હું તો એક્સિડેન્ટલ એક્ટર છું: રિતેશ દેશમુખ
મુંબઇમાં ફિલ્મ ઉદ્યોગમાં બે દાયકા કરતાં વધારે સમયથી સક્રિય રિતેશ દેશમુખ હિન્દી ફિલ્મોમાં એક કોમેડી એક્ટર બની રહ્યો છે પણ મરાઠી ફિલ્મોમાં તે એક પ્રતિષ્ઠિત નિર્માતા અને વિખ્યાત ટીવી હોસ્ટ તરીકે જબરદસ્ત સફળતા પ્રાપ્ત કરી ચૂક્યો છે. રિતેશ દેશમુખ હવે નિર્દેશક તરીકે એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. હાલ તે છત્રપતિ શિવાજી મહારાજના જીવન પર આધારિત રાજા શિવાજી ફિલ્મ બનાવી રહ્યો છે. આ ફિલ્મ હિન્દી અને મરાઠીમાં બની રહી છે.
પોતાની બે દાયકાની હિન્દી ફિલ્મની કારકિર્દી પર નજર નાંખતા રિતેશ કહે છે, હું તો એક્સિડેન્ટલ એક્ટર છું. ૨૦૦૩ની સાલમાં મારી પ્રથમ ફિલ્મ તુઝે મેરી કસમ રજૂ થઇ ત્યારે મારું એક જ ધ્યેય હતું કે દર્શકો મને એક અભિનેતા તરીકે સ્વીકારી લે. એ પછી ૨૦૦૪માં મસ્તી અને ૨૦૦૫માં ક્યા કૂલ હૈ હમ નામની કોમેડી ફિલ્મો આવી અને તે હીટ નીવડતાં લોકો મને માત્ર કોમેડી ભૂમિકાઓ જ ઓફર કરવા માંડયા. આજે બે દાયકા પણ રિતેશની ડિમાન્ડ કોમેડી ફિલ્મોમાં અકબંધ છે. હવે તેની કોમેડી ફિલ્મો હાઉસફૂલ ૫, ધમાલ ૪ અને મસ્તી ૪ એક પછી એક રજૂ થવાની છે.
મરાઠીમાં લોકપ્રિય બિગબોસ શોનું સંચાલન હમણાં સુધી પીઢ અભિનેતા મહેેશ માંજરેકર કરતાં હતા. પણ બિગબોસ મરાઠી સિઝન ૫માં હોસ્ટની જવાબદારી રિતેશ દેશમુખે સંભાળી હતી. આ સિઝનની લોકપ્રિયતા જોઇ અંદાજ આવે છે કે રિતેશ એક હોસ્ટ તરીકે પણ સફળ પુરવાર થયો છે. પણ રિતેશની સફળતાની ફિલોસોફી અલગ છે. તે કહે છે, સફળતાના ભાર નીચે દબાઇ જવાને બદલે હું મારા કામને વધારે જવાબદારીપૂર્વક કરવામાં માનું છું. મારા જીવનમાં હું શરૂઆતથી જ સમજી ગયો હતો કે તમારા કામનું પરિણામ તમારા હાથમાં હોતું નથી. તે સફળ પણ થાય અને નિષ્ફળ પણ જાય. તમારી પાસે સફળતા-નિષ્ફળતાની દરકાર કર્યા વિના પુરેપુરી પ્રમાણિકતાથી કામ કરવાનો જ વિકલ્પ હોય છે. તમારે તમારું કામ જવાબદારીપૂર્વક કરવું જોઇએ અને તેમાં જીવ રેડી દેવો જોઇએ. રિતેશ દેશમુખે આ બિગબોસની સિઝનમાં હોસ્ટ તરીકે કામ કરવાની સાથે સાથે હાઉસફૂલ પનું શૂટિંગ પણ કર્યું છે. પોતાની માનીતી કોમેડી ફિલ્મોમાં કામ કરવા બાબતે રિતેશ કહે છે, મને કોમેડી ફિલ્મોમાં કામ કરવાનું હમેંશા ગમ્યું છે. પણ હવે હ ુંં દિગ્દર્શક તરીકે પણ કામ કરી રહ્યો છું.
કોમેડી ફિલ્મોના એકટર તરીકેની ઓળખ ભૂંસવા નેગેટિવ ભૂમિકાઓ ભજવી હતી કે કેમ તેવા સવાલના જવાબમાં રિતેશ કહે છે, ના. મેં કોમેડી ફિલ્મોથી દૂર જવાનો કોઇ ઇરાદાપૂર્વક પ્રયાસ કર્યો નથી. મને ૨૦૧૪માં એક આવી તક મળી હતી અને તે મેં ઝડપી લીધી હતી. એક્તા કપૂર અને મોહિત સૂરીએ મને અક વિલન ઓફર કરી હતી અને મેં તે સ્વીકારી લીધી હતી. તે જે રીતે સફળ થઇ તેનો મને સંતોષ છે. ૨૦૧૪માં જ મરાઠીમાં લય ભારી કરી રિતેશે મરાઠી ફિલ્મોમાં પણ મોટી સફળતા મેળવી હતી. કોમેડી ફિલ્મો ભણી પાછાં ફરવાની વાત કરતાં રિતેશ ઉમેરે છે, એ પછી મેં ૨૦૦૪માં નાચ અને ૨૦૧૦માં રણ જેવી ગંભીર ફિલ્મોમાં પણ કામ કર્યું પણ તે સફળ ન નીવડી. મેં અલાદીન પણ કરી જોઇ પણ તે ય સફળ ન થઇ. આમ હું ફરી કોમેડી ભણી પાછો ફર્યો. હવે એક પછી એક ત્રણ કોમેડી ફિલ્મો રજૂ થવાની છે. હવે રિતેશની રેડ ૨ પણ રજૂ થવાની તૈયારીમાં છે. આમ, રિતેશ એક સફળ કોમેડી અભિનેતાથી શરૂ કરી હવે દિગ્દર્શક તરીકે ફિલ્મ ઉદ્યોગમાં પોતાનું સ્થાન જમાવી રહ્યો છે.
મરાઠી ફિલ્મોમાં જબરદસ્ત સફળતા મેળવનારો રિતેશ દેશમુખ વાસ્તવિકતાને સ્વીકારતાં કહે છે, દરેક જણની સફળતા માપવાની રીત અલગ અલગ હોય છે. હું તો અનાયાસે અભિનેતા બની ગયો હતો. ખરેખર તો એક્ટર બનવાની મારી કોઇ યોજના જ નહોતી. મેં ં મારી પ્રથમ ફિલ્મને મારી છેલ્લી ફિલ્મ ગણી કામ કર્યું હતું. પણ મને જીવનમાં જે તકો મળી છે તેના માટે હું હિન્દી ફિલ્મ ઉદ્યોગનો આભારી છું. દંતકથા સમાન ફિલ્મ સ્ટાર્સ અમિતાભ બચ્ચન, શાહરૂખખાન, સલમાન ખાન, માધુરી દિક્ષિત, અનિલ કપૂર, અજય દેવગણ, અક્ષય કુમાર અને સંજય દત્ત સાથે મને કામ કરવાની તક મળી છે. આ બધાં મારા હીરોઝ છે. તેમની સાથે સ્ક્રિન શેર કરવા મળ્યો એ જ મારી સફળતા છે. દરેક જણ આવી તક મેળવવા માટે ભાગ્યશાળી હોતો નથી. હવે હું એક નિર્દેશક તરીકે મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગું છું. વીશ યુ ઓલ ધ બેસ્ટ, રિતેશ!