મારા વધુ પડતા વખાણ થઈ રહ્યા છેઃ વામિકા ગબ્બી
- 'એક તબક્કે હું માત્ર કેમેરા સામે આવવા જે કામ મળે તે લઈ લેતી હતી. જોકે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.'
વામિકા ગબ્બીનો 'જ્યુબિલી' શોનો અભિનય ખૂબ વખણાયો છે. અભિનેત્રીએ આ સીરીઝમાં 'નીલોફર' નામની ભૂમિકા બખૂબી ભજવી છે. પોતાની કારકિર્દીમાં ઝપાટાભેર આગળ વધી રહેલી વામિકાને બોલિવુડમાં મોટા બેનરો પણ આવકારી રહ્યાં છે.
વામિકાને કલ્પના પણ નહોતી કે તેના આ શોને આટલો બહોળો પ્રતિસાદ મળશે. તે કહે છે કે મને ખાતરી હતી કે કંઈક સારું થવાનું છે. મારું મન કહી રહ્યું હતું કે શોને દર્શકો ચોક્કસ પસંદ કરશે, પરંતુ 'જ્યુબિલી' ને જે લોકચાહના મળી રહી છે તે મારી કલ્પના બહાર હતી. મહત્ત્વની વાત એ છે કે આ શો દોઢ વર્ષથી બનીને તૈયાર હતો. પણ એમ લાગે છે કે દોઢ વર્ષનો ઈન્તઝાર લેખે લાગ્યો છે. તે વધુમાં કહે છે, 'હમણાં મેં પણ આ શો ફરી જોયો ત્યારે મને પાછું થયું કે હું આના કરતાં પણ વધું સારું કામ કરી શકી હોત. લોકો અમસ્તા જ મારા વખાણ કરી રહ્યાં છે.'
જોકે અભિનેત્રી તરત જ ઉમેરે છે, 'જ્યારે રિવ્યુઝમાં મેં મારા અને સિદ્ધાંત ગુપ્તાનાં નામ વાંચ્યાં ત્યારે મારી ખુશીનો પાર નહોતો રહ્યો. કેટલાંકે તો એમ લખ્યુ ંહતું કે હું 'જ્યુબિલી'નું દિલ છું. કેટલાંકે એમ પણ કહ્યું હતુંકે તેમણે નીલોફરને જોવા માટે જ આ શો જોયો તો. હું પણ એ વાત કબૂલ કરું છું કે નીલોફરની ભૂમિકાએ મારી કારકિર્દીને નવી ઊંચાઈ આપી છે. આવા શો વારંવાર નથી બનતાં. આવી સિરીઝમાં કામ કર્યા પછી મને કરવા ખાતર કોઈ કામ નહીં કરવું પડે. એક તબક્કે હું માત્ર કેમેરા સામે આવવા જે કામ મળે તે લઈ લેતી હતી. જોકે હવે આ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.'
વામિકાને મળી રહેલી સફળતા તેને વધુમાં વધુ કામ અપાવી રહી છે. તે કહે છે, 'બોલિવુડનાં મોટાં બેનરો મને ફિલ્મો ઓફર કરી રહ્યાં છે. હાલના તબક્કે હું ઘણી સ્ક્રિપ્ટ વાંચી રહી છું. ઓટીટી પર પણ મને ઘણી ઓફરો મળી રહી છે.'
અદાકારાની વાતમાં તથ્ય છે. એમ સાંભળવા મળી રહ્યું છે કે 'શિદ્ત-૨' માં પરિણીતી ચોપરાના સ્થાને વામિકાને લેવામાં આવી છે. અલબત્ત, વામિકા આ બાબતે હજી મગનું નામ મરી પાડવા તૈયાર નથી, પરંતુ ફિલ્મી ખબરીઓ આ મામલે શરત મારવા તૈયાર છે. એ જ હોય છે, વામિકાની ગાડી ટોપ ગિયરમાં આવી ગઈ છે તે હકીકત છે.