TV TALK .

Updated: Jun 27th, 2024


Google NewsGoogle News
TV TALK                                                            . 1 - image


વાગલે કી દુનિયાના 1000 એપિસોડ પૂરા

કોરોના કાળ પછી ટચૂકડા પડદે આવતી સંખ્યાબંધ ધારાવાહિકોનું આયખું સાવ ટૂંકુ રહ્યું. કેટલીક સીરિયલો તો બે, ચાર કે છ મહિનામાં જ પડદા પરથી ગાયબ થઈ ગઈ. આવા માહોલમાં કોઈ શો ૧૦૦૦ એપિસોડ પૂરાં કરે એ સીમાચિહ્નરૂપ ગણાય. સામાન્ય માનવી અને તેના રોજિંદા સંઘર્ષ, રોજેરોજના પડકારોને બખૂબી રજૂ કરતી સીરિયલ 'વાગલે કી દુનિયા-નયી પીઢી નયે કિસ્સે'એ તાજેતરમાં ૧૦૦૦ એપિસોડ પૂરાં કરવાની સિધ્ધિ હાંસલ કરી છે. આ શોમાં રાજેશ વાગલેની મુખ્ય ભૂમિકા ભજવી રહેલો અભિનેતા સુમીત રાઘવન કહે છે કે સામાન્ય માનવીના રોજિંદા જીવનના પડકારો, શમણાં, આનંદ ઇત્યાદિને રજૂ કરતી અમારી ધારાવાહિકે ૧૦૦૦ એપિસોડની સફળ સફર ખેડી તે દર્શકોનો અમારા પ્રત્યેનો સ્નેહ છે. અમારી આ અદ્ભૂત, અર્થપૂર્ણ યાત્રામાં દર્શકો સાથે અમે મજબૂતાઈથી જોડાયા છીએ. અમે અમારી કહાણીમાં સ્તન કેન્સર જેવા વિષયને પણ કેટલી સરસ રીતે સમાવી લીધો હતો. જ્યારે શોમાં વંદના વાગલેની મુખ્ય ભૂમિકા અદા કરી રહેલી પરિવા પ્રણતિ કહે છે કે અમારી સીરિયલે એક હજાર એપિસોડ પૂરાં કર્યાં એ અસાધારણ માઇલસ્ટોન છે. 

હિતેન પેન્ટલે ફરી વહાલું કર્યું ડીજે

કૉલેજ કાળ દરમિયાન અભિનેતા હિતેન પેન્ટલને ડીજે અત્યંત પ્રિય હતું. પણ પછીથી તેના રસનો વિષય બદલાયો. તેણે અભિનય ક્ષેત્રે ઝંપલાવ્યું એટલે ડીજે તરીકેની કારકિર્દી હાંસિયામાં ધકેલાઈ ગઈ. ૨૫ વર્ષ સુધી અભિનય ક્ષેત્રે કાર્યરત રહ્યાં પછી હિતેનને એમ લાગ્યું કે મને ડીજે તરફ પરત ફરવું જોઈએ. હિતેન કહે છે કે એવું નથી કે હવે હું અભિનય નહીં કરું. આ ક્ષેત્ર મારા માટે હમેશાં પ્રથમ રહેશે. પરંતુ મને નવેસરથી ડીજે તરીકે કામ કરવાની મઝા આવી રહી છે.  છેવટે જ્યારે મારા હાથમાં કોઈ ટીવી શો નહોતો ત્યારે હું મુંબઈ, પુણે, બેંગલુરુ ખાતે ડીજે તરીકે કાર્યરત થયો. આ ક્ષેત્રમાં હું પુષ્કળ પ્રવાસ કરું છું અને નવા નવા લોકોને મળું છું. હિતેન ઉમેરે છે કે તમને અભિનય કરવામાં ભલે ગમે તેટલી મોજ પડે. પરંતુ આ ક્ષેત્રમાં તમારી પાસે આજે કામ હોય અને આવતીકાલે ન પણ હોય. આવી અનિશ્ચિતતા મેં મારા અભિનેતા પિતા કંવરજીત પેન્ટલની કારકિર્દીમાં પણ જોઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે હિતેન પેન્ટલે 'યે હૈ મેરે અપને'થી લઈને 'મુસ્કુરાને કી વજહ તુમ હો' અને 'મેહંદીવાલા ઘર' સુધીની સંખ્યાબંધ સીરિયલો, ફિલ્મો અને વેબ સીરિઝો સુધ્ધાંમાં કામ કર્યું છે.

સંજય ગાંધી નાણાકીય ભીડથી દુ:ખી

પીઢ અભિનેતા સંજય ગાંધી હમણાં તીવ્ર નાણાંકીય ભીડનો સામનો કરી રહ્યા છે. હકીકતમાં હું હમણાં એક જાણીતા શોનો ભાગ હોવા છતાં તેમાં નથી. ધારાવાહિક 'ઝનક'માં હું જોડાયો ત્યારે મને એમ કહેવામાં આવ્યું હતું કે તમને ૨૦ દિવસ કામ કર્યા પછી બે મહિનાનો બ્રેક લેવાનો છે. ત્યાર બાદ તમે શોનો મહત્વનો ભાગ બની જશો. મેં ૨૦ દિવસનું શૂટિંગ પૂરું કર્યું તેને નવ નવ મહિનાના વહાણા વાઈ ગયા. મારો ટ્રેક ફરીથી શરૂ થાય તેની રાહ જોઈને હવે હું થાક્યો છું. મારી પાસે ઘરનું ભાડું ચૂકવવાના પૈસા પણ નથી બચ્યા. હું અંધેરીમાં ભાડાના ઘરમાં રહું છું અને મિત્રો પાસેથી ઉછીના નાણાં લઈને ભાડું ભરું છું. કોરોના કાળમાં મારી સઘળી બચત ખર્ચ થઈ ગઈ હતી. હવે મને મારો મીરા રોડ ખાતે આવેલો ફ્લેટ વેંચવાની નોબત આવશે એવું લાગે છે. જો સીરિયલ સર્જકોએ મને અગાઉથી કહી દીધું હોત કે મારો ટ્રેક ફરીથી શરૂ કરવામાં નહીં આવે તો હું અન્ય કોઈ ધારાવાહિકમાં જોડાઈ જાત. 

મમ્મી બન્યા પછી સૃષ્ટિ મહેશ્વરી બદલાઈ ગઈ

સૃષ્ટિ મહેશ્વરીએ ગયા જૂન માસમાં પુત્રીને જન્મ આપ્યો ત્યાર બાદ છ મહિનામાં જ ફરી કામે ચડી ગઈ હતી. આમ છતાં તે કામ અને અંગત જીવન વચ્ચે સરસ સંતુલન જાળવી રહી છે. અભિનેત્રી કહે છે કે મેં ગયા ડિસેમ્બર મહિનામાં એક વેબ સીરિઝનું શૂટિંગ પૂરું કર્યું. આ ફેબુ્રઆરી માસમાં મેં અન્ય વેબ શોનું કામ સમાપ્ત કર્યું. હું મારા સ્વાસ્થ્ય પ્રત્યે અત્યંત સભાન છું અને ચોક્કસ પ્રકારના વ્યાયામ અચૂક કરું છું. સાથે સાથે હું ટચૂકડા પડદેથી સારા શોની ઑફર આવે એવી અપેક્ષા રાખી રહી છું. 'પંડયા સ્ટોર'માં કામ કરનાર અદાકારા વધુમાં કહે છે કે અગાઉ હું એકદમ ચુલબુલી-ચંચળ હતી. પરંતુ પુત્રી કાયરાના જન્મ પછી હું ઠરેલ બની છું. હા, લગ્ન પછી હું થોડી બદલાઈ હતી ખરી. પરંતુ મમ્મી બન્યા પછી હું વધુ ઠરેલ બની છું.


Google NewsGoogle News