કાનૂની ચક્કરમાં સપડાયેલા હોલિવુડ સેલિબ્રિટીઃ અસલી હાઈ પ્રોફાઈલ કોર્ટરૂમ ડ્રામા
હોલિવુડની ઝાકઝમાળ વચ્ચે કેટલીક વિખ્યાત સેલિબ્રિટીઓ જાહેર જનતાની નજરમાં વાસ્તવિક કાનૂની ડ્રામામાં સપડાઈ ગઈ છે. આ સિતારાઓ પર કોન્સર્ટમાં મોડા આવવાથી માંડીને જાતીય હુમલા સુધીના આરોપો લાગ્યા છે. આવા રસપ્રદ કોર્ટરૂમ ડ્રામાથી જોકે સેલિબ્રિટીઓની ચમક ઝાંખી પડે છે અને જીવનની વરવી વાસ્તવિક્તા સામે આવે છે.
મેડોના
ગાયિકા મેડોના પર ન્યુ યોર્કમાં એક કન્સર્ટમાં બે કલાક મોડા આવવા બદલ બે ફેન્સ દ્વારા કેસ દાખલ કરાયો હતો. કોર્ટના દસ્તાવેજોથી જાણકારી મળી કે બંને જણાએ એવો દાવો કર્યો છે કે શોમાં વિલંબ થવાનો છે તેવી તેમને જાણ હોત તો તેમણે ટિકિટની રકમ ન ખર્ચી હોત. ચાહકોએ ૬૫ વર્ષીય સેલિબ્રિટી અને ટૂરના સંચાલકો પર ગેરમાર્ગે દોરવતી જાહેરાતો, ગેરરજૂઆત અને અયોગ્ય અને છેતરામણી વેપારવૃત્તિ દર્શાવવાના આરોપ કરીને કેસ દાખલ કર્યો છે.
વિન ડીઝલ
૫૬ વર્ષના વિન ડીઝલ પર તેની ભૂતપૂર્વ સહાયક એસ્ટા જોનાસને જાતીય હુમલાનો કેસ કર્યો છે. ફરિયાદમાં જણાવાયું છે કે એક્ટરે ૨૦૧૦માં ફાસ્ટ ફાઈવના શૂટ દરમ્યાન જોનાસન પર બળજબરી કરી હતી. લોસ એન્જલસ કોર્ટમાં દાખલ કરાયેલા કેસના દસ્તાવેજો મુજબ કથિત હુમલા પછી થોડા કલાકોમાં જ તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવી હતી.
સોફિયા વરગરા
૫૧ વર્ષીય એક્ટર સોફિયા વરગરાને એક સિરીઝમાં કોલંબિયન ડ્રગ ક્વીન ગ્રિસેલ્ડા બ્લેન્કોના પરિવારે તેનું પાત્ર ભજવવાના આરોપમાં કોર્ટમાં ઘસડી છે. ગ્રિસેલ્ડા નામનો આ શો બ્લેન્કો અને અન્ડરવર્લ્ડમાં તેના ઉદ્ભવની વાર્તા પર આધારિત છે. સદ્ગત ડ્રગ માફિયા ક્વીનના પરિવારે તેમની સહમતિ વિના તેના પાત્રનો ઉપયોગ કરવા માટે સોફિયા પર કેસ દાખલ કર્યો છે.
એલન રેક
૬૭ વર્ષીય એક્ટર એલન રેક સામે એકથી વધુ કાર અકસ્માત કરવા બદલ કેસ દાખલ કરાયો છે. કેસમાં એક કારચાલકે દાવો કર્યો છે કે ગયા વર્ષે લોસ એન્જલસમાં ૩૧ ઓક્ટોબરે થયેલા અકસ્માતામં અનેક જણાને ઘાયલ કરનાર અને વાહનોને નુકસાન કરતા અકસ્માત માટે રક જવાબદાર હતો.
કેવિન હાર્ટ
એક્ટર કેવિન હાર્ટે યુટયુબર તાશા કે. સામે પ્રતિબંધિત આદેશની માગણી કરી છે અને કથિત ખંડણી માગવા માટે તાશા અને તેની સહાયક મીશા શેક્સ સામે દાવો માંડયો છે. એક્ટરનો દાવો છે કે તાશાએ તેની અને શેક્સ વચ્ચેનો ઈન્ટરવ્યુ જાહેર થતો રોકવા માટે મોટી રકમની માગણી કરી હતી. ૪૪ વર્ષીય કેવિનનો દાવો છે કે યુટયુબર સાથે સંકળાયેલી કોઈ વ્યક્તિએ તેની ટીમનો સંપર્ક કરીને ધમકી આપી હતી કે તેઓ અઢી લાખ ડોલર નહીં ચુકવે તો હાર્ટ સાથેનો ઈન્ટરવ્યુ ટેલિકાસ્ટ કરવામાં આવશે.
મિયા ગોથ
એક બેકગ્રાઉન્ડ એક્ટરે ૩૦ વર્ષીય મિયા ગોથ સામે ગયા વર્ષે એપ્રિલ મહિનામાં એક શૂટ દરમ્યાન ઈરાદાપૂર્વક તેના માથા પર લાત મારવાનો આરોપ લગાવ્યો છે. ફરિયાદીનો દાવો છે કે આગામી ફિલ્મ મેક્સીનના સેટ પર ગોથે તેને માર્યા પછી તેને માનસિક અસર થઈ હતી. ઉપરાંત પછીના દિવસે ગોથ તેના પર હસ્યો હતો અને ફરિયાદીને ત્યાર પછી ફિલ્મના સેટ પર આવવાની મનાઈ કરવામાં આવી હતી.
એલેક બોલ્ડવિન
૬૫ વર્ષીય કલાકાર એલેક બોલ્ડવિન પર તાજેતરમાં રસ્ટના સેટ પર સિનેમાટોગ્રાફર હેલીના હચિન્સના જીવલેણ શૂટીંગમાં બિનઈરાદાપૂર્વક મનુષ્યવધનો આરોપ લગાડવામાં આવ્યો છે. ચકાસણી પછી એક્ટરે શોટ માટે ટ્રિગર દબાવી હોવાનું સ્પષ્ટ થતા તેની સામે ચાર્જીસ ઘડાયા હતા. અગાઉ બોલ્ડવિને ટ્રિગર દબાવી હોવાનું નકાર્યું હતું.