TV TALK .

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
TV TALK                                                            . 1 - image


અભિષેક બજાજની ટીવી વાપસી

'સ્ટુડન્ટ ઑફ ધ યર-૨' (૨૦૧૯), 'ચંદીગઢ કરે આશિકી' (૨૦૨૧), 'બબલી બાઉન્સર' (૨૦૨૨) જેવી ફિલ્મોમાં કામ કર્યા પછી અભિનેતા અભિષેક બજાજ ટચૂકડા પડદે પરત ફર્યો છે. હાલના તબક્કે 'જ્યુબિલી ટૉકિઝ'માં મુખ્ય ભૂમિકા ભજવી રહેલો અભિષેક પોતાની ટીવી વાપસી માટે કહે છે કે આ શોની કહાણી મને નોખી લાગી હતી તેથી મેં તરત જ તેમાં કામ કરવાનો નિર્ણય લઈ લીધો. ફિલ્મોમાં કામ કરતી વખતે મેં નોંધ્યુ હતું કે ટીવી પર આવતી ધારાવાહિકોમાં મહત્વની ભૂમિકાઓ ભજવતાં કલાકારો પણ ફિલ્મોમાં માત્ર શોભાના પૂતળા બની રહેવાનું કામ કરે છે. ફિલ્મોનો દરજ્જો હમેશાંથી ટીવી કરતાં ઊંચો માનવામાં આવ્યો છે. ટચૂકડા પડદાના ઘણાં કલાકારો માત્ર ફિલ્મોમાં આવવા મળે એટલા ખાતર સાવ ક્ષુલ્લક રોલ કરવા તૈયાર થઈ જાય છે. મારા મતે તેમને પોતાનો અવાજ બુલંદ કરવો જોઈએ. 

નૌશીન અલી સરદાર કડક મિજાજમાં

ટચૂકડા પડદાની 'કુસુમ' તરીકે જાણીતી બનેલી અભિનેત્રી નૌશીન અલી સરદાર હવે એક કડક મિજાજ, શિસ્તપ્રિય યુવતીની ભૂમિકા દ્વારા લાંબા સમય પછી ટીવી પર પરત ફરી રહી છે. નવી સીરિયલ વસુંધરામાં એક પુરૂષ અને એક મહિલાની નહીં, બલ્કે બે તદ્દન વિરોધાભાસી સ્ત્રીઓની વાત વણી લેવામાં આવી છે. એક આગ અને બીજી બરફ જેવી સ્ત્રીઓની આ કહાણીમાં નૌશીન અલી સરદાર અત્યંત શિસ્તબધ્ધ અને પોતાની મહેનત-લગનથી આગળ આવેલી સ્ત્રી છે. બીજી તરફ પ્રિયા ઠાકુર એકદમ નિષ્કપટ અને નિર્દોષ યુવતી 'વસુંધરા'ના કિરદારમાં છે જે શહેરી જીવનશૈલી અપનાવી શકતી. નૌશીને પોતાના રોલ માટે અને આ શોની કહાણી માટે કહ્યું હતું કે મને આવા કોઈક નોખા કિરદારની તલાશ હતી. અને 'વસુંધરા'માં મને આવો રોલ મળી ગયો. આ પ્રકારની ભૂમિકાથી પરત ફરવાથી રૂડું શું?

 હેમંત ચૌધરી : વિદેશમાં સન્માન મળ્યું

હેમંત ચૌધરી પ્રવાસનો જબરો શોખીન છે. પરંતુ આ વખતનો તેનો પ્રવાસ અલગ કારણસર યાદગાર બની ગયો છે. થોડાં વખત પહેલા હેમંત કામ તથા પર્યટન, બંને કામસર દક્ષિણ કોરિયા ગયો હતો. અભિનેતા કહે છે કે હું ત્યાંના જેજુ ખાતેની એક હોટલમાં સાંજના સમયે મારી કૉફી આવે તેની રાહ જોઈ રહ્યો હતો. તે વખતે મારી નજર મારી બાજુમાં પડેલા યુએસ ડૉલરના બંડલ પર પડી. મેં પળનોય વિલંબ કર્યા વિના એ બંડલ લઈને રિસેપ્શન પર આપી દીધું. બીજે દિવસે સવારે હું બ્રેકફાસ્ટ માટે જઈ રહ્યો હતો ત્યારે લગભગ ૨૦થી ૩૦ જણ ત્યાં એકઠા થઈ ગયાં અને મારી સામે આવીને મને તાળીઓથી વધાવી લીધો. પળભર તો હું આશ્ચર્યમાં પડી ગયો. પણ પછી મને સમજાયું. તેમણે મારી ઈમાનદારીની પ્રશંસા કરી અને મને વાઈનની એક બોટલ ભેટ આપી. એટલું જ નહીં, મારા બધા બિલ પર પચાસ ટકા ડિસ્કાઉન્ટ પણ આપ્યું. વાસ્તવમાં મેં સ્વપ્નેય નહોતું કલ્પ્યું કે વિદેશમાં મારી ઈમાનદારીની આ રીતે સરાહના કરવામાં આવશે, મને આવું સન્માન મળશે.  

પ્રતિક્ષા હોનમુખે કહે છે કે... 

 માર્ચ મહિનામાં અભિનેત્રી પ્રતિક્ષા હોનમુખેને તેના સહકલાકાર શેહઝાદા ધામી સાથે અચાનક જ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'માંથી રવાના કરી દેવામાં આવી. તેને માટે નિર્માણગૃહે બંને કલાકારો પર અનપ્રોફેશનલ હોવાનો આરોપ મૂક્યો હતો. અભિનેત્રીએ કહ્યું હતું કે મને અને શેહઝાદાને અન્યોની ચઢામણીને પગલે શોમાંથી કાઢી નાખવામાં આવ્યાં હતાં. આટલા મહિના સુધી હું આ મુદ્દે ચૂપ રહી હતી. સોશ્યલ મીડિયા પર આ મુદ્દે કંઈકેટલીય કહાણીઓ ઘડી કાઢવામાં આવી હતી. મારા માટે આ તબક્કો અત્યંત પીડાદાયક હતો. પરંતુ આ બનાવે મને શીખવ્યું કે કોની સાથે બોલવું, કોની સાથે ન બોલવું અને કેટલું બોલવું. મને એ પણ સમજાયું કે આ ઈન્ડસ્ટ્રીમાં કાંઈપણ થઈ શકે છે. હું આ આઘાતમાંથી બહાર આવીને તરત કામની તલાશ કરવા લાગી હતી. નસીબજોગે મને 'કૈસે મુજે તુમ મિલ ગયે'માં પેરેલલ લીડ મળી ગઈ. આઇ એમ ગુડ!


Google NewsGoogle News