મને વારસો મળ્યો નથી, પણ મારે વારસામાં ઘણું આપતા જવું છેઃ હુમા કુરેશી

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
મને વારસો મળ્યો નથી, પણ મારે વારસામાં ઘણું આપતા જવું છેઃ હુમા કુરેશી 1 - image


- 'એક્ટિંગનું કામ પણ થકવી દે એવું છે. લાંબી શિફ્ટ હોય, મોડી રાત સુધી શૂટીંગ કરીને બીજા દિવસે વહેલી સવારે ઉઠી જવાનું હોય, વારંવાર ફ્લાઈટને કારણે શરીર થાકી ગયું હોય. ક્યારેક કંટાળું ત્યારે હું મારી જાતને સમજાવું કે હુમા, તું દરરોજ સવારે વહેલી ઊઠીને માત્ર કામ કર ફોકસ કર. વધુ પડતા વિચાર કરવાનું બંધ કર'

હુ મા કુરેશી પરંપરાગત હિન્દી ફિલ્મ હિરોઈન નથી. ઓડિયન્સ એની પાસેથી ટિપિકલ ભૂમિકાઓની અપેક્ષા પણ રાખતું નથી. હુમા એક ઉત્સાહી અને રમૂજી વ્યક્તિ છે જે જીવનને ભરપૂરપણે માણે છે, મસ્ત ખાય છે-પીએ છે. એ હોશિયારીપૂર્વક પોતાની ફિલ્મો પસંદ કરે છે. ભલે આ ફિલ્મો બ્લોકબસ્ટર સાબિત ન થતી હોય, પણ હુમાના અભિનયના હંમેશા વખાણ થયા છે. છેલ્લે આપણે એને 'તરલા' ફિલ્મમાં ગુજરાતણ વાનગીસમ્રાજ્ઞાી તરલા દલાલના રોલમાં જોઈ. 

હુમા બોલિવુડ માટે એક 'આઉટસાઇડર' છે. એના માટે ફિલ્મી સફર જરાય સરળ નથી રહી. પડકારો સતત આવ્યા, પણ હુમાએ સપનાં જોવાનું છોડયું નહીં. હુમા કહે છે, 'મને ભલે ફિલ્મી વારસો મળ્યો નથી. મારો ભાઈ સકિબ સલીમ પણ બોલિવુડનો એક્ટર છે. અમે ફિલ્મી પરિવારમાંથી આવતાં નથી, પણ અમે અમારો જ ફિલ્મી પરિવાર ઊભો કરી રહ્યા છીએ. અમને કોઈએ લોન્ચ નથી કર્યા કે અમારા માટે ફિલ્મ નથી બનાવી. અમે આપબળે જ જ્યાં આજે છીએ ત્યાં પહોંચ્યાં છીએ.'

એક્ટિંગનો શોખ હુમાને નાનપણથી જ હતો. 'મોનિકા, ઓ માય ડાર્લિંગ'ની આ અભિનેત્રી કહે છે, 'બાકીના તમામ વ્યવસાયોની જેમ એક્ટિંગનું કામ પણ થકવી દે એવું છે. એવા પણ કઠિન દિવસો હોય છે જ્યારે લાંબી શિફ્ટ હોય, મોડી રાત સુધી શૂટીંગ કરીને બીજા દિવસે વહેલી સવારે ઉઠી જવાનું હોય, વારંવાર ફ્લાઈટને કારણે શરીર થાકી ગયું હોય. ક્યારેક કંટાળું ત્યારે હું મારી જાતને સમજાવું કે હુમા, તું દરરોજ સવારે વહેલી ઊઠીને માત્ર કામ કર ફોકસ કર. વધુ પડતા વિચાર કરવાનું બંધ કર. મારો  મધ્યમવર્ગીય ઉછેરને કારણે હું રફ-એન્ડ-ટફ બની ગઈ છું, મક્કમ રહી શકું છું અને શાંત ચિત્તે કામ કરી શકું છું. મને હંમેશા ખબર હતી કે રાતોરાત સફળતા મળવાની નથી.' 

હુમા એક ભણેલીગણેલી એક્ટ્રેસ છે. એણે ઈતિહાસ સાથે ગ્રેજ્યુએશન કર્યું છે. શરુઆતમાં બોલિવુડની ટિપિકલ હિરોઈન બનવા એણે પોતાનો દેખાવ, વર્તન, વાણી બદલવાનો પ્રયાસ કર્યો હતો, પણ એની મિડલક્લાસ પર્સનાલિટી સાથે તે કશું બંધબેસતું નહોતું. આખરે પરિશ્રમ, નિષ્ઠા અને સમર્પણના જોરે એણે સફળતા મેળવી છે. હુમા કહે છે, 'હું મારી ભૂમિકાનો પ્રભાવ મારા અસલી જીવન પર પડવા દેતી નથી. હું આસાનીથી મારા રોલમાંથી બહાર આવી જાઉં છું. એનું શ્રેય હું મારી રંગભૂમિની ટ્રેનિંગને આપું છું.'

હુમા ૨૦૦૯માં મુંબઈ આવી. એ કહે છે, 'મારી  પાસે આજના કલાકારોની જેમ કોઈ નહોતો કોઈ એજન્ટ કે નહોતો મેનેજર. બે જોડી કપડા લઈને હું ઓડિશન આપવા નીકળી પડતી. ઓડિશન દરમિયાન મારા દેખાવને કારણે મારે કેટલીય વાર અપમાનિત થવું પડયું હતું. મને દેખીતા કારણ વગર રિજેક્ટ કરી દેવામાં આવતી, પણ ધીમે ધીમે હું ફિલ્મઉદ્યોગની આ કડવી વાસ્તવિક્તા સ્વીકારતા શીખી ગઈ. મેં કેવળ એક્ટર બનવા પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કર્યું. હું ટીકા પણ સહન કરતા શીખી ગઈ અને નકારાત્મકતાથી દૂર જ રહી.'

હૃષ્ટપુષ્ટ દેખાવ બદલ અપમાનિત થવાનો અનુભવ એળે ન ગયો. હુમા અને તેના ભાઈએ પોતાની પ્રોડક્શન કંપની શરૂ કરીને 'ડબલ એક્સએલ' નામની ફિલ્મ બનાવી તેના મૂળમાં આ જ બાબત છે. હુમા ઉપરાંત સોનાક્ષી સિંહાને ચમકાવતી આ ફિલ્મ ભલે બોક્સ ઓફિસ પર સફળ ન થઈ, પણ હુમાને આ ફિલ્મ માટે ગર્વ છે. હુમા નજીકના ભવિષ્યમાં 'પૂજા મેરી જાન' નામની ફિલ્મમાં દેખાશે.


Google NewsGoogle News