TV TALK .

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
TV TALK                                                            . 1 - image


પ્રિન્સ નરૂલા-યુવિકા માતાપિતા બનશે

તાજેતરમાં સોશ્યલ મીડિયા પર પ્રિન્સ નરૂલા અને યુવિકા ચૌધરીએ 'ગુડ ન્યુઝ' શેર કર્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે તેઓ મમ્મી-પપ્પા બનવાના છે, તેમનો પરિવાર વિસ્તરી રહ્યો છે. યુવિકાએ પછીથી કહ્યું હતું કે હું અને પ્રિન્સ 'બિગ બૉસ'ના ઘરમાં પ્રેમમાં પડયા ત્યારે વિચાર્યું પણ નહોતું કે અમારા પ્રેમનો રંગ આટલો પાકો હશે. અને હવે અમારા ઘરમાં પારણું બંધાવાનું છે. જોકે અમે માતાપિતા બનવા આયોજન નહોતું કર્યું. પરંતુ અમે અમારા પ્રથમ બાળકને આવકારવા ઉત્સુક છીએ. હું માનું છું કે વિવાહ અને માબાપ બનવું ભાગ્યને અધીન છે. અમને જ્યારે મારી ગર્ભાવસ્થાની જાણ થઈ ત્યારે અમે ગદગદિત થઈ ગયા હતાં, અમારી આંખો ખુશીના આંસુથી છલકાઈ ઉઠી હતી. આ અમારા જીવનનો સૌથી સુંદર તબક્કો છે. હું મારી ગર્ભાવસ્થા મનભરીને માણી રહી છું. વળી અમે અમારા નવા ઘરમાં પણ રહેવા જવાના છીએ. અમારા નવા અપાર્ટમેન્ટમાં, અમારા નવજાત શિશુ સાથે, અમારા જીવનનો નવો અધ્યાય શરૂ થશે.

જસ્મીન-ગોનીને પરણવાની ઉતાવળ નથી

ટચૂકડા પડદાના દર્શકો જસ્મીન ભસીનના નામથી અજાણ ન જ હોય. રાજસ્થાનના કોટાથી આવેલી આ કુડી જમ્મુ-કાશ્મીરથી આવેલા અલી ગોનીના પ્રેમમાં પડી છે. વર્ષ ૨૦૧૮માં બંને એકબીજાના સંપર્કમાં આવ્યા અને તેમની વચ્ચે દોસ્તી થઈ. આ અચ્છા મિત્રોએ વર્ષ ૨૦૨૦માં વિવાદાસ્પદ રીઆલિટી શો 'બિગ બૉસ'માં ભાગ લીધો. આ સમય દરમિયાન તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી. આમ ચાર વર્ષથી બંને ડેટ કરી રહ્યાં છે. પરંતુ તેમને પરણવાની ઉતાવળ નથી. આ સમય દરમિયાન તેમણે 'તું ભી સતાયા જાએગા', 'અલ્લાહ દે બંદે', 'સાવન આ ગયા' જેવા મ્યુઝિક વિડિયો કરી ચૂક્યા છે. આ કલાકારોને જ્યારે પણ પૂછવામાં આવે કે તમારો પ્રેમ પરિણયમાં ક્યારે પરિણમશે ત્યારે તેમનો એક જ જવાબ હોય છે કે જ્યા અમને એમ લાગશે કે હવે અમને લગ્નના બંધનમાં બંધાઈ જવું જોઈએ ત્યારે અને વિવાહ કરી લઈશું. 

લાલ બનારસીના કલાકારોએ સર્જકોને નોટિસ પાઠવી

એક વર્ષ સુધી ચાલ્યા પછી આ વર્ષના મે મહિનામાં વિરામ પામેલી ધારાવાહિક 'લાલ બનારસી'ના કલાકારો સવિ ઠાકુર, ગૌરી ચિત્રાંશી અને કુલદીપ સિંહે શોના સર્જકો સંતોષ કુમાર અને રોશેલ સિંહને કાનૂની નોટિસ મોકલી છે. સવિએ કહ્યું હતું કે આ સીરિયલના સર્જકોએ મને જાન્યુઆરી મહિના સુધીનું પેમેન્ટ કરી દીધું છે. આમ છતાં મને તેમની પાસે ૭,૯૫,૦૦૦ રૂપિયા લેવાના નીકળે છે. મુખ્ય નાયિકા ગૌરીએ પણ ફરિયાદના સૂરમાં કહ્યું હતું કે મને પણ તેમની પાસેથી ચાર લાખ રૂપિયા લેવાના નીકળે છે. તેઓ મને નવી નવી તારીખો આપ્યાં કરતા હતા. અને હવે મારા ફોન કે મેસેજના જવાબ પણ નથી આપતાં. જ્યારે કુલદીપ સિંહની લેણી રકમ છે ૪,૭૦,૦૦૦ રૂપિયા. અભિનેતાએ કહ્યું હતું કે ટીવી ઈન્ડસ્ટ્રીમાં સામાન્ય રીતે શો શરૂ થયાના ૯૦ દિવસ બાદ કલાકારોને મહેનતાણું આપવામાં આવે છે. પણ હવે આ મુદત ૧૨૦ દિવસની કરી નાખવામાં આવી છે. આમ છતાં ફી આપવામાં તેના કરતાં પણ વધુ મોડું કરવામાં આવે તે અકળાવનારી બાબત છે. હવે જ્યારે મહેનતના પૈસા નથી મળી રહ્યાં ત્યારે અમે કાનૂનનો સહારો લીધો છે.

અંકિતા લોખંડે : હું માત્ર બટાટાનું શાક અને રોટલી જ બનાવી શકું છું

અંકિતા લોખંડેએ જણાવ્યું છે કે તેને રસોઈ બનાવતા નથી આવડતી. જો તેને જીવતા રહેવા માટે કંઈક રાંધવું પડે તો તે બટાટાનું શાક અને રોટલી બનાવી શકે છે. આ અભિનેત્રી 'લાફ્ટર શેપ્સ અનલિમિટેડ-એન્ટરટેઈન્મેન્ટ'માં નજરે પડશે. રસોઈ સાથે જોડાયેલી મારી કોઈ સ્મૃતિ નથી, પણ મેં એકવાર નવા ઘરમાં દૂધ ગરમ કર્યું હતું. આ સિવાય મેં કદીય જમવાનું બનાવવાના પ્રયાસ નથી કર્યા.' જો તેણે કોઈ રેસ્ટોરાંના મેનુમાં એક ડિશ રૂપે કંઈક બનાવવા કહે તો તમે શું બનાવો? આવો પ્રશ્ન પૂછાયો ત્યારે તેણે જવાબ આપ્યું, 'બટાટાની કુરકુરી... કેમ કે બટાટા ક્યાંય પણ ફિટ થઈ જાય છે. મને એવું લાગે છે કે હું પણ તેના જેવી જ છું. તમે મને જ્યાં પણ રાખો તો હું ત્યાં આરામથી રહી શકું છું.'


Google NewsGoogle News