TV TALK .

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
TV TALK                                                            . 1 - image


ગુલ્કી જોશી ફરી 'હસીના મલિક' નહીં બને?

વર્ષ ૨૦૨૩ના ફેબુ્રઆરી મહિનામાં ધારાવાહિક 'મેડમ સર'ને વિરામ આપવામાં આવ્યો. આ શોમાં અભિનેત્રી ગુલ્કી જોશીએ 'હસીના મલિક'ની ભૂમિકા ભજવીને દર્શકોના દિલ જીતી લીધાં. અને હવે તેની બીજી સીઝન આવવાની વાતો વચ્ચે એમ જાણવા મળી રહ્યું છે કે ગુલ્કીની લોકપ્રિયતા છતાં બીજી સીઝન માટે તેનો સંપર્ક કરવામાં નથી આવ્યો. સ્વાભાવિક રીતે જ ગુલ્કીને આ વાતનું દુઃખ છે. અભિનેત્રીએ કહ્યું હતું કે હજી સુધી કોઈએ મને આ શોની બીજી સીઝનમાં કામ કરવા માટેની ઑફર નથી કરી. ખરેખર તો હું આ શો સાથે હું લાગણીથી જોડાયેલી છું. તેથી જો કોઈએ મને પૂછ્યું હોત કે મને તેની બીજી સીઝનમાં કામ કરવું છે? તો હું પળનોય વિલંબ કર્યા વિના હા પાડી દેત.  હું એમ પણ માનું છું કે જો નવો શો મારા નસીબમાં હશે તો મને ચોક્કસ મળશે. ત્યાં સુધી હું થિયેટરમાં કામ કરવાનો આનંદ લઈ રહી છું. અલબત, કેટલાંક ટીવી શોઝ માટે વાતચીત પણ ચાલી રહી છે. અને એક કલાકાર તરીકે તમને આવકાર સાથે જાકારો પણ મળે એ વાત સ્વીકારવી જ રહી.

અભિષેક બજાજને મળ્યો સુપરસ્ટારનો રોલ

અત્યાર સુધી 'બિટ્ટી બિઝનેસ વાલી', 'દિલ દે કે દેખો', 'સિલસિલા પ્યાર કા' જેવી ધારાવાહિકો તેમ જ 'સ્ટુડન્ટ ઑફ ધ યર-૨', 'ચંદીગઢ કરે આશિકી' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલો સોહામણો અભિનેતા અભિષેક બજાજ ટૂંક સમયમાં 'જ્યુબિલી ટૉકિઝ - શોહરત શિદ્દત મોહબ્બત'માં 'અયાન' બનીને આવી રહ્યો છે. ખુશી દુબે સાથેના આ શો માટે અભિષેક કહે છે કે તેમાં એક સુપરસ્ટાર અને એક સામાન્ય યુવતીની પ્રેમ કહાણી રજૂ કરવામાં આવશે. 'અયાન' ફિલ્મોનો સુપરસ્ટાર હોવા છતાં તેના પગ જમીન સાથે જડાયેલાં હોય છે. આ રોલમાં મને અભિનય કરવાની બહોળી તક મળી છે. તે ઉમેરે છે કે મેં બે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. મને ટચૂકડા પડદે કોઈક દમદાર રોલ કરવો હતો. આ કારણે જ મેં છેલ્લા ચાર-પાંચ વર્ષમાં સંખ્યાબંધ ઑફરો પાછી વાળી દીધી હતી. પરંતુ મને આ શોની મારા ભાગે આવેલી ભૂમિકા ગમી ગઈ હતી. આ શોને જે રીતે રજૂ કરવામાં આવવાનો છે તે જોતાં મને ખાતરી છે કે દર્શકો તેને પસંદ કરશે. એક કલાકાર તરીકે હું વિવિધ માધ્યોમાં જુદાં જુદાં પ્રકારના કિરદાર અદા કરવા માગું છું. અને સારા પાત્ર માટે રાહ જોવામાં પણ મને વાંધો નથી.

અદ્દિજા રૉય ઇમલી મટી તબીબ બની

'દુર્ગા ઔર ચારુ'થી ટચૂકડા પડદે પદાર્પણ કરનાર અભિનેત્રી અદ્દિજા રૉય છેલ્લે ધારાવાહિક 'ઈમલી'માં મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. આ શૉની પૂર્ણાહૂતિ કરવામાં આવ્યા પછી અદ્દિજાને સારા શો માટે લાંબો સમય રાહ જોવાની જરૂર નથી પડી. લોકપ્રિય સીરિયલ 'કુંડલી ભાગ્ય'માં તેને 'ડૉ. પલ્કી ખુરાના'ની ભૂમિકા મળી ગઈ. વાસ્તવમાં છેલ્લા એક વર્ષથી અભિનેત્રી સના સૈયદ આ પાત્ર ભજવી રહી હતી. પરંતુ તે માતા બનવાની હોવાથી આ કિરદાર અદ્દિજાના ભાગે આવી ગયું. અભિનેત્રીએ કહ્યું હતું કે આ શોના કલાકાર-કસબીઓએ મને પ્રેમથી આવકારી હતી. કોઈપણ પાત્ર અગાઉથી કોઈએ ભજવ્યું હોય ત્યારે તેનું સ્થાન લેવાનું અઘરું હોય છે. પરંતુ મેં આ પડકાર ઝીલી લીધો છે. મને એ વાતની ખુશી છે કે મને આ લોકપ્રિય શોમાં મહત્વનો રોલ કરવાનો મોકો મળ્યો છે.

ઉલ્કાને છોછ નથી ઓનસ્ક્રીન મમ્મી બનવાનો

'ઝાંસી કી રાની' અને 'બન્ના ચાઉ'માં કામ કરીને અપ્રતિમ લોકપ્રિયતા હાંસલ કરનાર અભિનેત્રી ઉલ્કા ગુપ્તા હમણાં 'મૈં હું સાથ તેરે'માં સિંગલ મધરની ભૂમિકા ભજવી રહી છે. માત્ર ૨૬ વર્ષની ઉંમરે માતાનું કિરદાર ભજવવા તૈયાર થયેલી ઉલ્કાને મોટાભાગના લોકો આશ્ચર્યથી પૂછે છે કે આટલી નાની ઉંમરમાં તું મમ્મીનો રોલ ભજવવા શા માટે તૈયાર થઈ. હવે તને આવા જ પાત્રો ઑફર થયા કરશે. આના જવાબમાં અભિનેત્રી કહે છે કે આ શોની સ્ટોરી તદ્દન નોખા પ્રકારની છે. હું આવી ભૂમિકા ભજવવાનો ઈનકાર કરવા નહોતી માગતી. આ પાત્ર ભજવીને કદાચ હું યુવાન વયમાં માતા બનવા વિશેનો સ્ટીરીયોટાઇપ થઈ જવાનો ટ્રેન્ડ બદલી શકું. ખેર..., આ વાત તો સમય આવ્યે સમજાશે. પરંતુ અભિનેત્રી તરીકે હું વૈવિધ્યસભર પાત્રો ભજવવા માગું છું. તેથી હાલના તબક્કે હું બીજો કોઈ વિચાર કરવાને બદલે માત્ર મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છું.


Google NewsGoogle News