Get The App

હેમા માલિની વાગોળે છે 'બાગબાન'ની યાદો .

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
હેમા માલિની વાગોળે છે 'બાગબાન'ની યાદો                                    . 1 - image


આજથી બે દશક અગાઉ 'બાગબાન' જેવી ભાવનાત્મક ફિલ્મ કરીને પીઢ અભિનેત્રી હેમા માલીનીએ વધુ એક વખત પુરવાર કરી બતાવ્યું હતું કે ૫૪ વર્ષે પણ તે દર્શકોના દિલમાં એવું જ સ્થાન પ્રાપ્ત કરી શકે છે જેવું 'ડ્રીમ ગર્લ'ના સમયમાં કરી શકતી હતી. પરંતુ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે હેમા માલીની આ ફિલ્મ કરવા નહોતી માગતી.

૨૦ વર્ષ અગાઉની આ વાત સંભારતા હેમા માલીની કહે છે કે આ ફિલ્મને અકલ્પનીય પ્રતિસાદ મળશે એવી મને કલ્પના પણ નહોતી. વાસ્તવમાં હું આ મૂવી કરવા બાબતે અવઢવમાં હતી. ખરેખર તો હું ચાર ચાર યુવાન પુત્રોની માતાનું કિરદાર અદા કરવા નહોતી માગતી. દિગ્દર્શક રવિ ચોપરાએ જ્યારે મારી સમક્ષ આ ફિલ્મની કહાણી વર્ણવી ત્યારે ચાર ચાર યુવાન પુત્રોની માતા બનવા હું બિલકુલ તૈયાર નહોતી. પરંતુ મારી માતાએ મને કહ્યું કે જો અમિતાભ બચ્ચન ચાર યુવાન પુત્રોના પિતાની ભૂમિકા ભજવી શકે તો તું પણ તેમની માતાનો રોલ કરી જ શકે. છેવટે મેં આ મૂવી સ્વીકારી.

અદાકારા તત્કાલીન સમયને સંભારતા વધુમાં કહે છે કે ફિલ્મ સર્જકોએ મને ખાતરી આપી હતી કે મારો લુક સફેદ વાળવાળી વૃધ્ધાનો નહીં હોય. બલ્કે હું જેવી લાગું છું એવી જ મને દર્શાવવામાં આવશે. અને તેમણે પોતાનું વેણ પાળ્યું.

હેમા માલીની પોતાના સહકલાકાર અમિતાભ બચ્ચનના પ્રભાવની વાત વાગોળતા કહે છે કે જ્યારે તેઓ સેટ પર પ્રવેશતા ત્યારે ત્યાં ઉપસ્થિત પ્રત્યેક વ્યક્તિના ચહેરા ખિલી ઉઠતાં. બધા જાણે કે એકસાથે બોલી ઉઠતાં, 'અમિતજી આ ગયે.' અત્રે ઉલ્લેખનીય છે કે હેમા માલીનીએ અમિતાભ બચ્ચન સાથે 'શોલે' (૧૯૭૫) અને 'સત્તે પે સત્તા' (૧૯૮૨) જેવી સંખ્યાબંધ ફિલ્મોમાં કામ કર્યું હતું. સ્વાભાવિક રીતે જ તેને 'બાગબાન'માં અમિતાભ બચ્ચન સાથે રોમાંટિક દ્રશ્યો આપવામાં ખાસ વાંધો નહોતો આવ્યો. ખાસ કરીને 'મૈં યહાં તું વહાં....' ગીતના દ્રશ્યોએ દર્શકોના દિલમાં અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું છે. અભિનેત્રી આ બાબતે કહે છે કે આ ફિલ્મ બનાવવાનું શમણું નિર્માતા બી. આર. ચોપરાએ જોયું હતું. તેઓ મને શૂટિંગથી પહેલા પ્રત્યેક દ્રશ્ય વિશે જણાવતાં.

મઝાની વાત એ છે કે દર્શકો આ મૂવીને આટલી હદે પસંદ કરશે તેની હેમા માલીનીને કલ્પના પણ નહોતી. તે કહે છે કે તે વખતે મારી પુત્રી એશા દેઓલ તખ્તાની અભિષેક બચ્ચન સાથે કામ કરી રહી હતી. તેઓ તે વખતે 'દસ' ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં હતાં. એશાને અમારી મૂવીની લોકપ્રિયતાની જાણ થતાં તેણે જ્યારે મને આ વાત કહી ત્યારે મને એમ લાગ્યું હતું કે તે મજાક કરી રહી છે. પરંતુ એ મજાક નહીં, વાસ્તવિકતા હતી.

હેમા માલીનીના ભૂતકાળની વાતો ચાલી રહી છે ત્યારે તેની યુવાનીના એક કિસ્સા વિશે જાણવું રસપ્રદ થઈ પડશે. તાજેતરમાં એક ટીવી ચેનલે તેના વિશે જણાવ્યું હતું કે હેમા માલીનીએ સંજીવ કુમાર સાથે 'સીતા ઔર ગીતા' ફિલ્મ કરી હતી. આ મૂવીના ગીત 'હવા કે સાથ સાથ....' ગીતનું શૂટિંગ પહાડો વચ્ચે થઈ રહ્યું હતું ત્યારે બંનેને અકસ્માત નડયો હતો. તે વખતે બંનેને પોતાના કરતાં એકમેકની ચિંતા વધુ સતાવતી હતી. બંને એકબીજા માટે કુણી લાગણી અનુભવવા લાગ્યાં હતાં. સંજીવ કુમાર હેમા માલીની સાથે લગ્ન કરવા માગતા હતા. લેખક હનીફ જાવેરી અને સુમંત બત્રાએ પોતાના પુસ્તકમાં આ વાતનો ઉલ્લેખ પણ કર્યો છે. હેમા માલીની જ્યારે સંજીવ કુમારની માતાને મળતી ત્યારે સાથે માથે ઓઢતી. જોકે પછીથી બંનેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી.

વાસ્તવમાં સંજીવ કુમાર એવી યુવતી સાથે લગ્ન કરવા માગતા હતા જે ઘરમાં રહીને તેમની માતાની સેવા કરે. જ્યારે હેમા માલીની માટે પોતાની કારકિર્દી કેન્દ્ર સ્થાને હતી. પરિણામે બંને વચ્ચે દૂરી આવી ગઈ હતી. હેમા માલીનીથી અલગ થયા પછી સંજીવ કુમારે ક્યારેય વિવાહ ન કર્યા. અને કમનસીબે માત્ર ૪૭ વર્ષની વયમાં જ તેમનું નિધન થઈ ગયું.   


Google NewsGoogle News