હોલિવુડ સેલિબ્રિટીઓને યોગની ઉપયોગિતા સમજાઈ
- જેનિફર એનિસ્ટન, ગ્વાયનેથ પેલ્ટ્રો, રોબર્ટ ડાવની જુ. જેવા કલાકારો, લેડી ગાગા, સ્ટિન્ગ, એલિશિયા કીઝ જેવા સંગીતકારો ઉપરાંત અનેક સેલિબ્રિટીએ યોગને પોતાના દૈનિક જીવનમાં સ્થાન આપ્યું છે. કેટલાકે તો તેમાં વ્યાવસાયિક નિપુણતા હાંસલ કરી છે.
૧. જેનિફર એનિસ્ટન
ફેબુ્રઆરી ૨૦૦૫માં જેનિફર એનિસ્ટનના બ્રેડ પિટ સાથે છૂટાછેડા થયા અને તેણે હતાશા ભૂલવા ફિટનેસ ટ્રેનર મેન્ડી ઈન્ગબર સાથે વ્યાયામ શરૂ કર્યો. આ દરમ્યાન જેનિફરને યોગની ઉપયોગિતા સમજાઈ. જેનિફરે સ્પષ્ટતા કરી કે ફિટનેસની વાત કરીએ ત્યારે માત્ર શારીરિક નહિ પણ માનસિક આરોગ્યનો પણ વિચાર કરવો જોઈએ અને તેમાં જ યોગનું મહત્વ રહેલું છે. ધી ફ્રેન્ડ્સની આ મેગા સ્ટાર હવે પંચાવન વર્ષની વયે પણ નિયમિત યોગ કરે છે.
૨. સ્ટિન્ગ
સ્ટિન્ગ ચુસ્તપણે વિન્યાસા ફ્લો યોગનું પાલન કરે છે. તેના મતે યોગના પાલનથી તેના જીવનમાં આમૂલ પરિવર્તન થયું છે. સ્ટિન્ગ કહે છે કે યોગને કારણે જ તેની અને તેની પત્ની ટ્રુડી સ્ટાઈલર વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બન્યો છે અને સાથે મળીને યોગ કરવાથી તેમનું આધ્યાત્મિક સ્તર પણ ઊંચે ગયું છે.
૨૦૧૦ની પોતાની સીમ્ફોનિટિક્સ ટૂર દરમ્યાન જ્યારે સ્ટિન્ગ પોતાના સોલો ગીત તેમજ રોયલ ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રા સાથે પોલીસના ગીત પર પરફોર્મ કરી રહ્યો હતો ત્યારે તેણે પોતાના મ્યુઝીક રુટિનમાં કેટલાક યોગાસનો પણ ઉમેર્યા હતા.
૩. રોબર્ટ ડાવની જુ.
રોબર્ટ ડાવની જુ.ની ૨૦૦૧માં ડ્રગ્સના ચાર્જીસ હેઠળ ધરપકડ થઈ હતી. પણ રોબર્ટ આ વ્યસનથી મુક્ત થવામાં સફળ રહ્યો અને ત્યારથી વ્યસન મુક્ત જીવન જીવી રહ્યો છે. રોબર્ટ તેની આ સફળતાનું શ્રેય યોગના પાલનને આપે છે. રોબર્ટ કહે છે કે યોગથી જ તેને શાંત રહેવામાં અને માનસિક તેમજ આધ્યાત્મિક સંતુલન જાળવવામાં સફળતા મળી છે જેનાથી તે પોતાના વ્યસનથી મુક્તિ મેળવી શક્યો હતો. એક અહેવાલ મુજબ આ ચેપ્લિન કલાકાર વિખ્યાત યોગી વિની મેરિનો સાથે નિયમિત પાવર યોગનું પાલન કરે છે.
૪. કેટ હડસન
ગોલ્ડન ગ્લોબ વિજેતા અભિનેત્રી કેટ હડસને પોતાની સ્ક્રીન પરની ભવ્યતા અને વર્સેટાઈલ અભિનયથી અનેકને મોહિત કર્યા છે. એક મુલાકાતમાં હડસને માન્યું કે હું શક્ય હોય તેટલો વધુ સમય યોગ માટે ફાળવું છું. હું પોતાની અનેક દૈનિક ક્રિયાઓ અને વ્યાયામમાં પણ યોગને સામેલ કરું છું.
૫. હેલી બેરી
હેલ બેરીએ એક સામયિકમાં પ્રકાશિત કરેલા લેખમાં જણાવ્યું હતું કે તેણે પોતાના દૈનિક સમયપત્રકમાં યોગને સામેલ કર્યો છે. યોગના નિયમિત સત્રોથી તેનામાં ટાઈપ ૧ ડાયાબીટીસ સાથે જીવવાની ક્ષમતા પર સકારાત્મક અસર પડી હોવાનું તેણે કબૂલ્યું હતું. ફિટનેસ આઈકન ગણાતી બેરી તણાવ, ભય અને નકારાત્મક્તાથી મુક્ત થવા કેટલાક યોગાસનો કરે છે જેનાથી તેને બહેતર માતા બનીને વાસ્તવિક્તા અપનાવવામાં સહાય મળી છે.
૬. ગ્વાયનેથ પેલ્ટ્રો
ઓસ્કર વિજેતા અભિનેત્રી ગ્વાયનેથ પેલ્ટ્રો યોગ પાલન સાથેના પોતાના પ્રારંભિક દિવસોને યાદ કરતા કહ્યું કે ત્યારે લોકો યોગને ગંભીરતાથી નહોતા લેતા. પણ તેને હોલીવૂડ પોપ સંસ્કૃતિમાં ભારતીય યોગ પદ્ધતિથી થનારી અસર વિશે જાણ હતી. ગૂપની સ્થાપક પેલ્ટ્રો નિખાલસતાથી જણાવે છે કે લોસ એન્જલસમાં હું એક યોગ વર્ગમાં ગઈ ત્યારે એક ૨૨ વર્ષીય યુવતીએ પૂછ્યું કે તમે અગાઉ ક્યારેય યોગ કર્યા છે? ત્યારે મેં જવાબ આપ્યો કે મેં અગાઉ યોગ કર્યા છે એટલે જ આજે તને આ નોકરી મળી છે.
૭. મેડોના
૬૫ વર્ષીય ગાયિકા મેડોના માટે યોગ સ્વયં જીવન છે. ૨૦૧૯માં તેણે એક મુલાકાતમાં શીખ આપી હતી કે યોગના આસનો ક્રમશઃ કરવા અને ઉતાવળથી દૂર રહેવું. પોપની આ સામ્રાજ્ઞાીના મતે નિયમિત યોગના આસનો કરનાર કઠિન સંજોગોનો પણ સરળતાથી સામનો કરી શકે છે. મેડોનાએ આ મુલાકાતમાં સમજાવ્યું કે યોગ મન, શરીર અને આત્માનો વ્યાયામ છે. તે ત્રણેને જોડે છે. આ જ કારણસર તેણે માનસિક, શારીરિક અને આધ્યાત્મકિ સુખાકારી પર યોગથી થતા લાભોનું સમર્થન કર્યું હતું.
૮. લેડી ગાગા
શેલો, બેડ રોમાન્સ, પોકર ફેસ જેવા અનેક હિટ ગીતો માટે જાણીતી લેડી ગાગાને જ્યારે પણ સમય મળે ત્યારે યોગ કરવાનું ચૂકતી નથી. ૨૦૧૪માં લેડી ગાગાએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ પર હોટ યોગાનો ઉલ્લેખ કર્યો હતો જે ગરમ વાતાવરણમાં યોગ કરવાની એક પદ્ધતિ છે.
૯. જેનિફર લોપેઝ
પોપ ગાયિકા અને અભિનેત્રી જેનિફર લોપેઝ ઘણીવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર યોગના આસનોના વીડિયો પોસ્ટ કરતી હોય છે. તેની કેટલીક વર્કઆઉટ ક્લિપમાં હસ્લર્સની આ સ્ટાર અન્ય વ્યાયામ સાથે યોગને સાંકળતી દેખાય છે. જેનિફર લોપેઝે સર્વ નામની ભારતીય બ્રાન્ડની યોગ ચેઈનને પણ સમર્થન આપ્યું હતું.
૧૦. એલિશિયા કીઝ
પોતાના અભૂતપૂર્વ સંગીત માટે ગ્રેમી એવોર્ડ્સ હાંસલ કરનાર એલિશિયા કીઝને તેની એક નિકટની સહયોગીએ કુંડલિની યોગની ભલામણ કરી.
ત્યાર પછી એક સામયિકમાં લખેલા એક લેખમાં કીઝે જણાવ્યું કે કેવી રીતે આ પ્રાચીન મંત્રોનું ગાન કરવાથી તેમજ તેના તાલ, ધ્વનિ અને શબ્દોના અર્થનું મનન કરવાથી તેને માનસિક શાંતિ મળી હતી. નિયમિત કુંડલિની યોગ કરવાથી મારુ સ્વંય સાથે ગાઢ જોડાણ થયું અને આત્મમંથન અને આત્મ નિરીક્ષણ કરવાની મારી ક્ષમતામાં વધારો થયો.