TV TALK .
રાજ અનડકટને મુનમુન વિશે વાત નથી કરવી
વર્ષ ૨૦૨૨ના ડિસેમ્બર મહિનામાં અભિનેતા રાજ અનડકટે અત્યંત લોકપ્રિય શો 'તારક મહેતા કા ઊલટા ચશ્મા'નું કેન્દ્રવર્તી પાત્ર 'ટપુ' ભજવવાનું છોડી દીધું. અને હાલના તબક્કે તે ગુજરાતી શો 'યુનાઇટેડ સ્ટેટ ઑફ ગુજરાત'માં કામ કરી રહ્યો છે. રાજ કહે છે કે કોરોના કાળ પછી ગુજરાતી ફિલ્મો અને શોઝમાં ઘણો વિકાસ થયો છે. પરિણામે મને લાગ્યું કે હમણાં કાંઈક નવું કરવા માટેનો પરફેક્ટ સમય છે. વળી હું સ્વયં ગુજરાતી હોવાથી મેં આ ગુજરાતી શોમાં કામ કરવાનો નિર્ણય કર્યો. જોકે રાજે 'તારક મહેતા કા ઊલટા ચશ્મા' જેવો જાણીતો શો છોડવાનો નિર્ણય કર્યો ત્યારે લોકોની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ હતી. અહીં એ વાતની નોંધ પણ લેવી રહી કે રાજનું નામ આ શોમાં 'બબિતા'નું પાત્ર ભજવતી અભિનેત્રી મુનમુન દત્તા સાથે જોડાયું હતું. એમ પણ કહેવાય છે કે મુનમન અને રાજે સગાઈ કરી લીધી હતી. પરંતુ રાજ કહે છે કે તે મુનમુન વિશે વાત કરવા પણ નથી માગતો. તે કહે છે કે મેં અગાઉ પણ તેના વિશે વાત નથી કરી અને આજે પણ કરવા નથી ઇચ્છતો.
કપિલ નિર્મલને અહંકાર રાખવો છે અંકુશમાં
પોતાની બીજી ધારાવાહિક 'રાજા કી આયેગી બારાત'માં 'યુધિષ્ઠિર સિસોદિયા'ની ભૂમિકા ભજવીને ઘર ઘરમાં જાણીતા બનેલા અભિનેતા કપિલ નિર્મલને પોતાની કારકિર્દી પ્રત્યે મોટી અપેક્ષાઓ છે. જોકે તેને એ વાતનું આશ્ચર્ય છે કે તેને મળતાં કામ વચ્ચે આટલું બધું અંતરાલ શા માટે હોય છે. અભિનેતા કહે છે કે મારી ટેલિવિઝન કારકિર્દી મેં ધારી હતી એટલી સરસ રીતે નથી ચાલી. છેલ્લે 'બાલ શિવ-મહાદેવ કી અનદેખી ગાથા'માં કામ કરનાર આ અભિનેતાએ જોકે જ્હોન અબ્રાહમ સાથેની ફિલ્મ 'વેદા'માં કામ કર્યું છે. કેટલાંક લોકોને એમ પણ માને છે કે અભિનેતાએ ટીવી પરથી ઈરાદાપૂર્વક બ્રેક લીધો હતો. આના જવાબમાં કપિલ કહે છે કે હજી સુધી મારું સ્થાન એટલું મજબૂત નથી થયું કે હું મારી પસંદગીના માધ્યમમાં કામ કરી શકું. આમ છતાં મેં ટીવી પરથી ઈરાદાપૂર્વક બ્રેક લીધો હતો. મને વિવિધ પ્રકારના પાત્રો ભજવવા હતાં. હવે મને ખાતરી છે કે 'વેદા' પછી બધાં સારાવાનાં થશે.
કરૂણા પાંડેને ફિલ્મોને બદલે ટીવી ફળ્યું
મુંબઈની ધરતી પર દરરોજ હજારો યુવકો અને યુવતીઓ ફિલ્મોમાં કામ કરવાની અપેક્ષા લઈને ઉતરી પડે છે. પરંતુ તેમાંથી કોઈકની કિસ્મત ચમકે છે તો કોઈક સંઘર્ષ કરતું રહે છે. જ્યારે કોઈકને મોટા પડદાના સ્થાને નાના પડદે કામ મળે છે. આવું જ કાંઈક 'પુષ્પા ઇમ્પોસિબલ'માં કામ કરી રહેલી અને ટાઈટયુલર રોલ ભજવતી અભિનેત્રી કરૂણા પાંડે સાથે પણ બન્યું છે. કરૂણા વર્ષ ૨૦૦૫માં ફિલ્મોમાં કામ કરવાના ઈરાદાથી મુંબઈ આવી. પરંતુ હવે તે ટચૂકડા પડદાની લોકપ્રિય અદાકારા બની ગઈ છે. કરૂણા કહે છે કે મુંબઈ આવ્યા પછી મેં રમેશ સિપ્પીની એક ફિલ્મમાં કામ પણ કર્યું હતું. પરંતુ એ મૂવી ક્યારેય રજૂ ન થઈ. હું આ ફિલ્મની રજૂઆતની પ્રતિક્ષા કરી રહી હતી પરંતુ મને નિરાશા હાથ લાગી. દરમિયાન મેં રાજપાલ યાદવ સાથે નાટકો ભજવવા માંડયા અને વિશ્વભરમાં તેને માટે યાત્રાઓ કરી. ત્યાર બાદ મને મારો પહેલો ટીવી શો 'વો રહનેવાલી મહલોં કી' મળ્યો. મહત્વની વાત એ છે કે કરૂણાએ ટીવી પર કામ કરવાનું શરૂ કર્યું ત્યાર પછી તેને સતત કામ મળતું રહ્યું. તે કહે છે કે હું ટચૂકડા પડદે એટલી બધી વ્યસ્ત થઈ ગઈ કે મેં ફિલ્મોમાં કામ મેળવવાનો પ્રયાસ જ ન કર્યો. અહીં એ વાતની નોંધ લેવી રહી કે કરૂણાએ 'કાલી', 'યહાં મૈં ઘર ઘર ખેલી', 'ભાગ રે મન' અને 'દેવાંશી'માં કામ કર્યું છે. પરંતુ 'પુષ્પા ઇમ્પોસિબલ' ધારાવાહિકે તેને સૌથી વધુ ખ્યાતિ અપાવી.
શ્રધ્ધા આર્યાનું ગર્ભાવસ્થામાં વર્ક ફ્રોમ હોમ!
ધારાવાહિક 'કુંડલી ભાગ્ય'માં 'પ્રીતા'નું પાત્ર ભજવી રહેલી અભિનેત્રી શ્રધ્ધા આર્યાએ પોતાના કામ પ્રત્યે શી રીતે અને કેટલા સમર્પિત રહી શકાય તેનો દાખલો બેસાડયો છે. વાત જાણે એમ છે કે શ્રધ્ધા હમણાં ગર્ભવતી હોવાથી તેને માટે સેટ પર જઈને શૂટિંગ કરવું મુશ્કેલ છે. પરંતુ પોતાની કામ પ્રત્યેની લગનને પગલે શ્રધ્ધાએ સીરિયલ સર્જકોને વિનંતી કરી હતી કે તેને ઘરેથી કામ કરવાની મંજૂરી આપવામાં આવે જેથી તેનું સ્વાસ્થ્ય અને કામ, બંને સચવાઈ જાય. અને તેના આશ્ચર્ય વચ્ચે શ્રધ્ધાની વાત માની લેવામાં આવી. તેને માટે શોના ધોરણો જળવાઈ રહે તે મુજબ ટેકનિકલ સેટઅપ, કેમેરા એંગલ અને ક્રીએટિવ એક્ઝિક્યુશન ઇત્યાદિની સુવિધા આપતી ખાસ ટીમ સાથે રિમોટલી દ્રશ્યો શૂટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે આ સઘળાં કામો વચ્ચે સીરિયલની ટીમે શ્રધ્ધાના બેબી શાવરનો આનંદ પણ લીધો. અદાકારાએ કહ્યું હતું કે 'કુંડલી ભાગ્ય'ના કલાકાર-કસબીઓ જાણે કે મારું વાસ્તવિક કુટુંબ બની ગયું છે.