હરખપદૂડી કરીના કપૂર બ્રોન્ઝ ઇઝ ધ ન્યુ ગોલ્ડ!

Updated: Feb 8th, 2024


Google NewsGoogle News
હરખપદૂડી કરીના કપૂર બ્રોન્ઝ ઇઝ ધ ન્યુ ગોલ્ડ! 1 - image


- કરીના તૈમૂરની સ્કૂલે જાય ત્યારે એના વ્યવહાર-વર્તનમાં ક્યારેય કોઈ એટિટયુડ કે ગુરૂતાગ્રંથિ હોતા નથી. બીજી મમ્મીઓ સાથે એ તરત હળીભળી જાય છે. આ હકીકત સૌએ નોંધી છે. 

મા ણસ ભલે ગમે એટલો ફેમસ થઈ જાય, પણ સંતાન નાની અમથી સિદ્ધિ મળવે ત્યારે એનો હરખ આમ આદમી કરતાં જરાય જુદો હોતો નથી. કરીના કપૂરનો જ દાખલો લો. બોલિવુડની એ આવડી મોટી હિરોઈન છે, પણ દીકરા તૈમૂરે એની સ્કૂલની કોઈ સ્પોર્ટસ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો ને એ ઘેલી ઘેલી થઈ ગઈ. એણે સોશિયલ મીડિયા પર એકાધિક તસવીરો અને પોસ્ટ્સ શેર કરી નાખી. પોતાના ફિલ્મમેકર ફ્રેન્ડ કરણ જોહર સાથે આ આનંદની ક્ષણ શેર કરતા લખ્યું: આપણે પોતે ભલે સ્પર્ધામાં ભાગ નહોતો લીધો, પણ આપણે તો વિનર જ છીએ! 

કરીના સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન વખતે સાવ સાદાં કપડાં પહેર્યાં હતાં તો પણ સ્ટાઇલિશ લાગતી હતી - ટી-શર્ટ, ટાઈટ્સ, સ્નીકર્સ, બ્લેક ગોગલ્સ અને સાદી પોની ટેઇલ! 

કરીનાનો દીકરો જે સ્કૂલમાં ભણે છે ત્યાં જ કરણ જોહરના સરોગેટ સંતાનોને એડમિટ કરવામાં આવ્યાં છે.  સોશિયલ મીડિયા પર આનંદથી કલબલાટ કરી મૂકનાર કરીના બીજા બધા પેરેન્ટ્સની સાથે એક સાધારણ પેરેન્ટ તરીકે જ હાજરી આપી હતી. અહીં એ ફક્ત એક 'મોમ' હતી, કોઈ હિરોઇન-બિરોઈન નહીં. કરીના તૈમૂરની સ્કૂલે જાય ત્યારે એના વ્યવહાર-વર્તનમાં ક્યારેય કોઈ એટિટયુડ કે ગુરૂતાગ્રંથિ હોતા નથી. બીજી મમ્મીઓ સાથે એ તરત હળીભળી જાય છે. આ હકીકત સૌએ નોંધી છે.  

એક તસવીરમાં કરીના પોતાના ગળામાં તૈમુરનું બ્રોન્ઝ મેડલ પહેરેલી દેખાય છે. કેપ્શનમાં કરીનાએ રમૂજી અદામાં લખ્યું છેઃ હા, હું એવી મા છું જે દીકરાનાં મેડલો પહેરી લે છે. 

નાનાં બચ્ચાઓના વાલીઓ તરત કરીનાની આ લાગણી સાથે આઇડેન્ટિફાય કરી શકશે. પોતાની ઉજવણીમાં હાસ્યનો રંગ ઉમેરતા કરીનાએ એક વીડિયો પણ શેર કર્યો જેમાં કરણ જોહર પૃચ્છા કરી રહ્યો છેઃ આ મેડલ કોને મળ્યો છે? કરીના ગર્વથી જવાબ આપે છેઃ ટિમ(તૈમુર) સિવાય બીજું કોણ હોય? કરણ જોહરે પણ કરીનાની ખુશીમાં સામેલ થઈને વીડિયો શેર કર્યો ને એને મથાળું આપ્યું: બ્રોન્ઝ ઈઝ ધી ન્યુ ગોલ્ડ! 

જોકે તૈમુરે સ્કૂલ એક્ટિવિટીમાં ભાગ લીધો હોય તેવી આ પહેલી ઘટના નથી. ગયા વર્ષે સ્કૂલના વાર્ષિક દિવસની ઉજવણીમાં તેણે ગુ્રપ ડાન્સમાં ભાગ લેતા. તે વખતે પણ કરીના ગર્વથી છલકાતી હતી. કરીનાએ રેકોર્ડ કરેલો વીડિયો વાયરલ થયો હતો. 

છેલ્લે સુજોય ઘોષની રસ્યમય થ્રિલર 'જાને જાં'માં દેખાયેલી કરીના હવે હંસલ મહેતાની 'ધી  બકિંગહેમ મર્ડર્સ'ના પ્રમોશનની તૈયારી કરી રહી છે. આ સિવાય એ મલ્ટિસ્ટારર ફિલ્મ 'ધી ક્રુ'માં કૃતિ સેનન, તબુ અને દિલજીત દોસંજ સાથે દેખાશે. બીજી બાજુ રોહિત શેટ્ટીની એક્શન ફિલ્મ 'સિંઘમ અગેઈન'નું શૂટિંગ પણ ચાલી રહ્યું છે. 

ખરેખર, કામ અને પરિવાર વચ્ચે સંતુલન સાધવામાં કરીનાને કોઈ ન પહોંચે!


Google NewsGoogle News