Get The App

TV TALK .

Updated: Jan 16th, 2025


Google NewsGoogle News
TV TALK                                                            . 1 - image


દિવ્યાંકા-વિવેક : કોન્ટેન્ટ ક્રીએટર્સ

માનવીને વિતતો જતો સમય કાંઈક શીખવતો જાય છે. ૨૦૨૪ની સાલે પણ બૉલીવૂડ, ટચૂકડા પડદાના કલાકારો સહિત સામાન્ય લોકોને સુધ્ધાં ઘણું શીખવ્યું છે. કલાકાર યુગલ દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાની જ વાત કરીએ તો દિવ્યાંકા કહે છે કે વીતી ગયેલા વર્ષે મને ધીરજ ધરતાં શીખવ્યું. ગયા વર્ષે મારી બબ્બે શસ્ત્રક્રિયાઓ થઈ તેથી હું શારીરિક અને માનસિક રીતે ખાસ્સી વેદનામાંથી પસાર થઈ હતી. પરંતુ મને ધૈર્ય રાખ્યા વિના છૂટકો નહોતો. અને મને ધીરજના મીઠાં ફળ પણ મળ્યાં. હું સર્જરીની પીડામાંથી બહાર આવી અને 'અદ્રશ્યમ્ - ધ ઇન્વિઝિબલ હીરોઝ' તેમ જ 'ધ મેજિક ઑફ શિરી' એમ બે વેબ શો કર્યાં. જ્યારે વિવેકને એ વાતનો હર્ષ છે કે તેની ઓટીટી ફિલ્મ 'ચલ ઝિંદગી' છેવટે રજૂ થઈ. અને તેણે ટ્રાવેલ એન્ડ લાઈફસ્ટાઈલ વ્લોગ પણ હાથ ધર્યું. જોકે હવે આ યુગલ પોતાના કન્ટેન્ટનું સર્જન કરવા માગે છે. તેઓ કહે છે કે અમને બંનેને બિઝનેસની સારી સમજ છે. તેથી અમે અર્થપૂર્ણ વિષયવસ્તુ રજૂ કરવા માગીએ છીએ. તેઓ વધુમાં કહે છે કે અગાઉ ઇન્ડસ્ટ્રીમાં કોઈ વાતની ખાતરી નહોતી. સીરિયલ સર્જકો ચોક્કસ લોકો સાથે જ કામ કરવાનું પસંદ કરતાં. દરેક સર્જક ચોક્કસ વાડાં-વર્તુળમાં રહીને કામ કરે તે આ ઇન્ડસ્ટ્રીમાં નવું નથી. અલબત્ત, આજે પણ આ સિલસિલો જારી છે. પરંતુ અમને એમ લાગે છે કે હવે થોડું જોખમ લઈને પણ આગળ વધવાનો સમય પાકી ગયો છે.

કર્તિકેય માલવિયાની દોઢ વર્ષે વાપસી

અભિનેતા કાર્તિકેય માલવિયાએ પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા અભિનય ક્ષેત્રે થોડા સમય માટેનો બ્રેક લીધો હતો. પરંતુ હવે તે નવું કામ હાથ ધરવા તૈયાર છે. 'કર્મફલદાતા શનિ' અને 'ચંદ્રગુપ્ત મૌર્ય' જેવી પૌરાણિક અને ઐતિહાસિક સીરિયલોમાં કામ કરનાર આ યુવાન અભિનેતા કહે છે કે મેં વર્ષ ૨૦૨૩માં દોઢેક વર્ષ માટે અભિનયમાંથી બ્રેક લીધો હતો. આ સમય દરમિયાન મેં મારો ફિલ્મ સર્જન વિષયક કોર્સ પૂરો કર્યો. મને ખુશી છે કે હવે હું પરત ફર્યો છું.

જોકે અભિનેતાને આ બ્રેક ભારે પડયો છે. હાલના તબક્કે તેની પાસે કોઈ કામ નથી. તે કહે છે કે મને ફરીથી કામ શરૂ કરવું છે. પરંતુ મને ખાસ કોઈ ઓફર આવતી નથી. શક્ય છે કે કોઈને એ વાતની જાણ નહીં હોય કે હું ફરીથી કામ હાથ ધરવા ઉત્સુક છું. કહેવાની જરૂર નથી કે કાર્તિકેય માત્ર ૧૩ વર્ષની વયની કામ કરતો હતો. તે કહે છે કે મને હજી લાંબી મજલ કાપવી છે. હું મારી ટેલેન્ટને અજવાળવાના પ્રયાસો કરતો જ રહું છું. મેં ફિલ્મ સર્જનનો કોર્સ કરી લીધો છે અને ભવિષ્યમાં દિગ્દર્શન પર હાથ અજમાવવા માગું છું. જોકે મેં શોર્ટ ફિલ્મ બનાવી પણ છે. પરંતુ હમણાં મને અભિનય પર જ ધ્યાન કેન્દ્રિત કરવું છે.

વિક્રાંત મેસી : હું ક્યાંય જવાનો નથી

વિક્રાંત મેસી માટે છેલ્લો કેટલોક સમય નસીબવંતો પુરવાર થયો છે. તેની ફિલ્મ 'ટ્વેલ્થ ફેલ' એ અભિનેતાને ફુલ્લી પાસ કરી દીધો. 'સેક્ટર-૩૬' વિક્રાંતે કરેલો અભિનય બેમોઢે વખણાયો. 'ધ સાબરમતી રિપોર્ટ' પણ સફળ થઈ છે. અભિનેતા કહે છે કે 'ટ્વેલ્થ ફેલ' ફિલ્મે મને દર્શકોનો અપ્રતિમ પ્રેમ અપાવ્યો. આ સિનેમા પછી દર્શકોની મારા પ્રત્યેની અપેક્ષાઓ અનેકગણી વધી ગઈ. હું ઇચ્છું છું કે મારા પ્રત્યેક પ્રોજેક્ટમાં મને આવો જ પ્રેમ મળે. પરંતુ 'ધ સાબરમતી રિપોર્ટ'ને પગલે મારા પુષ્કળ ચાહકો મારાથી નારાજ પણ થયાં. તેમના પ્રતિભાવ પરથી હું એટલું સમજી શક્યો કે જે પ્રશંસકો મને ચોક્કસ પાત્રમાં જોઈને શિરે બેસાડે છે એ જ ચાહકો અન્ય કોઈક રોલમાં મને બિલકુલ પસંદ નથી કરતાં. આનો અર્થ એ પણ થાય કે તેઓ સંબંધિત કિરદારને સમજી નથી શક્યા. આ બાબત મને કઠે છે. આમ છતાં હું સારી પટકથા ધરાવતી ફિલ્મો અચૂક કરીશ.' થોડા સમય પહેલા વિક્રાંતે કહ્યું હતું કે તે ફિલ્મોમાંથી બ્રેક લેવાનો છે. ત્યાર પછી તેણે કહ્યું હતું કે તે હમેશાંથી જેવું જીવન જીવવા માગતો હતો એવો સમય તે હમણાં માણી રહ્યો છે. તો પછી આ સમય મનભરીને કેમ ન માણી લેવો? વિક્રાંતે વધુમાં કહ્યું હતું કે છેવટે તો વખત સાથે બધું બદલાવાનું જ છે. આ કારણે જ હું આ વર્ષે એક જ ફિલ્મ કરીશ. મારા પુત્રના જન્મ પછી હું તેની સાથે ઝાઝો સમય નથી ગાળી શક્યો. 

વિક્રાંતે મોટાભાગે હટકે કિરદાર અદા કરવાનો પ્રયાસ કર્યો છે. ચાહે તે 'ડેથ ઈન ધ ગુંજ' હોય કે પછી 'હસીન દિલરૂબા', 'ગેસ લાઈટ' અથવા ઓટીટી શોઝ 'મિર્ઝાપુર' અને 'બ્રોકન બટ બ્યુટિફુલ'. અદાકાર આ બાબતે કહે છે કે હું પ્રયત્નપૂર્વક આવી ફિલ્મો અને ડિજિટલ શોઝ પસંદ કરું છું. મને જે કામ ઑફર થાય તેમાંથી હું આ પ્રકારનું કામ ચૂંટી કાઢું છું. તે વધુમાં કહે છે કે મારી કારકિર્દીના આરંભમાં હું જે કામ ઑફર થાય તે સ્વીકારી લેતો. પરંતુ તેમાંથી કોઈ સીમાચિહ્નરૂપ નહોતું. ટચૂકડા પડદે પણ મને કોઈ યાદગાર કામ નહોતું મળ્યું. પરંતુ હવે હું બહુ સમજીવિચારીને મારું કામ પસંદ કરું છું.

અત્રે ઉલ્લેખનીય છે કે વિક્રાંતે વર્ષ ૨૦૨૨માં અભિનેત્રી શીતલ ઠાકુર સાથે લગ્ન કર્યાં હતાં. હવે તેના ઘરે પુત્ર 'વરદાન' અવતર્યો છે. અદાકાર માને છે કે તેના જીવનનો સૌથી શ્રેષ્ઠ અને મહત્વનો કોઈ રોલ હોય તો તે પિતા તરીકેનો છે. હું ખુશનસીબ છું કે ઈશ્વરે મને પુત્રરત્નથી નવાજ્યો છે. 


Google NewsGoogle News