Get The App

દિવ્યા ખોસલા આધુનિક સતી સાવિત્રી કેવી હોય?

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
દિવ્યા ખોસલા આધુનિક સતી સાવિત્રી કેવી હોય? 1 - image


- જ્યારે પુરુષ મહત્ત્વાકાંક્ષી હોય ત્યારે ઘરની તમામ વ્યક્તિ તેને  મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા માટે પ્રોત્સાહિત કરે છે, પરંતુ જ્યારે કોઈ સ્ત્રી પોતાની એમ્બિશન વિશે વાત કરે છે ત્યારે એને હજાર સવાલો કરવામાં આવે છે, એના રસ્તામાં અવરોધો પેદા કરવામાં આવે છે...

અભિનેત્રી દિવ્યા ખોસલા-કુમારની ફિલ્મ 'સાવી'ને થિયેટર પર ઠીકઠાક પ્રતિસાદ મળી રહ્યો છે તેમાંય મહિલા-દર્શકોએ તો આ ફિલ્મને ખાસ વધાવી લીધી છે અને તેનું કારણ એ છે કે આ ફિલ્મની કથાવસ્તુ પૌરાણિક કથા સતી સાવિત્રી પર આધારિત છે, જેમાં સાવિત્રી પોતાના પતિને પાછો મેળવવા ભગવાન સાથે પણ સંઘર્ષમાં ઊતરે છે. 'સાવી'માં આધુનિક સાવિત્રીની વાત કરવામાં આવી છે, જે મહિલા દર્શકોને ગમી ગઈ છે.

'સાવી' ફિલ્મની રિલિઝ પૂર્વે મુંબઈમાં આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરાયું ત્યારે આધુનિક સાવિત્રી બનેલી દિવ્યા ખોસલા-કુમારે પત્રકારો સાથે દિલથી વાતો કરી હતી અને ફિલ્મના અનુભવો અને તેના પાત્ર માટે ઘણી મહત્ત્વની માહિતી જણાવી હતી. દિવ્યા ખોસલાએ જણાવ્યું હતું કે, 'ખરેખર 'સાવી'ની મારી ભૂમિકા પડકારજનક છે. હું નાની હતી ત્યારથી મારી માતા અને પરિવારના સભ્યો પાસેથી સતી સાવિત્રીની વાર્તા સાંભળી છે, જેમાં સાવિત્રી તેના પતિ સત્યવાનને પાછો મેળવવા માટે યમરાજ સાથે પણ લડે છે. આ વાર્તા સ્ત્રીની હિંમત અને સામર્થ્યની વાર્તા છે. આ વાર્તા બતાવે છે કે એક મહિલા કેવી રીતે તેના પતિ માટે પરિવારજનો માટે સમગ્ર બ્રહ્માંડ સાથે લડી શકે છે.'

દિવ્યાએ વધુમાં જણાવે છે, 'મને એ કહેતા ઘણું ગર્વ થાય છે કે અમારી ફિલ્મ 'સાવી' એ તો સતિ સાવિત્રીનું આધુનિક સંસ્કરણ છે અને મને પૂરેપૂરી ખાતરી અને વિશ્વાસ છે કે ભારતીય દર્શકોને તેમાં ખાસ કરીને મહિલા વર્ગને તો ખૂબ જ ગમશે. દરેક મહિલાને આ ફિલ્મ અને તેની વાર્તા સ્પર્શી જશે, એવું કહેવાની જરૂર નથી કેમ કે તેને જે રીતે અત્યારે પ્રતિસાદ મળી રહ્યો છે, એ વાત જ આ માન્યતાને પુષ્ટિ આપે છે. દરેક મહિલા 'સાવી'ને જોયા પછી પોતાની અંદર સાવિત્રીને પ્રતિબિંબ થતી હોય એવું અનુભવશે.' દિવ્યાએ એ પણ ઉલ્લેખ કર્યો કે કેવી રીતે એક સ્ત્રીને માત્ર એ ગૃહિણી છે એવું લેબલ આપીને તેની ક્ષમતાને નબળી પાડવામાં આવે છે.

'અમે જોઈએ છીએ કે લોકો હંમેશા કહેતા હોય છે કે ઓહ, એ તો માત્ર હાઉસવાઇફ છે. એ દુ:ખની વાત છે કે લોકો કેટલી સરળતા અને સહજતાથી ગૃહિણી સમક્ષ 'માત્ર' શબ્દ ઉમેરે દે છે. પરિવારમાં તેની ભૂમિકા માત્ર 'ન્યાય' કરતાં વધુ મોટી છે. જ્યારે પતિ કામ માટે ઘરની બહાર જાય છે ત્યારે ગૃહિણી ઘરની સંભાળ રાખે છે અને તે સાથે જ કોઈ પણ તાણ વિના તેના કામ પર ધ્યાન કેન્દ્રીત કરી શકે છે. આ ઉપરાંત બાળકોને ઉછેરે છે અને તેમને આપણી સંસ્કૃતિથી અવગત સુધ્ધાં કરાવે છે. વર્કિંગ વુમન પણ એક ગૃહિણી જ છે, કારણ કે તે વધુ સ્વતંત્ર કારકિર્દી સાથે ઘરની સંભાળ પણ રાખે છે. આ જ તો સ્ત્રીની તાકાત છે, શક્તિ છે અને આ બાબત પણ અમારી ફિલ્મ 'સાવી'માં પણ દર્શાવાયું છે. મારું પાત્ર સાવીનું જ છે જે એક ગૃહિણી છે, પણ તે 'માત્ર ગૃહિણી નથી.' 

દિવ્યા વધુમાં જણાવ્યું કે, 'કેવી રીતે મહિલાઓ જ્યારે કામ કરવા માટે બહાર જાય છે ત્યારે તેને નામ અને ટેગ આપવામાં આવે છે. જ્યારે કોઈ પુરુષ કહે છે કે હું મહત્ત્વાકાંક્ષી છું. દરેક વ્યક્તિ તેને કારકિર્દી બનાવવા અને તેની મહત્ત્વાકાંક્ષા પરિપૂર્ણ કરવા પ્રોત્સાહિત કરે છે, પરંતુ જ્યારે કોઈ સ્ત્રી તેની મહત્ત્વાકાંક્ષા વિશે વાત કરે છે ત્યારે તે વિશેના પ્રશ્નો દ્વારા તેને અટકાવવામાં આવે છે, અવરોધવામાં આવે છે.'

સ્ત્રીઓને પરિવાર પ્રત્યેની ફરજ અને જવાબદારી એવું કેમ છે? જો મહત્ત્વાકાંક્ષી હોવા માટે પુરુષની પ્રશંસા થાય છે તો સ્ત્રીઓની કેમ નહીં? આવા પ્રશ્ન પૂછવા સાથે દિવ્યા કહે છે, 'મહિલાને પણ સપનાં અને આકાંક્ષા હોય છે અને તેના પ્રયાસોને અવગણવા જોઈએ નહીં.'

દિગ્દર્શક અભિનય દેવ જેઓ 'દિલ્હી બેલી' અને 'બ્લેકમેલ' જેવી ફિલ્મો માટે જાણીતા છે, તેમણે કહ્યું, 'તેણે આ ફિલ્મનું સુકાન સંભાળવાનું નક્કી કર્યું કેમ કે તેમને 'સાવી'ની વાર્તા બહુ ગમી ગઈ હતી અને તેમને પ્રેરણારૂપ લાગતી હતી. મેં આ ફિલ્મમાં એક સામાન્ય પરિવારની વાર્તા કહેવાની તક જોઈ જેમાં પતિ, પત્ની અને બાળકનું જીવન એક ઘટનાને કારણે કેવું પલટાઈ જાય છે. તેમને લાગે છે કે સ્ત્રી ખૂબ જ સામાન્ય જીવન જીવી રહી છે, પરંતુ જ્યારે તેનો પતિ એક સમસ્યામાં સપડાઈ જાય છે ત્યારે તમે એ સ્ત્રીની સાચી સમસ્યા, શક્તિ અને સંવેદના જુઓ છો. મારા માટે આ ફિલ્મ એક રોમાંચક બાબત હતી. ફિલ્મમાં ઊંડાણ છે અને મેં જોયું છે કે સ્ત્રીઓ પુરુષોની સરખામણીમાં ઘણી મજબૂત અને સક્ષમ હોય છે.'

'સાવી'ના ટ્રેલરના લૉન્ચમાં સૌથી મોટું આશ્ચર્ય અનિલ કપૂરની હાજરી હતી. અભિનવ દેવે આ બાબતને શેર કરતાં જણાવ્યું કે 'આ આ ફિલ્મ અભિનેતાને મેં કાસ્ટ કર્યો છે. મેં તેની સાથે સીરિઝ '૨૪'માં કામ કર્યું છે તેથી મારા માટે તેમનો સંપર્ક કરવો એકદમ સરળ હતો. પ્રેક્ષકો અનિલ કપૂરને ખૂબ જ અલગ ભૂમિકામાં નિહાળી રહ્યા છે.

ટ્રેલર લૉન્ચ વેળા નિર્માતા મુકેશ ભટ્ટે જણાવ્યું કે 'સાવી' સ્વર્ગસ્થ ગાયક કે કે દ્વારા રેકોર્ડ કરાયેલું છેલ્લું ગીત પ્રદર્શિત કરે છે. કે કે એક શ્રેષ્ઠ ગાયક હતો અને મારી પાસે તેની સાથેની મિત્રતા છે, જે મને ખૂબ વ્હાલી છે. અમે બંનેએ સાથે મળીને ઘણાં ગીતો પર કામ કર્યું છે અને તેણે મને સૌથી વધુ હીટ ગીત આપ્યાં છે. 'સાવી' માટે ગીત રેકોર્ડ કર્યાને એક અઠવાડિયામાં જ તેમનું નિધન થયું હતું. મને ખાતરી છે કે દર્શકોને આ ગીત ગમશે. આટલું જ નહીં તે જ્યાં પણ છે ત્યાંથી આટલો બધો પ્રેમ જોઈને ખુશ થતો હશે,' એમ મુકેશ ભટ્ટે જણાવ્યું હતું. 


Google NewsGoogle News