Get The App

TV TALK .

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News
TV TALK                                                            . 1 - image


રોહન મેહરા દિગ્દર્શન પર હાથ અજમાવશે

'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' અને 'સસુરાલ સિમર કા' જેવા શોમાં જોવા મળેલો સોહામણો અભિનેતા રોહન મેહરા હવે દિગ્દર્શન પર હાથ અજમાવવાની તૈયારી કરી રહ્યો છે. અભિનેતાએ કહ્યું હતું કે તાજેતરમાં મેં જ્યોર્જિયા ખાતે એક મ્યુઝિક વીડિયોનું દિગ્દર્શન કર્યું હતું. મેં તેમાં કામ પણ કર્યું હતું. હું ઘણાં સમયથી દિગ્દર્શન ક્ષેત્રે હાથ અજમાવવા માગતો હતો તેથી મને લાગ્યું કે મ્યુઝિક વીડિયોનું દિગ્દર્શન મારા માટે સારું રહેશે. મેં અત્યાર સુધી ઘણાં મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે તેથી મને તેનાથી જ આરંભ કરવાનું ઊચિત લાગ્યું.  મને શોબિઝમાં આવ્યે ૧૫ વર્ષ થઈ ગયા. અભિનય હમેશાં મારી પ્રાથમિકતા રહેશે. વાસ્તવમાં હમણાં હું મારા કેટલાંક ઓટીટી પ્રોજેક્ટ્સ અને એક ફિલ્મની રજૂઆતની રાહ જોઈ રહ્યો છું. આ સમય દરમિયાન મેં દિગ્દર્શન કરવાનું નક્કી કર્યું છે.

મિથિલ જૈન : ટીવી શોઝની ફોર્મ્યુલા બદલો

ટચૂકડા પડદાના સંખ્યાબંધ શો ગણતરીના મહિનાઓમાં વિરામ પામી રહ્યાં છે તે જોતાં અભિનેતા મિથિલ જૈનને લાગે છે કે ટીવી શોઝની ફોર્મ્યુલા બદલવાનો સમય પાકી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અભિનેતાની ધારાવાહિક 'આંખમિચોલી' પર માત્ર ત્રણ મહિનામાં જ પડદો પાડી દેવામાં આવ્યો છે. અભિનેતા કહે છે કે તેની સ્ટોરી ઘણી સારી હતી. પરંતુ તેના પાત્રો વિકસિત થાય, દર્શકો તેમની સાથે તાદાત્મ્ય સાધે તેનાથી પહેલા જ તેના ઉપર પડદો પાડી દેવામાં આવ્યો. હકીકતમાં શોને ધાર્યું રેટિંગ નહોતુ મળી રહ્યું તેથી મારો ટ્રેક અચાનક જ અટકાવી દઈને સીરિયલની સ્ટોરી બદલી કાઢવામાં આવી. મિથિલે વધુમાં કહ્યું હતું કે ટીવી શોઝ આંગળીના વેઢે ગણી શકાય એટલા મહિનાઓમાં બંધ કરી દેવામાં આવે છે તેમાં કાંઈ નવું નથી રહ્યું. બહેતર છે કે સીરિયલ સર્જકોએ પરિસ્થિતિ સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ. દર્શકોને સારી કહાણીઓ આપવાની આવશ્યકતા છે. 

નેહા જોશી-આયુધ ભાનુશાલી : સવાયાં માતા-પુત્ર

નેહા જોશી અને આયુધ ભાનુશાલીને સતત ત્રીજી વખત માતા-પુત્રના પાત્રો ભજવવા મળતાં તેમની ખુશીનો પાર નથી. 'ડૉ. બીઆર આંબેડકર' અને 'દૂસરી મા' પછી નેહા-આયુધને વધુ એક વખત 'અટલ'માં મા-દીકરો બનવાની તક મળતાં બંને સવાયા આઈ-બાળ બન્યા હોવાનું પ્રતીત થાય છે. આયુધ કહે છે કે મેં મારી અભિનય કારકિર્દીનો આરંભ 'આઈ' (નેહા જોશી) સાથે કર્યો હતો. બહુ ઓછા લોકો જાણે છે કે હું તેમને ઑફ-સ્ક્રીન આઈ, એટલે કે મમ્મી કહીને સંબોધું છું. તે મારા માટે મારી માતા સમાન છે. તે મારી બહુ કાળજી કરે છે અને પ્રત્યેક બાબતમાં સહકાર આપે છે. છેલ્લા બંને શોમાં પણ અમે ભેગાં મળીને ખૂબ મોજ માણેલી. અને હવે 'અટલ' દરમિયાન મને નવી સ્મૃતિઓ એકઠી કરવી છે. નેહાએ પણ આયુધ વિશે કહ્યું હતું કે તેણે માત્ર સાત વર્ષની ઉંમરે 'બાબા સાહેબ'નો રોલ બખૂબી ભજવ્યો હતો. આટલી નાની ઉંમરમાં આટલી મહત્વની ભૂમિકા ભજવવી ખાવાના ખેલ નથી હોતાં. જોકે આયુધ અભિનય કરવા જ સર્જાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે તેમનો પહેલો શો પૂરો થયો ત્યાર પછી પણ નેહા-આયુધ પરસ્પર સંપર્કમાં હતાં. તેઓ એકબીજાને ફોન કરતાં. નેહા કહે છે કે અમે જ્યારે નવા શો માટે ફરીથી મળ્યાં ત્યારે આયુધ જાણે કે પરિપકવ બની ગયો હોય એવો લાગતો હતો. મેં તેની મમ્મીને કહ્યું હતું કે ભગવાનનો પાડ છે કે આયુધ હજી પણ પહેલા જેવો જ છે. નેહાએ વધુમાં કહ્યું હતું કે સ્ક્રીન પર અમારી વચ્ચે જે બોન્ડિંગ દેખાય છે તે અમારા વાસ્તવિક જીવનના માતા-પુત્ર જેવા સંબંધોનું પ્રતિબિંબ છે.

ઈશિતા દત્તાનું 'મૉમ ગિલ્ટ'

ધારાવાહિક 'એક ઘર બનાઉંગા' દ્વારા લોકપ્રિયતાના શિખરો સર કરનાર અભિનેત્રી ઈશિતા દત્તાએ કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ગયા વર્ષના જૂન મહિનામાં તેની કૂખે પુત્ર 'વાયુ'નો જન્મ થયો. બે વર્ષ સુધી ઝાકઝમાળની દુનિયાથી દૂર રહેલી ઈશિતા હવે ફરી કામે વળગી છે. પરંતુ પુત્રને ઘરે મૂકીને શૂટિંગમાં જતાં તેનો જીવ કપાઈ જાય છે. અભિનેત્રી કહે છે કે મારા ઘરે પારણું બંધાયું ત્યાર પછી મેં છ મહિનામાં જ કામે ચઢવાનો વિચાર કરેલો. પરંતુ જ્યારે જ્યારે મને સારી ઑફર આવતી ત્યારે ત્યારે મારો જીવ 'વાયુ'માં ભરાઈ જતો અને હું મારું કામ ફરીથી શરૂ કરવાનું ટાળતી. છેવટે મારા સાસુ-સસરા, માતા-પિતાએ મને કહ્યું કે અમે લોકો વાયુની સારસંભાળ લઈશું, તું નચિંત થઈને તારું કામ ફરીથી શરૂ કર. તેમની વાત માનીને મેં એક ફિલ્મ હાથ ધરી છે. આમ છતાં હું ઘરેથી નીકળું ત્યારે ગુનાઇત લાગણી અનુભવું છું.  પરંતુ તેને ઘરે મૂકીને સેટ પર જવાનો ગિલ્ટ દૂર કરવા હું તેને શૂટિંગના સ્થળે લઈ જવાનો વિચાર કરી રહી છું.  


Google NewsGoogle News