TV TALK .
નવિકા કોટિયાનો 'યુવાન' આગ્રહ
સામાન્ય રીતે જે બાળકલાકારોએ લોકપ્રિયતાના શિખરો આંબ્યા હોય છે તેઓ યુવાન થયા પછી ધાર્યું નિશાન પાર નથી પાડી શકતા. પરંતુ નવિકા કોટિયા તેમાં અપવાદ છે. માત્ર છ વર્ષની ઉંમરે અભિનય ક્ષેત્રે આવનાર નવિકાએ પછીથી અભ્યાસ પૂરો કરવા આઠ વર્ષનો બ્રેક લીધો. વર્ષ ૨૦૨૨માં તે અભિનય ક્ષેત્રે પરત છેલ્લે 'ક્યુંકિ સાસ મા, બહુ બેટી હોતી હૈ'માં જોવા મળેલી ૨૪ વર્ષીય નવિકા કહે છે કે મેં 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'માં નેગેટિવ રોલ અદા કર્યો હતો. પરંતુ હું એ બાબતે સ્પષ્ટ હતી કે મને માત્ર મુખ્ય ભૂમિકાઓ જ ભજવવી છે. અભિનેત્રી વધુમાં કહે છે કે પોતાની બાળકલાકાર તરીકેની છબિ બદલવાનું ખાસ્સું મુશ્કેલ હોય છે. યુવાનીમાં પ્રવેશ્યા પછી તમે અભિનય ક્ષેત્રે ફરી કામ કરવાનું શરૂ કરો ત્યારે તમને માત્ર તમારી વયને અનુરૂપ પાત્રોની જ ઑફર મળે એ જરૂરી નથી.
અર્જુન બિજલાનીને 20મું બેઠું
સંખ્યાબંધ ધારાવાહિકોમાં કામ કરીને લોકપ્રિય બનેલા અભિનેતા અર્જુન બિજલાનીને અભિનય ક્ષેત્રે આવ્યે ૨૦ વર્ષ થયાં. ૪૨ વર્ષીય અભિનેતા કહે છે કે જો આ ક્ષેત્રે લાંબા વર્ષો સુધી ટકી રહેવું હોય તો સમય સાથે કદમ મિલાવીને ચાલવું રહ્યું. અહીં તમને નીતનવી તકો મળતી રહે છે. બસ, તમને એ મોકો શોધતા-ઓળખતાં અને ઝડપી લેતાં આવડતું જોઈએ. તમે ચાહે ફિક્શન શોમાં કામ કરતાં હો કે પછી રીઆલિટી શોમાં, તમારે દર્શકોને સતત કાંઈક નવું નવું આપતાં રહેવું જોઈએ. હું ફિક્શન શોથી લઈને રીઆલિટી શો તેમ જ ઓટીટી પર નોખા નોખા પ્રકારનું કામ કરવા તૈયાર રહું છું. માત્ર લાઈમલાઈટમાં રહેવા માટે કામ કરવાનો કોઈ અર્થ નથી. આજે તમને ઓટીટીના પડકારનો સામનો પણ કરવાનો છે. અલબત્ત, હું ઓટીટીને વધારાના અને કન્ટેન્ટ ડ્રીવન કામ કરવાના અવસર તરીકે જોઉં છું.
રામ કપૂરને હવે ટીવી ના ખપે
અભિનેતા રામ કપૂરે પોતાની કારકિર્દીનો આરંભ ટચૂકડા પડદેથી કર્યો હતો. તેને 'કસમ સે' અને 'બડે અચ્છે લગતે હૈં' જેવી ધારાવાહિકોએ અપ્રતિમ લોકપ્રિયતા અપાવી. ત્યાર પછી રામ કપૂર બહુ સીફતપૂર્વક ફિલ્મો તરફ સરક્યો. અને હવે તે ઓટીટી પર છવાઈ ગયો છે. છેલ્લે 'ખલબલી રેકોર્ડસ'માં જોવા મળેલો અભિનેતા કહે છે કે હું ઓટીટી પર કામ કરીને બહુ ખુશ છું. અહીં મને પાત્રોની પસંદગી માટે વિશાળ અવકાશ મળે છે. ઓટીટી પર વર્ષો સુધી એક જ કિરદાર અદા કરવાની નોબત નથી આવતી. 'માસાબા માસાબા', 'જ્યુબિલી'માં કામ કરનાર રામ કપૂર વધુમાં કહે છે કે આજની તારીખમાં ઓટીટી પર સૌથી વધુ રસપ્રદ કન્ટેન્ટ રજૂ થઈ રહ્યાં છે. આ મંચના સર્જકો પોતાના કન્ટેન્ટ માટે સૌથી વધુ જોખમ લઈ રહ્યાં છે. ટીવી પર ભલે મેં મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. અભિનેતા કહે છે કે હાલના તબક્કે હું ટીવી સીરિયલો કરું એવી કોઈ સંભાવના નથી. હું એમ નથી કહેતા માગતો કે ટીવી પર હવે સારા શો નથી આવતાં કે અમારા સમયમાં વધુ સારા શો આવતાં હતાં. પરંતુ હમણાં હું ટચૂકડા પડદા સાથે અનુકૂલન સાધી શકું તેમ નથી.
હેલી શાહનું બોલિવુડ ડેબ્યુ
'સ્વરાગિની', 'ઈશ્ક મેં મરજાવાં', 'ગુલાલ', 'સસુરાલ સીમર કા', 'છોટી સરદારની' જેવી સંખ્યાબંધ ધારાવાહિકોમાં કામ કરીને દર્શકોના દિલોમાં ખાસ જગ્યા બનાવનાર અભિનેત્રી હેલી શાહે હવે બૉલીવૂડમાં પણ ડગ માંડી દીધાં છે. તાજેતરમાં જ તેની ફિલ્મ 'કાયા પલટ' રજૂ થઈ. આ ફિલ્મમાં હેલીએ મુખ્ય ભૂમિકા ભજવી છે તેના કરતાં મહત્વની વાત એ છે કે તેની સૌપ્રથમ ફિલ્મ મહિલાપ્રધાન છે. આ મૂવીમાં હેલી નીડર બનીને રેતી અને નદી માફિયાઓ સામે લડે છે. બીજી મહત્વની વાત એ છે કે તેની આ ફિલ્મ સૌથી પહેલા કાશ્મીરના સિનેમાઘરોમાં રજૂ થઈ. અભિનેત્રીએ આ ફિલ્મમાં 'કાયા'ની મુખ્ય ભૂમિકા ભજવી છે તેના વિશે અદાકારા કહે છે કે 'કાયા' પીડિતામાંથી મજબૂત સ્ત્રી તરીકે ઊભરે છે અને સેન્ડ-રિવર માફિયાઓ સામે લડત ચલાવે છે. મને આ ફિલ્મની સ્ક્રીપ્ટ વાંચતાવેંત ગમી ગઈ હતી. મારા માટે આનાથી વધુ સારી શરૂઆત કઈ હોઈ શકે?