ગમે છે. બાકી હીરોની ગોળ ગોળ ફરનારી હિરોઇન્સને તો ફિલ્મ પુરી થયા બાદ કોઇ યાદ પણ કરતું નથી. હુમા કુરેશીએ તેની બાર વર્ષ લાંબી કારકિર્દીમાં આ માપદંડને ધ્યાનમાં રાખીને જ વિવિધ ભૂમિકાઓની પસંદગી કરી છે. 

પોતાની ભૂમિકાઓની નક્કરતા માટે હુમાએ ઘણીવાર મોટા બેનર્સની ફિલ્મોને પણ છોડી દીધી છે. એક કિસ્સો વર્ણવતાં હુમા કહે છે, એક મોટા ફિલ્મ સ્ટારને હીરો તરીકે દર્શાવતીફિલ્મમાં મને ભૂમિકા ઓફર થઇ હતી. તેમાં એક સીન હતો જેમાં ગુંડાઓ હીરોને ધીબેડી રહ્યા છે અને મારે રડતાં રડતાં તેને મારશો નહીઁ એવી વિનવણીઓ કરવાની હતી. મેં એ સમયે નિર્દેશકને જણાવ્યું હતું કે મને તમારી સાથે કામ કરવામાં રસ છે પણ આ તો ખરાબ કાસ્ટિંગ થઇ ગયું છે. જો મારે આ સીન કરવાનો હોય તો હું તેમાં ગુંડાઓને ફટકારતી હોઉં એવું જોઇએ. નિર્દેશકે હસીને જણાવ્યું હતું કેે આપણે બીજી કોઇ ફિલ્મમાં સાથે કામ કરીશું. 

હાલ ઝી ફાઇવ પર મિથ્યાઃ ધ ડાર્કર ચેપ્ટર રજૂ થઇ છે પણ સિક્વલમાં બને છે તેમ ઘણાં ને આ સિરિઝના બીજા હિસ્સામાં રસ પડયો નથી. આ સિરિઝમાં હુમાએ જૂહી નામની સાહિત્યની પ્રોફેસરનું પાત્ર ભજવ્યું છે જ્યારે તેની સાવકી બહેન રીયા ની ભૂમિકા અવન્તિકા દાસાણીએ ભજવી છે. સિરિઝનો પ્લોટ એવો છે કે રિયા બિઝનેસ વુમન છે અને તે જૂહીને તેના પિતા સમક્ષ નીચું દેખાડવા માટે અમિત નામને લેખકને સાધી તેની પાસે જૂહીએ પુસ્તક લખવા માટે ઉઠાંતરીઓ કરી હોવાના આક્ષેપ કરાવે છે. દાર્જિલિંગની પશ્ચાદભૂમાં આકાર લેતી આ કથા મૂળ તો બે સાવકી ે બહેનો વચ્ચેની હરિફાઇની કથા છે. જેમાં એકસમયે સારા ખોટાંનો ભેદ ભૂંસાઇ જાય છે અને તેના પરિણામે પ્રોફેસર હુમાના જીવનની શાંતિ હણાઇ જાય છે. 

હુમાને  અનપઢ રાજકારણી તરીકે મહારાનીમાં જોનારા તેના ચાહકોને હવે ભણેલી ગણેલી પ્રોફેસરની ભૂમિકામાં તેમની માનીતી અભિનેત્રીને જોવામાં રસ પડશે. હુમા કહે છે મને લેખિકાની ભૂમિકા ભજવવામાં મજા આવી છે. હવે દર્શકોને મઝા પડે છે કે કેમ તે તો સમય જ કહેશે. 


Google NewsGoogle News