TV TALK .
જીગર સરૈયા સંગીતકાર આણંદજીનો જમાઈ
આ વાત વાંચ્યા પછી આશ્ચર્ય થયું ને? પરંતુ જીગર સરૈયા તેમનો જમાઈ છે એમ સંગીતકાર આણંદજીએ સ્વયં કહ્યું છે. અને તે પણ રીઆલિટી શો 'સારેગમપ'ના મંચ પર. વાત જાણે એમ છે કે તાજેતરમાં સંગીતકાર આણંદજી આ શોમાં વિશેષરૂપે ઉપસ્થિત રહ્યાં હતાં. આ શોમાં સચિન-જીગરની જોડી નિર્ણાયકની ભૂમિકામાં છે. 'સારેગમપ'ના સ્પર્ધકો પાર્વતી અને ઉજ્જવલે 'બેખુદી મેં સનમ' અને 'મેરે મીતવા મેરે મીત' જેવા લોકપ્રિય ગીતો ગાઈને દર્શકોને તેમ જ આણંદજી શાહને પ્રભાવિત કર્યા પછી સંગીતકારે જીગર સરૈયા સાથેના સંબંધની વાત ઉજાગર કરી હતી. તેમણે જણાવ્યું હતું સચિન-જિગરની જે જોડી માટે પ્રિયા સરૈયા (જિગરની પત્ની)એ 'સુન સાથિયા' જેવા સંખ્યાબંધ સફળ ગીતો લખ્યાં અને ગાયા છે તે મારી એક સમયની વિદ્યાર્થીની છે. તે મારી દીકરી જેવી છે તેથી હું જિગરને લાડમાં જમાઈ કહીને બોલાવું છું. આમ મારી વિદ્યાર્થીનીનો પતિ હોવાના નાતે જિગર મારો જમાઈ થાય.
રાઘવ જુયાલને જોખમ લેવાનું ફળ્યું
લાંબા સમય સુધી ટીવી પર કાર્યરત રહેનાર સંચાલક-અભિનેતા રાઘવ જુયાલને ટચૂકડો પડદો છોડીને ફિલ્મોમાં કામ કરવા જવાનો જોખમી નિર્ણય ફળ્યો છે. તેની ફિલ્મ 'કિલ'ને સર્વત્ર આવકાર મળી રહ્યો છે. અભિનેતા કહે છે કે મારા પ્રશંસકોની વિશાળ ફોજ અને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને કામ કરવાનો નિર્ણય લેવો મારા માટે સહેલો નહોતો. પરંતુ મને લાગ્યું કે જો હમણાં જોખમ નહીં લઉં તો ક્યારે લઈશ? છેવટે મેં ટીવી પર મળેલી લોકપ્રિયતાને રામ રામ કર્યાં. પરંતુ મારો આ નિર્ણય આજે સાચો પુરવાર થઈ રહ્યો છે. 'કિલ' સાવ નાના બજેટની ફિલ્મ છે. આમ છતાં આ ફિલ્મે મારી કારકિર્દીને નવો વળાંક આપ્યો છે. ફિલ્મ સર્જકોની તેમ જ સમીક્ષકો-દર્શકોની મને જોવાની દ્રષ્ટિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. હું અચાનક જ વિશ્લેષકોનો માનીતો કલાકાર બની ગયો છું. આ ફિલ્મ બન્યા પછી નિર્માતાઓ પોતાની ફિલ્મો માટે મારો સીધો સંપર્ક કરી રહ્યાં છે. અભિનેતા વધુમાં કહે છે કે આ ફિલ્મની એક્શન સિક્વન્સ મારા માટે સહજ હતી. આનું કારણ સમજાવતાં અભિનેતા કહે છે કે એક્શન સિકવન્સમાં એક પ્રકારની રિધમ હોય છે. હું વર્ષો સુધી ટીવી પર ડાન્સર રહ્યો હોવાથી રિધમ સાથે સારી રીતે કેળવાયેલો હતો. સ્વાભાવિક રીતે જ એક્શન સિકવન્સની રિધમ મારામાં સહજતાથી આવી ગઈ. વળી અમે એવું પણ નહોતું કર્યું કે સામી વ્યક્તિને એક મુક્કો મારવામાં આવે અને પછી સ્લો મોશન શરૂ કરી દેવામાં આવે. મને લાગે છે કે એક્શન કોરિયોગ્રાફીમાં ડાન્સ કોરિયોગ્રાફીની અનુભૂતિ થાય છે. મહત્વની વાત એ છે કે રાઘવની 'કિલ'ને ટોરેન્ટો ફિલ્મોત્સવમાં અને પછી સમગ્ર ટોરેન્ટોમાં અકલ્પનીય પ્રતિસાદ સાંપડયો હતો. અભિનેતા કહે છે કે આ ફિલ્મની રજૂઆત માટે અમે ગયા વર્ષે ટોરેન્ટો ગયા ત્યારે જરાય હોહા નહોતી મચાવી. અમે સાવ સહજતાથી ત્યાં પહોંચ્યા હતા. પરંતુ આ ફિલ્મે ત્યાં એવી ધૂમ મચાવી કે વિદેશીઓ આ મૂવી જોવા આવતાં હતાં અને સ્ટેન્ડિંગ ઓવેશન આપતાં હતાં. અમે તો આ જોઈને જ આંચકો ખાઈ જતાં. અમે શહેરમાં ફરતાં ત્યારે પણ લોકો મને 'હે કિલ' કહીને મારા પાત્રના નામથી સંબોધતા. ટોરેન્ટોમાં 'કિલ'ને ફિલ્મ ઓફ ધ યર કહેવામાં આવી હતી.
અનિતા હસનંદાનીને નહોતું આવડયું હળતા-ભળતાં
આજની તારીખમાં ટચૂકડા પડદાની લોકપ્રિય અભિનેત્રી અનિતા હસનંદાનીએ પોતાની કારકિર્દીનો આરંભ ફિલ્મોથી કર્યો હતો. પરંતુ સિનેમા ક્ષેત્રે તેને ધારી સફળતા ન મળી. અદાકારા કહે છે કે મને જેવી ફિલ્મો જોઈતી હતી તેવી ન મળી. કદાચ મને ફિલ્મ સર્જકો સમક્ષ મારી મહત્વકાંક્ષા રજૂ કરતાં, ફિલ્મોદ્યોગના લોકો સાથે હળતાં-ભળતાં ન આવડયું. ખેર... આજે મને એ વાતનો કોઈ રંજ નથી. ટીવી પર તેમ જ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં મને જે સફળતા મળી તેને પગલે મારી મહત્વકાંક્ષા પૂર્ણ થઈ છે. હાલના તબક્કે 'સુમન ઇન્દોરી'માં નકારાત્મક રોલ અદા કરી રહેલી અનિતા વધુમાં કહે છે કે દક્ષિણ ભારતમાં ફિલ્મો કરવાનો માહોલ એકદમ જુદો છે. અહીં એકદમ પરફેક્શન સાથે અને સમયની પાબંદી જાળવીને કામ કરવામાં આવે છે. અભિનેત્રીની સોશ્યલ મીડિયાની વાત કરીએ તો તે છેલ્લા કેટલાંક વર્ષથી આ મંચ પર સક્રિય છે. પરંતુ તે સોશ્યલ મીડિયાને ઝાઝું મહત્વ નથી આપતી. તે કહે છે કે સોશ્યલ મીડિયા પર મળતી લોકપ્રિયતા, ફેન ફોલોઇંગ હંગામી હોય છે. આજે મને લોકો ઓળખે છે તેનું કારણ એ છે કે હું અભિનેત્રી છું. અને આ ઓળખ લાંબા સમય સુધી ટકી રહેશે. પરંતુ સોશ્યલ મીડિયાની ફેમ મર્યાદિત સમય પૂરતી હોય છે.