TV TALK .
મૃણાલ ઠાકુરે નેટિઝનને ઠમઠોર્યો :
'કુમ કુમ ભાગ્ય' જેવી ધારાવાહિકો અને દક્ષિણ ભારતીય, હિન્દી ફિલ્મોમાં કામ કરનાર અભિનેત્રી મૃણાલ ઠાકુરને તાજેતરમાં એક નેટિઝનને ઠમઠોરવાની નોબત આવી હતી. વાસ્તવમાં અભિનેત્રીના એક પ્રશંસકે દિવાળી દરમિયાન પોતાની સાથેનો મૃણાલનો એક એડિટેડ ફોટો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. તેની સાથેનો ફોટો જોઈને ગુસ્સે થયેલી અદાકારાએ તેને પૂછયું હતું, 'ભાઈ ક્યું જૂઠી તસલ્લી દે રહે તો આપ અમને આપ કો? આપ કો લગતા હૈ જો યહ કર રહે હૈ વો કૂલ હૈ? જી નહીં.' મૃણાલે પછીથી પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર એક વીડિયો પોસ્ટ કરીને તેમાં પોતાનો પક્ષ રાખ્યો હતો. તેણે લખ્યું હતું કે ક્યા આપ લોક બચ્ચે કી જાન લોગે? મૈંને તો વો કમેન્ટ ઐસે હી કર દિયા. (અભિનેત્રી અહીં જે કમેન્ટની વાત કરી રહી છે તે હવે ડીલીડ કરી દેવામાં આવી છે). તેણે વધુમાં લખ્યું હતું કે પહેલા મેં સંબંધિત ફોટો જોયો ત્યારે મને ખુશી થઈ. મને લાગ્યું કે અન્ય કોઈ સાથે નહીં તો તેમની સાથે તો દિવાળી ઉજવી રહી છું. પછી મેં તેનું ઈન્સ્ટાગ્રામ પેજ ખોલ્યું ત્યારે મને ખબર પડી કે તેણે સંખ્યાબંધ અદાકારાઓ સાથે પોતાનો વીડિયો એડિટ કર્યો હતો.આ જોઈને મને બહુ દુઃખ થયું હતું. જોકે મૃણાલે તેના અન્ય ચાહકોને વિનંતી કરી હતી કે આ નેટિઝનને નફરતભરી કે વખોડી કાઢતી કમેન્ટ ન કરવી. તેણે તેનું કારણ જણાવતાં કહ્યું હતું કે મને તેનું એડિટિંગનું હુન્નર બહુ ગમ્યું છે. પરંતુ હું ઈચ્છું છું કે તે તેની આ આવડતનો ઉપયોગ સારા કામ માટે કરે. અદાકારાએ ઉમેર્યું હતું કે તેનો ઈરાદો કદાચ ખરાબ ન હોય. મઝાની વાત એ છે કે મૃણાલે એ વીડિયો ફરીથી શેર કરવા સાથે સંબંધિત નેટિઝનને કહ્યું હતું કે હું ઈચ્છું છું કે તને કોઈકવાર મોટી મોટી ફિલ્મોનું એડિટિંગ કરવાની તક મળે.
કૃષ્ણા ભારદ્વાજને ફરીથી મુંડનની ચિંતાઃ
લોકપ્રિય ધારાવાહિક 'તેનાલી રામા' પર વર્ષ ૨૦૨૦માં પડદો પાડી દેવામાં આવ્યો. પરંતુ હવે 'તેનાલી રામા'ની બીજી સીઝન શરૂ થવાની છે અને કૃષ્ણા ભારદ્વાજ તેમાં ફરીથી મુખ્ય ભૂમિકા ભજવવાનો છે. અભિનેતાએ કહ્યું હતું કે અમે નવી સ્ટોરી લઈને પરત ફરી રહ્યાં છીએ. અલબત્ત, તેનાલી રામા અગાઉ જેવો જ તેજસ્વી હશે. પરંતુ આ વખતે તે થોડો લાગણીશીલ હશે. કૃષ્ણા ભારદ્વાજ માટે આ પાત્ર ભજવવું રસપ્રદ છે. આમ છતાં તેની સામે કેટલાંક પડકારો પણ છે. અભિનેતા કહે છે કે વર્ષ ૨૦૨૦માં આ શો પૂરો થયો ત્યારે હું મારી તેનાલી રામાની ઈમેજમાંથી બહાર આવવા માગતો હતો. પરંતુ મારા માટે એ સહેલું નહોતું. હું લાગલગાટ ચાર વર્ષ સુધી મારા માથે મુંડન કરાવેલું હતું. ચાર વર્ષે શો સમાપ્ત થયા પછી મેં મારા વાળ વધારવા માંડયા. મેં વિચાર્યું હતું કે હવે હું જુદાં જુદાં પ્રકારના પાત્રો ભજવીશ. પરંતુ મારી આ શોની ઈમેજ ભૂંસાવાનું નામ જ નહોતી લેતી. મેં મારા વાળ વધાર્યા પછી તેની જાળવણી માટે પણ પુષ્કળ ખર્ચ કર્યો છે અને હવે મને ફરી એક વખત મુંડન કરાવવાની નોબત આવી છે. અલબત્ત, મને તેનો કોઈ અફસોસ નથી. આ કિરદાર મારો જ એક ભાગ બની ગયું છે.
શ્રિયા પિલગાંવકરઃ ટ્રેન્ડ્સ તો આવે ને જાય, પણ નિર્માતા પ્રતિભાવે અચૂક જુએ છે
અભિનય કળાની કામગીરી માટે સોશિયલ મીડિયાનો વધતો પ્રભાવ એક ગરમાગરમ ચર્ચાનો વિષય બની ગયો છે અને તે અંગે ઘણાં કલાકારોએ પોતાના મંતવ્યો જણાવ્યા છે જેમાં અભિષેક બેનરજી, આહના એસ. કુમરાનો પણ સમાવેશ થાય છે. તેમણે આ બાબતે પોતાનો સ્પષ્ટ અભિગમ આપ્યો છે. બેશક, આ બંને કલાકારનો અભિપ્રાય તેનાથી વિરુધ્ધ હોઈ શકે, તો તેમાં કશું ખોટું નથી. આમ છતાં અભિનેત્રી શ્રિયા પિલગાંવકર કે જે ક્રિએટર- એકટર ભુવન બામ સાથે 'તાજા ખબર- ૨'માં નજરે પડી હતી, તેણે પણ આ બાબત અંગે પોતાનોે અભિપ્રાય આપ્યો છે.
શ્રિયાએ ઈન્સ્ટાગ્રામ પરના અનુયાયીઓની સંખ્યાને બેગિંગ પ્રોજેક્ટસ માટે જરૂરી બનવા વિશે વાત કરતાં કહે છે, 'ઘણાં લોકો માટે આ કેસ હોઈ શકે, પરંતુ મને નથી લાગતું કે આ પ્રકારનું જે લોકો સાથે હું કામ કરવા માગું છું તેઓ ખરેખર ફોલોઅર્સ (અનુયાયીઓ) તરફ ધ્યાન ખેંચે છે.'
'દિવસના અંતે, જો તમે કોઈને તેમના ફોલોઅર્સના આધારે કાસ્ટ કરી રહ્યા હો, તો તે નિર્માતા માટે પણ જોખમી છે', જ્યારે આ બાબત તેને (શ્રિયાને) પરેશાન કરતી નથી.
આ સાથે શ્રિયા કહે છે, 'હું માનું છું કે સારા ફિલ્મ નિર્માતાઓને તમે ટેબલ પર લાવો છો તે પ્રતિભાને અચૂક જુએ છે, પરંતુ તમારે તેનાથી આગળ જોવું પડશે.' આ સાથે જ અભિનેત્રી ઉમેરે છે, 'ત્યાં કોઈ સાચું કે ખોટું નથી કારણ કે તે એક સર્જનાત્મક ક્ષેત્ર છે. આખરે, જો તમે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા ઈચ્છો છો તો તમારે એ સુનિશ્ચિત કરવું પડશે કે તમારી પ્રતિભા અન્ય કોઈપણ બાબત કરતા વધુ મોટેથી બોલે છે.' એમ શ્રિયાએ જણાવ્યું હતું.