TV TALK .
અભિષેક બજાજ હું પ્રેમમાં નથી!
એક જ ઇન્ડસ્ટ્રીમાં લાંબા સમય સુધી કામ કરનારા કલાકારો મિત્રતાને નાતે નિકટ આવે કે હસીને વાત કરે તોય લોકો તેમની વચ્ચે પ્રેમ સંબંધ હોવાની અફવા ફેલાવવા લાગે છે. છેલ્લા કેટલાક સમયથી અભિષેક બજાજ અને ડોનાલ બિશ્ત વચ્ચે પ્રેમ સંબંધ હોવાની વાતો વહેતી થઈ છે. જોકે બંનેએ હમેશાંથી આ વાત નકારી છે. આમ છતાં બંને લિવ-ઈન-રિલેશનશીપમાં હોવાનો ગણગણાટ થતાં અભિષેકે સ્પષ્ટતા કરી હતી કે આ વાત સાવ ખોટી છે. અભિનેતાએ કહ્યું હતું કે હું કોઈના પ્રેમમાં નથી. હમણાં હું સિંગલ છું અને કોઈને ડેટ કરવાનો મારો ઈરાદો નથી. હમણાં મારું સઘળું ધ્યાન મારી કારકિર્દી પર છે. હાલના તબક્કે 'જ્યુબિલી ટૉકિઝ'માં કામ કરી રહેલો અભિષેક કહે છે કે છેલ્લા કેટલાંક વર્ષમાં ઘણાં શો પાછાં વાળ્યાં છે. આનું કારણ આપતાં તેણે કહ્યું હતું કે મને આવેલી ઑફરોમાંથી કોઈપણ સીરિયલ રસપ્રદ નહોતી.
મહેશ શેટ્ટી આઠ વર્ષ ક્યાં હતા?
લોકપ્રિય ધારાવાહિક 'પવિત્ર રિશ્તા' સહિત સંખ્યાબંધ ટીવી શો કરનાર અને છેલ્લે 'પ્યાર કો હો જાને દો'માં જોવા મળેલો અભિનેતા મહેશ શેટ્ટી આઠ વર્ષના અંતરાલ પછી ટચૂકડા પડદે વાપસી કરવા માગે છે. રખે એમ માની લેતાં કે આટલાં વર્ષ સુધી મહેશને કોઈ ટીવી શો નહોતો મળ્યો એટલે તે નવરો બેઠો હતો. હકીકતમાં મહેશને અન્ય માધ્યમોમાં કમ કરવું હતું તેથી તેણે ટચૂકડા પડદેથી બ્રેક લીધો હતો. અભિનેતા કહે છે કે અન્ય માધ્યમોમાં તમને તમારા કિરદારની તૈયારી માટે પૂરતો સમય મળી રહે. પરંતુ ટીવી પર આવતા શોમાં તમને આવો મોકો ભાગ્યે જ મળે. વાસ્તવમાં દૈનિક ધારાવાહિકોમાં તમને ડેડલાઈન સંભાળવાની હોય એટલે પાત્રની તૈયારી માટે ઝાઝો સમય ન મળે. હું સતત આ રીતે કામ કરવા કરતાં અન્ય માધ્યમોમાં કિસ્મત અજમાવવા માગતો હતો તેથી મેં ટચૂકડા પડદેથી બ્રેક લીધો. આ સમય દરમિયાન મેં ફિલ્મો તેમ જ ડિજિટલ ક્ષેત્રે કામ કર્યું.
હુન્નર-મયંક: મેઇડ ફોર ઇચ અધર
આઠ વર્ષ અગાઉ હુન્નર ગાંધી અને મયંક ગાંધી લગ્નગાંઠે બંધાયા ત્યાર પછી આ ગાંઠ ઉત્તરોત્તર મજબૂત બનતી ગઈ છે. હુનર કહે છે કે આ આઠ વર્ષમાં અમારા સંબંધો પ્રગાઢ બન્યાં છે. અમે અગાઉની તુલનામાં વધુ જવાબદાર બન્યાં છીએ. અમને અમારા શ્વાનોની કાળજી પણ લેવાની હોય છે. મહત્વની વાત એ છે કે અમે એકમેકને સારી રીતે સમજીએ છીએ અને કોઈને આડે નથી આવતાં. અમે એકબીજાને પૂરતો અવકાશ આપીએ છીએ. અત્યાર સુધી 'પટિયાલા બેબ્સ', 'તેરા મેરા સાથ રહે', 'પરમાવતાર શ્રીકૃષ્ણ' જેવી ધારાવાહિકોમાં કામ કરનાર હુનરને 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી' અને 'કહાની ઘર ઘર કી' જેવી કલ્ટ સીરિયલમાં કામ કરવું છે. તે કહે છે કે આ પ્રકારના શો લાંબા સમય સુધી ચાલે છે. હું આશા રાખું છું કે મને પણ આવા કોઈ શોમાં કામ કરવાનો અવસર મળશે. હા, એવું નથી કે હું મારી કારકિર્દીથી ખુશ નથી. ખરેખર તો હું અત્યાર સુધી જે પામી છું તેનાથી મારું હૈયું છલકાઈ રહ્યું છે. આમ છતાં મને હજી લંબી મજલ કાપવી છે. મને હજી ઘણું કામ કરવું છે.
આહના થનગને છે ટીવી શો કરવા
અભિનેત્રી આહના કુમરાને લાગે છે કે મનોરંજન જગતની ગતિ હમણાં ઘણી ધીમી પડી ગઈ છે. તે કહે છે કે હમણાં હું એકવેબ સીરિઝમાં કામ કરી રહી છું. ટૂંક સમયમાં જ તેના વિશે ઘોષણા કરવામાં આવશે. મેં પૂરબ કોહલી અને રજત કપૂર સાથે એક ફિલ્મ કરી છે. પરંતુ હમણાં મનોરંજન જગતની રફતાર ધીમી પડી ગઈ છે. સંખ્યાબંધ શો તૈયાર થઈ ગયા હોવા છતાં એક યા બીજા કારણસર રજૂ નથી થઈ રહ્યાં. 'લિપસ્ટિક અંડર માય બુરખા', 'ઇન્ડિયા લૉકડાઉન' જેવી ફિલ્મોમાં કામ કરનાર આહનાને હવે ટચૂકડા પડદે પરત ફરવામાં પણ વાંધો નથી. તે કહે છે કે સીરિયલ સર્જકોએ ધારી લીધું છે કે હવે મને ટીવીમાં કામ કરવામાં રસ નથી રહ્યો. પરંતુ આ વાત સાચી નથી.