TV TALK .
રાહુલ વૈદ્યને પુત્રીએ કર્યો શાંત
વિવાદાસ્પદ રીઆલિટી શો 'બિગ બૉસ'માં ભાગ લીધા પછી ગાયક રાહુલ વૈદ્યે અભિનેત્રી દિશા પરમાર સાથે સંસાર માંડયો. આજે તેના ઘરે દોઢ વર્ષની પુત્રી કિલકાટ કરે છે. રાહુલ કહે છે કે મારી મીઠડી દીકરી નવ્યા સાથે સમય પસાર કરવાનું મને બહુ ગમે છે. આમ છતાં કેટલીક વખત તેને સમય આપવાનું મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને ઑક્ટોબરથી લઈને માર્ચ માસ સુધી હું અતિવ્યસ્ત રહું છું. આ મહિનાઓ દરમિયાન વિશ્વભરમાં મારા મ્યુઝિક શો કરતો હોઉં છું. તેના સિવાય હું ટચુકડા પડદે 'લાફ્ટર શેફ' પણ કરી રહ્યો છું. આટલા વ્યસ્ત સમયપત્રકને પગલે કેટલીક વખત હું મારી પુત્રીને સમય નથી આપી શકતો. અલબત્ત, હું તેની સાથે રમવાના બનતા પ્રયાસો કરું છું. રાહુલ વધુમાં કહે છે કે આમ છતાં મારી પત્ની બધું સારી રીતે સંભાળી લે છે. તે અમારી પુત્રી માટે ચોવીસે કલાક હાજર જ હોય છે. તે સઘળું સારી પેઠે સંભાળી લેતી હોવાથી જ હું નચિંત બનીને મારું કામ કરી શકું છું. અનેક વખત એવું પણ બન્યું છે કે નવ્યા આખા ઘરમાં મને શોધતી ફરતી, તે બાબા બાબા કહીને મને બોલાવતી. અને કેટલીક વખત મારા ફોટાને ચુંબન કરતી. આજે પણ હું આ વાત કરતાં કરતાં ગળગળો થઈ જાઉં છું. ખરૃં કહું તો પિતા બન્યા પછી હું ઘણો શાંત થઈ ગયો છું. મારામાં એક પ્રકારની પરિપક્વતા આવી ગઈ છે. અગાઉ હું અને દિશા ગમે ત્યારે રજાઓ ગાળવા નીકળી પડતાં. પણ હવે અગાઉની તુલનામાં અમારી સહેલગાહો ઓછી થઈ ગઈ છે.
શુભાંગી કેન્સરગ્રસ્ત પિતાનો ખભો બની
એકતા કપૂરની ધારાવાહિક 'કસૌટી ઝિંદગી કી'થી અભિનય ક્ષેત્રે પદાર્પણ કરનાર અભિનેત્રી શુભાંગી અત્રે તેના કેન્સરગ્રસ્ત પિતા માટે સવાયો પુત્ર બની છે. અભિનેત્રી કહે છે કે ગયા વર્ષે મારા પિતા રૂપનારાયણ અત્રેને એસોફેગસ કેન્સર હોવાનું નિદાન થયું ત્યારે મારા પગ તળેથી જમીન સરકી ગઈ હતી. હાલના તબક્કે 'ભાભીજી ઘર પર હૈં'માં કામ કરી રહેલી ૪૩ વર્ષીય અદાકારા વધુમાં કહે છે કે મારા ૭૮ વર્ષના પિતાના ઈલાજ માટે ડૉક્ટરોએ અમને કેમોથેરપી અથવા શસ્ત્રક્રિયામાંથી એક વિકલ્પ પસંદ કરવાનું કહ્યું હતું. તેમના પરિવારના સભ્યો હોવાના નાતે અમારા માટે કોઈ એક વિકલ્પ પસંદ કરવો સહેલો નહોતો. પરંતુ ૭૮ વર્ષની વયમાં સર્જરી કરાવવા કરતાં અમે કેમોથેરપી લેવાનું ઊચિત માન્યું. અને હવે તેમના કેમો સેશન શરૂ થઈ ગયા છે. મારા મતે જ્યારે માતાપિતાને કાંઈ થાય ત્યારે તેમના સંતાનોએ જ તેમની બાજુમાં અડીખમ થઈને ઊભા રહેવું જોઈએ. પ્રારંભિક તબક્કે હું પણ ગભરાઈ ગઈ હતી. પણ પછીથી મને લાગ્યું કે આમ ડરી જવાથી મારા પિતાનો ઈલાજ શી રીતે થશે? વળી અમારે જ તેમને હિમ્મત આપવાની હતી. છેવટે મેં પરિસ્થિતિનો સામનો કરીને સકારાત્મક રહેવાનો નિર્ણય કર્યો. હું મારી જાતને જ કહેતી રહેતી કે આ સમય પણ નીકળી જશે. હવે હું તેમની દરેક વાતની કાળજી લઉં છું. હું સારી રીતે જાણું છું કે મને ધીમા પડવાનું કે કોઈપણ બાબત હળવાશથી લેવાનું પરવડે તેમ નથી.
નિમ્રત કૌર ફરી ફિલ્મો ભણી વળી
અભિનેત્રી નિમ્રત કૌર અહલુવાલિયાએ ટચૂકડા પડદેથી ૭૦ એમએમના પડદે પ્રયાણ કર્યું છે. તેણે એક પંજાબી ફિલ્મ કરી છે. જોકે અદાકારા કહે છે કે મને હજી સુધી માનવામાં નથી આવતું કે મેં ફિલ્મમાં કામ કર્યું છે. અને ટૂંક સમયમાં મારી ફિલ્મ મોટા પડદા પર રજૂ થવાની છે. ગાયક-અભિનેતા ગુરૂ રંધાવા સાથે 'શૌનકી સરદાર'માં કામ કરનાર નિમ્રતને જોકે ફિલ્મમાં કામ કરવાનું ઘમંડ નથી આવી ગયું. અને તેને ટીવી પર કામ કર્યું હોવાનો સંકોચ પણ નથી. અદાકારા કહે છે કે મેં માધ્યમો વચ્ચે ક્યારેય ભેદભાવ નથી કર્યો. મારા અભિનયના મૂળિયાં જ ટીવી પર નંખાયા છે. તો પછી મેં તેમાં કામ કર્યું હોવાનો સંકોચ શાને? વળી મારો ઉછેર પણ એવી રીતે થયો છે કે હું મારા સઘળાં સ્રોતોનો ઉપયોગ સુપેરે કરી જાણું છું. આજે હું જે છું તે ટેલિવિજનને કારણે છું.