Get The App

મને લોકોએ સ્ટાર બનાવી છે એનો મને ગર્વ છેઃ ઉર્મિલા માતોંડકર

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News
મને લોકોએ સ્ટાર બનાવી છે એનો મને ગર્વ છેઃ ઉર્મિલા માતોંડકર 1 - image


- 'મારી ફિલ્મોગ્રાફીમાં 'ભૂત', 'એક હસીના થી', 'પિંજર' અને 'મંૈને ગાંધી કો નહીં મારા'નો પણ સમાવેશ થાય છે, તો પણ મારા પર ધરાર સેક્સ સિમ્બોલનુંલેબલ લગાવી દેેવામાં આવ્યું હતું.' 

- મધ્યમ વર્ગની મરાઠી છોકરી પોતાના કામના જોરે ચમકી રહી છે તે ઘણાને પચ્યું નહોતું

- તક મળે તો હું ફરી રામ ગોપાલ વર્મા અને મનોજ બાજપેયી સાથે કામ કરવાનું પસંદ કરીશ...

બો લિવુડમાં પોતાની પ્રતિભાને જોરે સફળ થનારી મરાઠી યુવતીઓની યાદીમાં ઉર્મિલા માતોંડકરનું નામ નોખું તરી આવે છે. નેવુંના દાયકામાં આ મરાઠી મૂલગીના ગીતોએ ધૂમ મચાવી હતી. કમબખ્ત ઇશ્ક અને ચમ્મા ચમ્મા ગીતો ગલીગલીએ ગવાતાં હતા. રામ ગોપાલ વર્મા-આરજીવી- સાથે ઉર્મિલા માતોંડકરે ઘણી ફિલ્મો કરી હતી. એક જમાનામાં તો ઉર્મિલા અને રામ ગોપાલ વર્માની જોડી જમાવી દેવામાં આવી હતી. એ પછી તેમની વચ્ચે સબંધો કથળ્યા હોવાની વાત પણ આવી. તાજેતરમાં સત્યા ફિલ્મને ૨૬ વર્ષ પુરાં થયા તે નિમિત્તે તેને ફરી રજૂ કરવામાં આવી તે નિમિત્તે રામગોપાલ વર્મા અને મનોજ બાજપેયી સાથે જોવા મળેલી ઉર્મિલાએ ઘણી સ્પષ્ટતાઓ કરી હતી. જેમાં એક મોટી સ્પષ્ટતા એ હતી કે રામ ગોપાલ વર્મા અને મારી વચ્ચે કોઇ અણબનાવ નથી.  

આ પ્રસંગે ઉર્મિલાએ તેની કારકિર્દી વિશે માંડીને વાત કરી હતી. તેણે જણાવ્યું હતું, 'જ્યારે મેં ૧૯૯૮માં સત્યા કરી ત્યારે એ ફિલ્મમાં હું જ એકમાત્ર જાણીતો ચહેરો હતી. બાકીના બધાં પ્રતિભાશાળી નવોદિત કળાકારો હતા. આરજીવી મારા પર ભરોસો મુકી બેઠાં હતા કે ઉર્મિલાને જોરે ફિલ્મ ચાલી જશે. રંગીલાને કારણે મને સ્ટાર સ્ટેટસ મળી ગયું હતું. પણ સત્યામાં મારે એક સીધીસાદી છોકરીની ભૂમિકા ભજવવાની હતી. આમ મારે બીજી જ ફિલ્મમાં સ્ટારડમ છોડતાં શીખવા મળ્યું.જ્યારે તમે ઘણાં વર્ષો કોઇ હસ્તી બનવા માટે સંઘર્ષ કર્યો હોય અને અચાનક તમને એક દિવસ સામાન્ય વ્યક્તિ તરીકે વર્તવાનું કહેવામાં આવે ત્યારે કેવી હાલત થાય એ મને એ સમયે સમજાયું હતું. ફિલ્મ સત્યામાં પણ મારા પાત્ર વિદ્યાની કોઇ આગવી ઓળખ નહોતી. તેનું વજૂદ એટલું જ હતું કે તે સત્યાની પડોશી હતી. મારા માટે સીધી સાદી છોકરીની ભૂમિકા ભજવવી એ એક મોટો પડકાર હતો. મને યાદ છે એ ભૂમિકા ભજવવા માટે મેં મારી માતાની જૂની સાડીઓનો ઉપયોગ કર્યો હતો. મને લાગ્યું હતું કે મારી ભૂમિકા ભજવવા માટે આ સાડીઓ લપેટવી એ યોગ્ય જ હતું. મને આનંદ છે કે આ સુંદર ફિલ્મને સફળ બનાવવામાં મને મારા સ્ટાર સ્ટેટસનો ઉપયોગ કરવા મળ્યો હતો.' 

આરજીવી સાથે પોતાના સંબંધોની વાત કરતાં ઉર્મિલાએ જણાવ્યું હતું કે આરજીવી અને મારી વચ્ચે સંબંધો કથળ્યા એવું કશું નહોતું. અમે સાથે કામ કરવાનું બંધ કર્યું હતું. પણ એ પછી ય મેં તેમની ફિલ્મો કંપની અને રામગોપાલ વર્મા કી આગમાં સ્પેશ્યલ સોંગ કર્યા જ હતા. નેવુંના દાયકાના મિડિયાએ મારી અભિનય ક્ષમતા સિવાય બીજી તમામ વાતો કરી હતી. આજે તો લોકો સગાંવાદ વિશે ખુલીને વાત કરતાં થયા છે પણ એ જમાનામાં ય મારી સાથે ઘણાં એક્ટર એવા હતા જે ફિલ્મી પરિવારમાંથી આવ્યા હતા. એક મધ્યમ વર્ગની છોકરી પોતાની પ્રતિભાને જોરે ચમકી રહી છે તે ઘણાંને પચ્યું નહોતું. હું મારી જાતે કોઇના પીઠબળ વિના આગળ આવી છું. લોકોએ મને સ્ટાર બનાવી છે એમ હું ગર્વપૂર્વક કહું છું. મારું કામ હમેંશા બોલતું રહ્યું છે. 

ઉર્મિલા આગળ જણાવે છે, મારી ફિલ્મોમાં કૌન?, ભૂત, એક હસીના થી, પિંજર, રંગીલા  અને મૈને ગાંધી કો નહીં મારાનો સમાવેશ થાય છે પણ મને સેક્સ સિરેન કે આઇટમ ગર્લ બનાવી દેવામાં આવી હતી. રંગીલા ફિલ્મમાં પણ મારી ભૂમિકા એક એવી સાદી  યુવતીની હતી જે મોટાં ખ્વાબ જુએ છે. તેની સેક્સી ઇમેજ જે પડદાં પર દેખાય છે તે તેની ફેન્ટસી હતી. 

મનોજ બાજપેયીએ આ ફિલ્મમાં ભીખુ મ્હાત્રેની યાદગાર ભૂમિકા ભજવી હતી. મનોજે આ ફિલ્મને ફરી સિનેમાઘરોમાં પ્રદર્શિત કરવામાં આવી તે પ્રસંગે એક્સ પર જણાવ્યું હતું કે ૨૬ વર્ષ  પછી પણ લોકો આ ફિલ્મ જોવા આવે છે. તે હજી દર્શકોના દિલ જીતી રહી છે. આ ક્લાસિક ફિલ્મને મોટાં પડદાં પર જોવાની એક આગવી મજા છે. ઇમોશન્સ, મ્યુઝિક અને અવિસ્મરણીય કથાની સરસ રજૂઆત. આ અનુભવ કદી જૂનો થવાનો નથી. 

આ પ્રસંગે રામ ગોપાલ વર્માએ તેમની લાક્ષણિક શૈલીમાં જણાવ્યું હતું કે મારી તાજેતરમાં આવેલી ફિલ્મો એટલી સફળ નીવડી નહીં હોય પણ હું નથી માનતો કે તેમાં એ પ્રમાણિકતા અને  પ્રતિબદ્ધતા હોય જે સત્યામાં તમને અનુભવાય છે. જ્યારે વિખ્યાત અમેરિકન ફિલ્મ સર્જક ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાને એક મુલાકાતમાં પૂછવામાં આવ્યું કે ગોડફાધર બાદ તમે બનાવેલી ફિલ્મ એટલી જ સારી ગણી શકાય ત્યારે હું તેમને એચકાતાં જોઇ શક્યો હતો. તેમને કદી એમ થયું જ નહોતું કે લોકો આવી સરખામણી કરશે. મને કોઇએ કદી પૂછ્યું નથી કે સત્યા બાદ તમે બનાવેલી ફિલ્મો એટલી જ સારી કેમ નથી બની પણ વધારે ખરાબ બાબત તો એ છે કે મેં પણ મારી જાતને પણ આ સવાલ કર્યો નહોતો. હવે જે થોડીઘણી ઝિંદગી બચી છે તેમાં હું ગંભીરપણે સત્યા સમાન ઉત્તમ ફિલ્મ બનાવવા માંગું છું. ઉર્મિલા વિશે રામ ગોપાલ વર્માએ જણાવ્યું હતું કે રંગીલા જેટલી ગ્લેમરસ હતી તેટલી તું જાણીતી બની હતી પણ સત્યા તેનાથી આગળ ગઇ છે. તારી જ હાજરીને કારણે સત્યા એક ઓર ગેંગસ્ટર ડ્રામા કરતાં વિશેષ બની શકી છે. તારું પાત્ર તેનું હાર્દ છે. પુરૂષોની દુનિયામાં એક સામાન્ય યુવતી તરીકે અલગ તરી આવવું એ સામાન્ય વાત નથી. પણ તેં આ કામ માની ન શકાય એટલી સરળતાથી કરી બતાવ્યું છે. 


Google NewsGoogle News