TV TALK .

Updated: May 30th, 2024


Google NewsGoogle News
TV TALK                                                            . 1 - image


શેખર સુમનનો આઈકોનિક શો ફરી એ જ મોજ-મસ્તી સાથે પાછો ફરશે

ટીવીના ક્ષેત્રથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર શેખર સુમન નિર્માતા સંજય લીલા ભણસાલીની સીરીઝ હીરામંડીમાં નજરે પડયા છે. એવામાં શેખરે પોતાના ચાહકો માટે એક સારા સમાચાર શેર કર્યા છે કે તેઓ પોતાના અગાઉના આઈકોનિક ટીવી શોના પુનરાગમનની તૈયારી કરી રહ્યા છે. શેખર સુમને પોતાની કારકિર્દીની શરૂઆત ટીવી ઈન્ડસ્ટ્રીથી કરી હતી. પોતાના સમયમાં તેઓ અનેક ટીવી શોમાં નજરે પડયા હતા જેમાંથી શેખર સુમને પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. આ શોમાં પણ બે શો એવા હતા જેને દર્શકોનો અનહદ પ્રેમ મળ્યો હતો. ૯૦ના દાયકામાં આવેલો 'દેખ ભાઈ દેખ' અને બીજો હતો 'મૂવર્સ એન્ડ શેકર્સ'.  વાસ્તવમાં તાજેતરમાં જ શેખર સુમને એક મુલાકાતમાં એવી સ્પષ્ટતા કરી હતી કે તેઓ આ શો ફરી પાછા લાવવાની તૈયારીમાં વ્યસ્ત છે. આ ખબર જાહેર થતાં જ શેખર સુમન અને ખાસ કરીને આ શોના ચાહકોએ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી છે.

'તારક મહેતા...'ની ઝીલ મહેતાએ રોમેન્ટિક અંદાજમાં બોયફ્રેન્ડને પ્રપોઝ કર્યું

'તારક મહેતાની ઝીલ મહેતા કા ઉલટા ચશ્મા' ફેમ એક્ટ્રેસ ઝીલ મહેતા ઘણા લાંબા સમયથી પોતાના બોયફ્રેન્ડ આદિત્ય દુબે સાથે પોતાના સંબંધોને કારણે સમાચારમાં ઝળકી રહી છે. તે કાયમ પોતાના વીડિયો અને ફોટા શેર કરતી રહેતી હોય છે. ઉપરાંત બંનેના લગ્નની રાહ જોઈ રહેલા તેમના ફેન્સની આતુરતાનો પણ હવે અંત આવવાની તૈયારીમાં છે. ઝીલ અને આદિત્ય ટૂંક સમયમાં લગ્નનું આયોજન કરી રહ્યા છે. આદિત્ય દૂબે સાથે પોતાના પ્રી-વેડિંગ ફોટો શૂટમાંથી ઝીલે કેટલીક ભાવુક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. એક તસવીરમાં તે ઘૂંટણે નમીને પોતાના બોયફ્રેન્ડ પ્રપોઝ કરતી દેખાય છે. શાંત બીચની પૃષ્ઠભૂમિ સાથે ઝીલ અને આદિત્યનું ફોટોશૂટ આનંદદાયક અને સ્નેહભર્યું વાતાવરણ સર્જે છે. હૃદયસ્પર્શી પગલા તરીકે ઝીલે તેના પ્રિય આદિત્યને પ્રપોઝ કરવા માટે એક ઘૂંટણિયે જઈને આંગળીમાં વીંટી પહેરાવી હતી. તેની આ ભાવુક તસવીર તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી અને તેની ભારોભાર પ્રશંસા કરી હતી.

મુંબઈના કમોસમી વરસાદમાં ડાન્સ કરતાં દિવ્યાંકા ત્રિપાઠી ટ્રોલ થઈ

મુંબઈમાં તાજેતર થયેલા કમોસમી વરસાદે શહેરમાં ઘણું નુકસાન કર્યું હતું. કેટલાક લોકોના મોત પણ થયા હતા અને કેટલાક ઈજાગ્રસ્ત થયા હતા. એવા સમયે ગુરુવારે ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે પોતાના પતિ વિવેક દહિયા સાથે મુંબઈના વરસાદમાં આનંદ માણતી નજરે પડે છે. 'યે હૈ મહોબતે' ફેમ એક્ટ્રેસને વીડિયો કરીને જણાવ્યું કે તેમને પછીથી જાણ થઈ હતી કે આ કમોસમી વરસાદમાં મુંબઈગરાએ ઘણી પરેશાનીનો સામનો કરવો પડયો હતો. મુંબઈના વરસાદમાં છત પર નૃત્ય કરતી તેમજ પતિ વિવેદ દહિયા સાથે રોમેન્ટિક થતી દિવ્યાંકા ત્રિપાઠીએ જણાવ્યું કે એક જ ઘટના અલગ અલગ લોકોને ભિન્ન અનુભવ કરાવે છે. પણ સોશિયલ મીડિયા પર તેના ચાહકોને દિવ્યાંકાનો આ અંદાજ પસંદ ન આવ્યો અને મુંબઈમાં અન્યત્ર પરેશાની હોવા છતાં પોતે આનંદ માણતી હોવાનો વીડિયો શેર કરતા ટ્રોલ થઈ હતી. કેટલાક નેટિઝનોએ તેને અસંવેદનશીલ ગણાવી હતી અને જણાવ્યું હતું કે આ ઘટના અમીરો માટે મજા હતી તો ગરીબો માટે સજારૂપ હતી. જો કે કેટલાક ચાહકોએ આ પોસ્ટમાં દિવ્યાંકાએ તાજેતરમાં કરાવેલી સર્જરી પછી તેના હાલચાલ પૂછ્યા હતા. દિવ્યાંકા ત્રિપાઠીએ ૨૦૦૬માં ડેઈલી સોપ 'બનું મૈં તેરી દુલ્હન'થી ટેલિવિઝનમાં પ્રવેશ કર્યો હતો. હાલમાં તે વેબ સિરીઝ 'અદ્રશ્યમ'માં ઈન્સ્પેક્ટર પાર્વતી સહગલના રોલમાં જોવા મળી રહી છે.

'યે હૈ મોહબ્બતેં' સીરિયલ બાદ દર્શકોના હૃદયમાં સ્થાન જમાવી દેનારી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી-દહિયાના હાથમાં ડબલ ફેક્ચર થઈ ગયા પછી હવે તેની તબિયત સારી થઈ છે. બેશક તેણે સ્વાસ્થ્યની જાળવણી રાખવી જરૂરી છે, પણ તેનો આત્મવિશ્વાસ જબરદસ્ત છે. તે ફરી કામ શરૂ કરવા તૈયાર છે.

 શું તેની ઈજાને કારણે ઓટીટીની શૂટ શિડયૂલને કોઈ અસર પડી છે. એવો પ્રશ્ન પૂછાયો ત્યારે અંશુમન કિશોર સિંહે જણાવ્યું, 'આને કારણે એક સમસ્યા ઊભી થઈ છે. તેનું કારણ એ  છે કે દિવ્યાંકા શૉનો અભિન્ન ભાગ છે. એવી ઘણી બધી બાબતો છે, જે તેની સાથે શૂટ કરવામાં આવી ન હતી. જેને કારણે સાતત્યની સમસ્યા સર્જાઈ છે.'

આમ દિવ્યાંકાની કામ કરવાની તૈયારી છતાં વેબ શૉ માટે સાધારણ સમસ્યા તો સર્જાઈ જ છે, જેનો અંત આવતા થોડો સમય જરૂર લાગી શકે છે.


Google NewsGoogle News