હૃતિક રોશન કન્ફ્યુઝ્ડ છે .
- ઓડિયન્સ અને ઇન્ડસ્ટ્રી બન્નેને આશા હતી કે 'ફાઇટર' પણ 'જવાન'-'એનિમલ'ની કમાણીને ટક્કર આપે એટલા રૂપિયા કમાશે. એવું થયું નહીં. બાકી હૃતિક જેવો સુપરસ્ટાર હીરો હોય અને દીપિકા પદુકોણ જેવી ટોપની હિરોઈન હોય એટલે અપેક્ષા તો રહે જ.
- હૃતિક રોશન એક અન્ડરરેટેડ સુપરસ્ટાર છે. જોઈએ, એની આગામી ફિલ્મ 'વોર-ટુ' કેવીક કમાલ કરે છે.
હૃ તિક રોશનની મૂંઝવણનો પાર નથી. એક તરફ એની લેટેસ્ટ ફિલ્મ 'ફાઇટર'ના, ને એમાંય ખાસ કરીને તેના પર્ફોર્મન્સના વખાણ થઈ રહ્યા છે. બીજી તરફ, આ ફિલ્મે ૨૮૬ કરોડનો વર્લ્ડવાઇડ વકરો કરી નાખ્યો છે એવી જાહેરાતો થાય છે ને ત્રીજી તરફ, 'ફાઇટર' ફિલ્મ શા માટે ન ચાલી તેનાં વિશ્લેષણો થઈ રહ્યા છે! આમાં સાચું શું માનવું?
'ફાઇટર' એક સુંદર ફિલ્મ છે તે વિશે બેમત નથી. જો સિનેમાના માપદંડોને ધ્યાનમાં રાખીએ તો 'સલામ નમસ્તે'થી માંડીને 'વોર' અને 'પઠાણ' સુધીની કેટલીય સફળ ફિલ્મો બનાવીને બેઠેલા સિદ્ધાર્થ આનંદની કરીઅરની આ શ્રેષ્ઠ ફિલ્મ છે. ઇન્ડિયન એર ફોર્સ અને એના પાઇલટ્સની વાત કરતી આટલી સફાઈદાર ફિલ્મ અગાઉ હિન્દી સિનેમાના પડદે ક્યારેય આવી નથી. અલબત્ત, ટ્રેલર રિલીઝ થયું ત્યારે સૌએ માની લીધું હતું કે આ તો ટોમ ક્રુઝની સુપરહિટ 'ટોપ ગન'ની નબળી નકલ લાગે છે, પણ ફિલ્મ જોઈને વાંકદેખાઓની બોલતી બંધ થઈ ગઈ હતી. 'ફાઇટર'માં સોફિસ્ટિકેશન છે, અસરકારક વીએફએક્સ છે, સરસ ઇમોશનલ પન્ચ, દેશભક્તિનો રંગ છે. અહીં કશું જ લાઉડ નથી, બધું જ સંયત છે, માપસર છે.
બીજું એક કન્ફ્યુઝન હૃતિકના ડાન્સ સોંગ્સના મામલે થયું. આ ફિલ્મમાં બે ડાન્સ સોંગ્સ છે - 'શેર ખુલ ગયે' અને 'સચ જૈસા કુછ'. સોશિયલ મીડિયા પર રીલ્સ અને શોર્ટ્સ બનાવતી ઉત્સાહી જનતા આ ગીતો જોઈને પાગલ થઈ અને એમણે હજારો વીડિયો બનાવી નાખ્યા. બીજી બાજુ એવો ગણગણાટ શરૂ થઈ ગયો કે આ ડાન્સ સોંગ્સનાં સ્ટેપ્સ જામતાં નથી ને તે હૃતિકની ડાન્સિંગ ટેલેન્ટને પૂરતો ન્યાય આપતાં નથી!
ફિલ્મ અપેક્ષા પ્રમાણે ન ચાલે એટલે લોકોને હજાર વાંક દેખાય. ૨૮૭ કરોડના બિઝનેસનો આંકડો નાનો નથી, પણ બોક્સઓફિસના આંકડાની વાત કરતી વખતે હંમેશા ફિલ્મનું બજેટ ધ્યાનમાં રાખવું જોઈએ. 'ફાઇટર' અઢીસો કરોડના ખર્ચે બની છે. ત્રણ વીક પછીય તેનું બોક્સ ઓફિસ કલેક્શન ૩૦૦ કરોડ પર ન પહોંચી શકે તે ગંભીર બાબત તો ખરી જ. તુલના માટે જુઓ કે વિક્રાંત મેસીની 'ટ્વેલ્થ ફેઇલ' માત્ર ૨૦ કરોડના ખર્ચે બની હતી. તેણે બોક્સ ઓફિસ પર બિઝનેસ કર્યો ૭૦ કરોડ. એટલે કે મૂળ બજેટ કરતાં ત્રણ ગણો વધારે. આની સામે ૨૮૭ કરોડ એકઠા કરનાર 'ફાઇટર' ફિલ્મે પોતાના બજેટથી દોઢ ગણો બિઝનેસ પણ કર્યો નથી.
'પઠાણ', 'જવાન', 'એનિમલ' જેવી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા એટલો તોતિંગ છે કે એની સામે 'ફાઇટર' ઝાંખી પડી જાય છે. ઓડિયન્સ અને ઇન્ડસ્ટ્રી બન્નેની અપેક્ષા એવી હતી કે 'ફાઇટર' પણ 'જવાન'-'એનિમલ'ની કમાણીને ટક્કર આપે એટલા રૂપિયા કમાશે. એવું થયું નહીં. બાકી હૃતિક જેવો સુપરસ્ટાર હીરો હોય અને દીપિકા પદુકોણ જેવી ટોપની હિરોઈન હોય એટલે અપેક્ષા તો રહે જ. ઘણા વિશ્લેષકો 'ફાઇટર'ના નબળા પ્રમોશન તરફ આંગળી ચીંધે છે. 'ફાઇટર'ની રિલીઝ પહેલાં આ ફિલ્મ વિશે જોરદાર હવા ઊભી થઈ નહોતી તે હકીકત છે. જમાનો એવો છે કે વિવાદો પેદા થવા જોઈએ (યાદ કરો 'પઠાણ'ના રિલીઝ પહેલાં ભગવા રંગની બિકીનીધારી દીપિકાના 'બેશરમ રંગ' ગીતે પેદા કરી નાખેલી જોરદાર કન્ટ્રોવર્સી), મેઇનસ્ટ્રીમ મીડિયા અને સોશિયલ મીડિયામાં ફિલ્મ માટે 'બઝ' પેદા થવી જોઈએ... 'ફાઇટર'ના કેસમાં આવું કશું બન્યું નહીં. ખેર, આની પ્રતિદલીલમાં કહી શકાય કે 'ટ્વેલ્થ ફેઇલ'ની રિલીઝ પહેલાં ક્યાં હલ્લાગુલ્લા કરવામાં આવ્યા હતા? ફિલ્મનું પ્રમોશન નહીવત્ હતું, તે ચુપચાપ રિલીઝ થઈ ગઈ હતી, પણ તેના કોન્ટેન્ટમાં એટલો દમ હતો કે લોકોએ ફિલ્મને ઉંચકી લીધી.
ખેર, આ તો ફિલ્મી દુનિયા છે. અહીં ક્યાં, શું, કેટલું ચાલશે એ કહી શકાતું નથી. હૃતિક રોશન આમેય એક અન્ડરરેટેડ સુપરસ્ટાર છે. જોઈએ, એની આગામી ફિલ્મ 'વોર-ટુ' કેવીક કમાલ કરે છે.