દેવ આનંદને પાંખો આપનારા બોમ્બે શહેરનો ચાર્મ હવે શું ઝાંખો થઈ ગયો છે?

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
દેવ આનંદને પાંખો આપનારા બોમ્બે શહેરનો ચાર્મ હવે શું ઝાંખો થઈ ગયો છે? 1 - image


- દેવ આનંદ મુંબઇ શહેરમાં લોકલ ટ્રેન, બસ અને ટાંગામાં બેસીને ખૂબ ફર્યા હતા. કેઇએમ હોસ્પિટલની સામે આવેલી ચાલમાં રહીને કારકિર્દી શરુ કરનારા દેવ આનંદે જૂહુમાં બંગલો બનાવ્યો હતો 

- દેવ આનંદે પોતાના પ્રિય શહેરને 'ટેક્સી ડ્રાઇવર' ફિલ્મમાં ક્રેડિટ પણ આપી છે

સ્વ પ્નનગરી બોમ્બે આજે પણ ટિન્સેલ ટાઉનમાં કારકિર્દી બનાવવા માંગતા લોકોને ચુંબકની જેમ આકર્ષે છે. ભારત આઝાદ થયું તે પહેલાંથી જ બોમ્બે તેના કોસ્મોપોલિટન મિજાજ માટે જાણીતું હતું. આ શહેરમાં સદાબહાર દેવ આનંદે આવીને કેવી રીતે પોતાની કારકિર્દી બનાવી અને બોમ્બે શહેરે તેમના જીવનમાં કેવી રસપ્રદ ભૂમિકા ભજવી તેની વિગતો આ સદાબહાર અભિનેતાની જન્મશતાબ્દિએ મમળાવીએ. 

લાહોરમાં ગ્રેજ્યુએટ થઇને પોતાની કારકિર્દી બનાવવા માટે ટ્રેન મારફતે  ૧૯૪૩માં બોમ્બે આવેલા ધરમદેવ આનંદે પહેલી નજરે જ શહેરના પ્રેમમાં પડી ગયા હતા. હિન્દી ફિલ્મોના ભણેલા ગણેલા બહુ થોડા સુપસ્ટાર્સમાંના એક દેવ આનંદે બોમ્બેમાં પગ મુક્યો ત્યારે ધોધમાર વરસાદ પડતો હતો. આ વાત તેઓ કદી ભૂલ્યા નહોતા. તેમણે કહ્યું હતું કે વરસાદ પડતો જ રહ્યો, પડતો જ રહ્યો અને છેક ઓક્ટોબરના અંતમાં તે અટક્યો પણ દેવઆનંદનો જુસ્સો આ વરસાદથી સહેજ પણ ઓછો થયો નહોતો. 

જેે શહેરમાં ફિલ્મોનું નિર્માણ થાય છે તેમાં આવવાનો રોમાંચ શમ્યો કે દેવઆનંદે પહેલું કામ પોતાના ભાઇ ચેતન આનંદના મિત્રના ઘરે જઇને માલસામાન મુકી પોતાના આદર્શ અશોક કુમારની ફિલ્મ કિસ્મત જોવાનું કર્યું. શરૂઆતનો રોમાંચ ઠર્યા બાદ દેવ આનંદે કામ શોધવાની શરૂઆત કરી અને પોતાના માટે રહેઠાણ શોધવાની શરૂઆત કરી. દેવ આનંદને બોમ્બેમાં પહેલું રહેઠાણ કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલની સામે આવેલી  પરેલની એક ચાલની ખોલીમાં મળ્યું. પોતે  અક પ્રતિષ્ઠિત વકીલના પુત્ર અને લાહારની એ જમાનાની પ્રતિષ્ઠિત કોલેજના ગ્રજેયુએટ હોવા છતાં તેમને પરેલની એક રૂમની ખોલીમાં રહેવામાં કોઇ સંકોચ થયો નહોતો. 

શહેરમાં પોતાની કારકિર્દી બનાવવા માટે આવનારા તમામ સ્ટ્રગલર્સને જેમ દેવઆનંદ પણ સંઘર્ષ કરવા માટે તૈયાર હતા. તેમણે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, મારે ચાલમાં રહેવાનું છે તે બાબતની મને કોઇ ચિંતા નહોતી કેમ કે હું  હમેશાં એકદમ ઉત્તેજિત અને સ્વપ્નોમાં ગળાડૂબ રહેતો હતો. એવા પણ દિવસો આવ્યા હતા જ્યારે ખિસ્સામાં એક નવો પૈસો ન હોય. એકવાર તેને નાણાંના અભાવે હોર્ર્નબી રોડની ફૂટપાથ પર બેસતા ફેરિયાને તેમનો ટપાલટિકિટનો સંગ્રહ વેચી દેવો પડયો હતો, પણ રૂપેરી દુનિયામાં તેમણે પોતાનો સંઘર્ષ ચાલુ રાખ્યો હતો.

દેવ આનંદ શહેરમાં બસ અને ટ્રામમાં ફરીને શહેરના અજેય જુસ્સાને પોતાની અંદર ઉતારતા રહ્યા અને સ્વપ્નો જોતા રહ્યા હતા, પણ દેવ આનંદ વ્યવહારૂ પણ હતા. તેમણે વચગાળાની વ્યવસ્થા તરીકે મિલિટરી સેન્સરની ઓફિસમાં નોકરી લીધી હતી. હવે તેઓ સ્ટાઇલીશ ફોર્ટ એરિયામાં વિન્ડો શોપિંગ કરવા ઉપરાંત વિખ્યાત પર્શિયન ડેરીમાં જઇ કોફીનો કપ પણ માણી શકતા હતા.  આ ડેરીમાં જ તેમને ખબર પડી હતી કે પૂનામાં પ્રભાત સ્ટુડિયોમાં નોકરી ખાલી છે અને આ આત્મવિશ્વાસથી ભરપૂર યુવાને અરજી કરી. તેને અભિનેતા તરીકે ત્રણ વર્ષના કરાર પર રાખી  લેવામાં આવ્યો. એ પછી દેવ આનંદે કદી પાછું વળીને જોયું નહોતું. 

એ પછી જ્યારે તે ફરી બોમ્બે આવ્યા ત્યારે તેમણે ૪૧, પાલી હિલ બાન્દ્રા ખાતે પોતાના ભાઇ સાથે રહેવાનું શરૂ કર્યું. આ વખતે દેવ આનંદની સાથે તેમના પૂનાના મિત્ર ગુરૂ દત્ત સાથે તેમણે ફરી બોમ્બેની મોજ માણવાની શરૂ કરી. હવે દેવ આનંદ અને ગુરૂદત્ત બંને જણા બેસ્ટની બસો અને ટ્રામમાં ફરતા અને અફલાતૂન થિયેટર્સમાં હોલિવુડની ફિલ્મો જોતા થયા. દેવ આનંદે એ જમાનાની વાતો વાગોળતા એક મુલાકાતમાં કહ્યું છે, 'ગુરૂ અને હું આમતેમ ફરતાં અને ફિલ્મ જોતાં અને કોફીના કપ પીતા પીતા તેના વિશે ચર્ચા કરતા અને ખુશ થઇને ઘેર પાછા ફરતા. એ સમયે ઘણીવાર અમે પાલી હિલ ગોલ્ફ લિન્ક સુધી ચાલીને જતા. એ સમયે માહોલ સુંદર અને શાંત હતો. હું આ શહેરની શેરીઓમાં ફર્યો છું. આ શહેર મારા હાડકાંમાં વસી ગયું છે. આ શહેર તમારામાં વિકસતું જાય છે. તમે ગમે તે હો અને દુનિયાના ગમે તે હિસ્સામાં હો આખરે તો તમારે આ જ શહેરમાં આવવું પડે છે.' 

પોતે આ શહેરમાં સ્ટાર કેવી રીતે બન્યા તેનું ચમકતી આંખે વર્ણન કરતાં દેવ આનંદે જણાવ્યું હતું, 'એક દિવસ હું લોકલ ટ્રેનના સ્ટેશન પર ટ્રેન પકડવા માટે ઊભો હતો ત્યારે ટ્રેનની અંદરથી કોઇએ બૂમ  મારી. મેં કૂદીને ટ્રેન પકડી અને જોયું તો મને બૂમ મારી બોલાવનારા ફિલ્મ દિગ્દર્શક શાહીદ લતિફ હતાં અને તેમની સાથે તેમનાં લેખિકા પત્ની ઇસ્મત ચુગતાઇ હતા. લતિફે મને પૂછ્યું કે બોમ્બે ટોકિઝની મારી આગામી ફિલ્મમાં તું કામ કરીશ? મેં કહ્યું હા, ચોક્કસ કરીશ. નોંધપાત્ર વાત એ છે કે આ પ્રકારની ઘટનાઓ બોમ્બે શહેરની લોકલ ટ્રેનમાં જ ઘટી શકે.' 

બીજા જ દિવસે દેવ આનંદ ટ્રેન પકડી મલાડ પહોંચ્યા અને સ્ટેશનથી બોમ્બે  ટોકિઝે પહોંચવા ટાંગો કર્યો અને ત્યાં તેણે 'જિદ્દી' ફિલ્મ સાઇન કરી. એ પછી બીજી થોડી હીટ ફિલ્મો આવી અને  દેવ આનંદે પોતાના માટે જૂહુના છેડે પ્લોટ લઇ તેમાં પોતાનું મકાન બનાવ્યું જેમાં તે છેક સુધી રહ્યા હતા. 

દેવ આનંદની કારકિર્દી જેમ બનતી ગઇ તેમ તેમનો બોમ્બે શહેર પ્રત્યેનો પ્રેમ પણ  ગાઢ થતો ગયો. હવે તો તેમની ફિલ્મમાં પણ તે પ્રતિબિબિંત થવા માંડયો. ૧૯૫૪માં તેમની ફિલ્મ 'ટેક્સી ડ્રાઇવર'માં તેમણે આ શહેરને ક્રેડિટ સુદ્ધાં આપી છે. આ ફિલ્મના હીરો તરીકે ટેકસી ડ્રાઇવર મરીન ડ્રાઇવ પર ટેક્સી ચલાવી ગેટ વે ઓફ ઇન્ડિયાના દરિયા કાંઠે પહોંચે છે. તાજ મહાલ હોટેલ, વરલી સી ફેસ અને છેલ્લે ખજૂરીના ઝાડથી ઘેરાયેલાં જૂહુ બીચ પર તેમની ટેક્સી થોભે ત્યાં સુધીમાં તો તમે તેમના ભવ્ય શહેરનો પ્રવાસ કરી ચૂક્યા હોવ છો. બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ પર એ જમાનાના બોમ્બેને પ્રતિભાશાળી વી. રાતરાએ ઝડપ્યું હતું. 

બોમ્બે શહેરની વાત કરતાં દેવ આનંદે જણાવ્યું હતું, 'આખા દેશમાં બોમ્બે જેવું કોઇ શહેર નથી. આ શહેરની બેસ્ટ બાબત એ છે કે આ કોસ્મોપોલિટન શહેર હોવાથી અહીં નાના શહેરોની જેમ સંકુચિત મનોદશા નથી. એક સમયે આ સુંદર શહેરમાં લોકો પેટિયું રળવા માટે આવતા હતા.' 

આ શહેરની અંધારી આલમથી પણ દેવ આનંદ વાકેફ હતા. આ શહેરની બીજી બાજુને તેમના નાના ભાઇ વિજય આનંદ લિખિત અને દિગ્દર્શિત ફિલ્મ 'કાલા બઝાર'માં રજૂ કરાઇ હતી. જોકે આ શહેર તેની ચમક ગુમાવી રહ્યું હોવાની તેમને પીડા હતી. તેમણે ૧૯૮૭માં એક મુુલાકાતમાં જણાવ્યું હતું કે દર થોડાં વર્ષે એક નવા લોકોનું ટોળું સત્તાસ્થાને આવે છે અને શહેરને  સુધારી ન શકાય તેવું નુક્સાન કરીને ગાયબ થઇ જાય છે. આ શહેરની રોનક આ રીતે છીનવાતી જોઇને અફસોસ થાય છે.   દેવ આનંદના શબ્દોમાં કહીએ તો, 'આ એક ઇન્ટરનેશનલ શહેર છે અને સોફિસ્ટેકેટેડ શહેર છે, જેમાં સંકુચિત મનોદશાને કોઇ સ્થાન નથી. હવે એ કોસ્મોેપોલિટન શહેર પણ રહ્યું નથી અને એવા ભણેલાં ગણેલાં સુપરસ્ટાર્સ પણ રહ્યા નથી.' 

તમે કદી ભૂલાશો નહીં, દેવસા'બ! 


Google NewsGoogle News