Get The App

TV TALK .

Updated: Feb 13th, 2025


Google News
Google News
TV TALK                                                            . 1 - image


વિવેક દહિયા સ્પાર્ટન રેસમાં પાંત્રીસમાં ક્રમાંકે 

એક કલાકાર તરીકે વિવેક દહિયાને પોતાની સગળી મર્યાદા  અને નબળાઈઓ કોરાણે મૂકીને કામ કરવું  પડે છે. અને તેણે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને કામ કરી બતાવ્યું  છે પરંતુ   તાજેતરમાં તેણે વૈવિશ્વક મંચ પર ઘણી અડચણો-આડશો પાર કરી બતાવી છે. કહેવાનો અર્થ એ છે કે વિવેકે તાજેતરમાં દુબઈ ખાતે યોજાયેલી સ્પાર્ટન રેસમાં ભાગ લીધો હતો જેમાં જે તે એથ્લેટે સંખ્યાબંધ ઑબ્સ્ટેકલ, એટલે કે માર્ગમાં મૂકવામાં આવેલી અડચણો  આડશો પાર કરીને  દોડતાં  રહેવાનું હોય છે. આ રેસમાં કુલ ૬૦૨ સ્પર્ધક હતાં. અને વિવેક તેમાં પાંત્રીસમા ક્રમાંકે આવ્યો હતો. આમ  અભિનેતાને ટોચના ૧૦ ટકામાં સ્થાન મળ્યું  હતું. વિવેક કહે છે કે  આ સ્પર્ધા માટે તમને જે વિશેષ પ્રકારના વ્યાયામ કરવાની જરૂર પડે છે તેને પગલે તમે તમારા જિમની નિયમિત અને મર્યાદિત કસરતોમાંથી આપોઆપ બહાર આવી શકો છો.

માહિરા-મોહમ્મદ સિરાજ પ્રેમીઓ નથી

'બિગ બૉસ-૧૩'માં ભાગ લઈને ઘર ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી માહિરા શર્માનું નામ ભારતીય ક્રિકેટર મોહમ્મદ સિરાજ સાથે સંકળાતા તેની મમ્મીના ભવાં તણાઈ ગયા છે. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તેની પુત્રી અને મોહમ્મદ સિરાજ વચ્ચે કોઈ સંબંધ નથી. તેની દીકરી સેલિબ્રિટી છે તેથી શું તેનું નામ કોઈની સાથે પણ જોડી કાઢવામાં આવશે? અને કોઈ કાંઈપણ કહે તો અમે તેમની વાત માની લઈશું? વાત જાણે એમ હતી કે ક્રિકેટરે માહિરાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ લાઈક કરવા માંડી હતી. અને તેમની નિકટના સૂત્રોએ એમ પણ કહ્યું હતું કે હમણાં બંને એકમેકને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યાં છે. અહીં એ વાતની નોંધ લેવી રહી કે અગાઉ સિરાજનું નામ આશા ભોંસલેની પૌત્રી અને અભિનેત્રી-ગાયિકા ઝનાઈ ભોંસલે સાથે જોડાયું હતું. પરંતુ ઝનાઈએ એક સ્ટોરી પોસ્ટ કરીને સ્પષ્ટ કર્યું હતું કે તે સિરાજને ભાઈ માને છે.

રાજેશ કુમારે ટીવી છોડયું

ટંચૂકડા પડદે આવેલી રમૂજી ધારાવાહિક 'સારાભાઈ વર્સેસ સારાભાઈ'માં 'રોસેશ'ની ભૂમિકા ભજવીને ગજબની લોકપ્રિયતાં હાંસલ કરનાર અભિનેતા રાજેશ કુમારે હાલના તબક્કે ટીવી છોડયું હોવાનું જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે ટીવી પર સતત લાંબા સમય સુધી કામ કરતાં રહેવું પડે છે. એટલું જ નહીં, લીડ રોલ કરવાનો મારો સમય વિતી ગયો છે. હવે મને માત્ર 'ચાચા' અને 'મામા'ના રોલ જ મળી શકે તેમ છે. આજની તારીખમાં સઘળાં  શો ફક્ત યુવાન યુગલો પર જ ફોકસ  કરે  છે. અભિનેતાએ વધુમાં કહ્યું હતું કે આ માધ્યમ માટે મને આજે પણ એટલું જ માન છે. અહીં તમે  જે  શીખી  શકો તે  અન્યત્ર ન શીખી શકો. પરંતુ મેં નોંધ્યું હતું કે ઓટીટી માટે ઑડિશન આપતી વખતે કાસ્ટિંગ ડાયરેક્ટરો મને 'રોસેશ' તરીકે જ જોતાં અને કામ આપતાં આનાકાની કરતાં.  પરંતુ કોરોના વખતે 'સારાભાઈ...'નું રીરન થયું ત્યાર પછી, એટલે કે આ શો રજૂ થયો તેના ત્રણ વર્ષ પછી 'રોસેશ' વધુ લોકપ્રિય બન્યો. અને આ છબિમાંથી બહાર  આવવા મેં 'હડ્ડી'ના દિગ્દર્શકની સહાયથી સંપૂર્ણ મુંડન કરેલો રોલ અદા કર્યો. મારા માટે આ પગલું ગેમ ચેન્જર બની રહ્યું. મારી 'રોસેશ'ની છબિ ઝંખવાઈ અને મને 'તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા',  'રૌતુ કા રાઝ'  અને 'યે મેરી ફેમિલી' જેવા શોઝ  મળ્યાં.

મહાકુંભની ધક્કામુક્કીથી બચી સ્મિતા સિંહા

છેલ્લે 'મૈં હું અપરાજિતા'માં જોવા મળેલી અભિનેત્રી સ્મિતા સિંહ મહાકુંભ ખાતે કલ્પવાસમાં હતી ત્યારે ૨૯મી જાન્યુઆરીએ, એટલે કે મૌની અમાસના દિવસે અહીં થયેલી ધક્કામુક્કીથી માંડ બચી હતી.  ૨૯મી તારીખે પણ મહાકુંભ ખાતે આવેલા મારા મિત્રોને મળવા, તેમની સાથે સ્નાન કરવા જવાની તૈયારી કરી રહી હતી. વાસ્તવમાં હું મારા કેમ્પમાંથી બહાર નીકળી અને મુખ્ય સ્નાન વિસ્તાર તરફ ચાલવા લાગી. પરંતુ મારી આસપાસ લાખો આસ્થાળુઓને જોઈને હું ગભરાઈ ગઈ હતી. અને તરત જ મારા કેમ્પમાં પરત ફરી ગઈ. મારો ઈરાદો ભીડ ઓછી થાય ત્યાર પછી સ્નાન કરવા જવાનો હતો. પરંતુ થોડાં કલાકમાં જ મને ધક્કામુક્કી થયાના સમાચાર મળ્યાં. આ ખબરે મને હચમચાવી મૂકી હતી. જો હું પણ કેમ્પમાં પરત ન ફરી હોત તો આ દુર્ઘટનાના સપાટામાં આવી ગઈ હોત. પરંતુ મા કાળીની કૃપા અને ગુરૂના આશિર્વાદથી  હું  હેમખેમ છું. અભિનેત્રીએ વધુમાં કહ્યું  હતું કે  મારો કલ્પવાસનો અનુભવ અદ્ભૂત રહ્યો. હું  ઈશ્વર પાસેથી આનાથી વધુ શું માગું? મેં  મારા  મહાકુંભના  રહેણાંક દરમિયાન દરરોજ ગંગાસ્નાન  કર્યું હતું. અહીં સંખ્યાબંધ લોકો સાથે મારી મિત્રતા  થઈ. મારા ગુરૂ સાથે હું મહાકુંભ ખાતે રહી ત્યારે  પ્રકૃતિની પણ કેટલી નિકટ હતી. સ્મિતાએ  ઉમેર્યું  હતું કે  મૌની અમાવસ્યાના પછીથી મેં આસ્થાની  ડૂબકી લગાવી હતી. 

Tags :
TV-TALKChitralok-Magazine

Google News
Google News