ગુરૂચરણ સિંહ : હું કંઈ પબ્લિસિટી માટે ગાયબ નહોતો થયો
- 'મને હવે કામ જોઈએ છે. હું મુંબઈ પરત આવી ગયો છું અને પરિશ્રમ કરવા તૈયાર છું. હું ફરીથી કામ શરૂ કરીને મારા માથે રહેલું દેવું ચૂકતે કરી દેવા માગું છું.'
આ વર્ષના એપ્રિલ મહિનામાં લોકપ્રિય ધારાવાહિક 'તારક મહેતા કા ઊલટા ચશ્મા'માં કામ કરનાર જોશીલો અભિનેતા ગુરૂચરણ સિંહ અચાનક જ ગુમ થઈ જતાં અભિનેતાના આપ્રજનો અને પ્રશંસકોને ભારે આંચકો લાગ્યો હતો. વાસ્તવમાં ૨૨મી એપ્રિલે ગુરૂચરણ દિલ્હીથી મુંબઈ આવવાનો હતો, પણ તે દિવસે અભિનેતા વિમાનમાં બેઠો જ નહીં. જ્યારે ગુરૂચરણનો અત્તોપત્તો ન મળ્યો ત્યારે તેના પિતા હરજીત સિંહે દિલ્હી પોલીસમાં પોતાના પુત્રનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવી. જોકે ગુરૂચરણ એકાદ મહિના પછી જાતે જ ઘરભેગો થઈ જતાં તેના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. જ્યારે ગુરૂચરણે પોલીસને કહ્યું હતું કે તે કેટલીક અંગત સમસ્યાઓને કારણે દુ:ખી હોવાથી અધ્યાત્મ તરફ વળી ગયો હતો.
જોકે ગુરૂચરણ ઘરે પરત ફર્યો ત્યારથી લોકોને એ જાણવાની તાલાવેલી લાગી છે કે તે ક્યાં અને શા માટે ગયો હતો. આના જવાબમાં અભિનેતાએ કહ્યું હતું કે કોરોનાકાળથી મારા જીવનમાં પુષ્કળ પરિવર્તન આવ્યું. મને કનડતી ઘણી બાબતો મારા જીવનનો ભાગ બની ગઈ. છેવટે હું મુંબઈ છોડીને મારા વતન દિલ્હી ચાલ્યો ગયો. તે વખતે, એટલે કે ૨૦૨૦માં મારા પિતાનું ઓપરેશન થયું હતું. ત્યાર પછી મેં કેટલાંક વ્યવસાય પર નસીબ અજમાવ્યું. પરંતુ ક્યાંક હું વ્યવસ્થિત રીતે ધંધો કરી ન શક્યો તો ક્યાંક મારા ભાગીદારો ગાયબ થઈ ગયા. તદુપરાંત અમારા પ્રોપર્ટીના એક કેસમાં પુષ્કળ નાણાં ધોવાઈ ગયા. આમ હું ભારે નાણાંભીડમાં ફસાઈ જવાથી હેરાન-પરેશાન થઈ ગયો હતો. અભિનેતાએ વધુમાં કહ્યું હતું કે, 'મારાં માતાપિતાને ઈશ્વરમાં અપાર શ્રધ્ધા છે. અને એ સંસ્કાર મારામાં પણ ઉતરી આવ્યાં હોવાથી હું પહેલેથી જ અધ્યાત્મ તરફ ઢળેલો છું. જ્યારે એપ્રિલ મહિનામાં હું અધ્યાત્મ માર્ગે ચાલી નીકળ્યો ત્યારે ત્યાંથી પરત ફરવાનો મારો કોઈ ઇરાદો નહોતો. પરંતુ કિસ્મતને કાંઈક જુદું જ મંજૂર હશે. હું પાછો ફર્યો ત્યારે મને જાણ થઈ કે લોકોને લાગે છે કે હું માત્ર પબ્લિસિટી ખાતર ગાયબ થઈ ગયો હતો. પરંતુ હું સ્પષ્ટ કરવા માગું છું કે તેને માટે મને ગુમ થવાની બિલકુલ જરૂર નહોતી. હું તેને માટે પત્રકાર પરિષદો બોલાવી શક્યો હોત. પરંતુ મને 'ઊલટા ચશ્મા'ની મારી લેણી રકમ નહોતી મળી ત્યારે પણ મેં પત્રકારો ઇન્ટરવ્યુ સુધ્ધાં નહોતા આપ્યા. પબ્લિસિટી કમાવવા સોશિયલ મીડિયા જેવું હાથવગું હથિયાર પણ હું ઉપયોગમાં લઈ શક્યો હોત, પરંતુ મેં તેનો ઉપયોગ પણ ન કર્યો. અને આજે પણ હું આટલી વાત મારા વિશેની ગેરસમજ દૂર કરવા કરી રહ્યો છું.'
૫૧ વર્ષીય ગુરુચરણને જોકે હવે અભિનય ક્ષેત્રે પરત ફરવું છે. તે કહે છે, 'હું ઇન્ડસ્ટ્રીના લોકોને વિનંતી કરું છું મને કામ આપે. હું મુંબઈ પરત આવી ગયો છું અને પરિશ્રમ કરવા તૈયાર છું. હું ફરીથી કામ શરૂ કરીને મારા માથે રહેલું દેવું ચૂકતે કરી દેવા માગું છું. હવે મને લગ્ન કરીને ઠરીઠામ પણ થવું છે, જેથી મારા માતાપિતાને દિલ્હીથી મુંબઈ બોલાવી લઈ શકું.'