TV TALK .
'અનુપમા'માં ગૌરવ ખન્નાનો વિકલ્પ કોણ?
ટીઆરપીમાં હમેશાંથી ટોચ પર રહેલી ધારાવાહિક 'અનુપમા'માં 'અનુજ કપાડિયા'નું કિરદાર અદા કરતો ગૌરવ ખન્ના ઘણાં સમયથી શોમાંથી ગાયબ હતો. અને તાજેતરમાં અભિનેતાએ સ્વયં કહ્યું હતું કે હાલના તબક્કે તે શોમાં પરત ફરે એવી કોઈ સંભાવના નથી. આવી સ્થિતિમાં એક જાણીતા અખબારે 'અનુપમા'માં ગૌરવ ખન્નાનું સ્થાન લઈ શકે એવા કયા કયા કલાકારો છે તેનું સર્વેક્ષણ હાથ ધર્યું હતું. સંબંધિત સર્વેક્ષણ બાદ તેમણે કેટલાંક એવા અભિનેતાઓના નામ જાહેર કર્યાં છે જે ગૌરવ ખન્નાને રિપ્લેસ કરી શકે. આ કલાકારોમાં અભિનેતા રોહિત રૉયનું નામ મોખરે છે. બીજા નંબરે આવે છે કરણ પટેલ. કરણ પટેલ પછી ગુરમીત ચૌધરીનું નામ પણ લઈ શકાય એમ સર્વેક્ષણમાં જણાવ્યું હતું. ભગવાન 'શ્રીરામ'ની ભૂમિકા ભજવવાને પગલે બેહદ લોકપ્રિય બનેલા ગુરમીત ચૌધરીમાં પણ ગૌરવ ખન્નાનું સ્થાન લેવાના ગટ્સ છે. ચોથા ક્રમાંકે આવે છે અમર ઉપાધ્યાય. હુસેન કુંવાજેરવાલા તેમ જ ઈકબાલ ખાન પણ 'અનુજ કપાડિયા'ના ચોકઠામાં ફિટ બેસવાના ગુણ ધરાવે છે. હવે 'અનુપમા'ના સર્જકો 'અનુજ કપાડિયા'ને ક્યારે પાછો લાવે છે, લાવે છે કે નહીં, અને જો તેને પરત લાવે છે તો ગૌરવના પેંગડામાં કોણ પગ ઘાલશે એ તો સમય જ કહેશે.
શિવાંગી જોશીના 'હાર્ટબીટ્સ' પણ કમાલના
'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' જેવી લોંગ રનિંગ ધારાવાહિક ઉપરાંત સંખ્યાબંધ ધારાવાહિકોમાં કામ કરીને કીર્તિ-કલદાર રળનાર શિવાંગી જોશીને ત્રીજો પડદો પણ ફળ્યો છે. કુશલ ટંડન સાથે 'બરસાતેં' કર્યા પછી તાજેતરમાં તેની નવી વેબ સીરિઝ 'હાર્ટબીટ્સ' રજૂ થઈ. આ શોમાં તે હર્ષ બેનીવાલ સાથે પણ જામી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મેડિકલ ડ્રામામાં દિલ્હીની ગાયત્રી દેવી હોસ્પિટલ એન્ડ મેડિકલ કૉલેજની પશ્વાદ્ભૂમાં મેડિકલ ઇન્ટર્નસ પોતાની મહત્વકાંક્ષાઓ, મેડિકલ ઈમરજન્સી તેમ જ આધુનિક રિલેશનશીપની જટિલતાઓ વચ્ચે શી રીતે ઝઝૂમી રહ્યાં છે તે બખૂબી રજૂ કરવામાં આવ્યું છે.
ગૌહર ખાન સ્ક્રીન પર માતાની ભૂમિકા ભજવશે
અભિનેત્રી ગૌહર ખાન તેની કારકિર્દી નવી ચિહ્નરૂપ ભૂમિકા ભજવવાની તૈયારી કરી રહી છે, જે થોડી મુશ્કેલ અને મુંઝવણભરી જરૂર છે, પણ ગૌહર ખાન તેને ન્યાય આપી શકશે, એવો વિશ્વાસ છે. આ આગામી પ્રોજેક્ટમાં ગૌહર ખાન ૨૧ વર્ષીય અભિનેત્રી ઇશા માલવિયાની માતાની ભૂમિકા ભજવવાની છે.આ વેબ સીરિઝનો માતા અને પુત્રીના સંબંધોમાં સર્જાતી મુશ્કેલીઓની વાત કરવામાં આવી છે. માતા- પુત્રીના સંબંધોમાં સર્જાતી ગુંચવણોને બયાન કરતી આ વેબ સીરિઝમાં ૪૧ વર્ષીય ગૌહર ખાન માટે આ એક નવો પડકાર છે કારણ કે તે પહેલી વખત પુખ્ત સંતાનની માતા બનવાની જટિલતા રજૂ કરી રહી છે. દુબે અને મહેતા સાથેના આ પ્રોજેક્ટમાં ગૌહર ખાન પદાર્પણ કરી રહી છે. પણ અગાઉ તેણે આ બંને સર્જકોની ટીવી સીરિયલ 'ઉદારિયાં'માં કામ જરૂર કર્યું છે.
હીના ખાનને મળ્યું 'શેરની'નું બિરૂદ
એ વાત સર્વવિદિત છે કે અભિનેત્રી હીના ખાનને થર્ડ સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન જૂન મહિનામાં થયું હતું. અને અદાકારાએ તાત્કાલિક તેનો ઈલાજ શરૂ કરી દેવા સાથે સ્વયં સોશ્યલ મીડિયા પર આ વાત જાહેર કરી હતી. ત્યાર બાદ પણ તે અવારનવાર પોતાના હોસ્પિટલના, કેન્સરગ્રસ્થ અવસ્થાના ફોટા સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતી રહી છે. પરંતુ તાજેતરમાં તે એક હાથમાં યુરિન બેગ અને બીજા હાથમાં ડ્રેન બેગ લઈને હોસ્પિટલના પોશાકમાં, હોસ્પિટલના કોરિડોરમાં ચાલી રહી હતી એ ફોટો જોઈને હીનાના ચાહકો તેની હિમ્મત પર ઓવારી ગયા હતા. અદાકારાએ ફોટો કેપ્શનમાં લખ્યું હતું, 'હું સાજી થવાના માર્ગે એક એક ડગલું આગળ વધી રહી છું. અને તેને માટે હું ઈશ્વરનો પાડ માની રહી છું.' હીનાની આવી હિમ્મત-બહાદુરી જોઈને એક નેટિઝને તેને 'શેરની'નું બિરૂદ આપતાં લખ્યું હતું કે ૨૦૨૫નું વર્ષ તારા માટે શ્રેષ્ઠ હશે. આ નેટિઝન સહિત અદાકારાના સેંકડો ચાહકો તેમ જ ટચૂકડા પડદાના સંખ્યાબંધ કલાકારોએ હીનાની તારીફના પૂલ બાંધ્યા હતાં. સુનીલ ગ્રોવરે લખ્યું હતું કે તું ઝટપટ સાજી થઈ જા. જ્યારે અંકિતા લોખંડેએ લખ્યું હતું કે હું ખરા હૃદયથી તારા માટે દુઆ કરું છું. તેણે તેની સાથે હૃદયની સંખ્યાબંધ ઈમોજી પણ પોસ્ટ કરી હતી. જ્યારે સુનીતા રાજવારે લખ્યું હતું કે આને કહેવાય શક્તિશાળી સ્ત્રી. તેવી જ રીતે આરતી સિંહે કહ્યું હતું કે સિંહણ, તારા માટે હું દુઆ કરું છું. ઈશ્વર તારી સાથે છે અને તારા કદમ સાથે કદમ મિલાવીને ચાલે છે.