Get The App

TV TALK .

Updated: Jan 9th, 2025


Google NewsGoogle News
TV TALK                                                            . 1 - image


પારસ કલનાવત : ગુડ બાય

લોકપ્રિય ટીવી સીરિયલ 'કુંડલી ભાગ્ય'  હવે બંધ થવાથી ઘણાને આંચકો લાગ્યો છે. અભિનેતા પારસ કલનાવત કહે છે કે આ શોનો છેલ્લો એપિસોડ છઠ્ઠી ડિસેમ્બરે પ્રસારિત થયો હતો. આ અભિનેતાએ કહ્યું કે શો પૂરો કરવાના સમાચાર સાવ અનઅપેક્ષિત હતા. 'આ તો એક એવો નિર્ણય છે જે આકસ્મિક છે અને પ્રોડક્શન હાઉસ તથા ચેનલ દ્વારા લેવામાં આવ્યો છે. આ નિર્ણય ખરેખર અમારા બધા માટે આઘાતજનક હતો. અરે, અમે સેટ પર તો એક પરિવારની જેમ રહેતા હતા અને કામ કરતા હતા. આટલું જ નહીં, હવે અમારા આ બધા સાથીદારોને ફરી નહીં જોવા એ વિચારીને ખૂબ ઇમોશનલ થઈ ગયા હતા. મેં સોશિયલ મીડિયા પર આ વિશે પોસ્ટ મૂકી હતી. તે પછી મને જે સંદેશા મળી રહ્યા છે તે બતાવે છે કે કેવી રીતે આ ઘટના તો પ્રેક્ષકો માટે પણ નિરાશાજનક બની રહી છે.'

મિકા સિંહ ઉજ્જવલ પર મહેરબાન

રીઆલિટી શો 'સા રે ગા મા પા' વર્ષોથી દેશના ખૂણે ખૂણે રહેલી તદ્દન અજાણી પ્રતિભાઓને ખોળી કાઢીને મંચ પર લાવવાનું મહત્વનું કામ કરે છે. આ શોમાં અવારનવાર જાણીતી હસ્તીઓને મહેમાન તરીકે નિમંત્રવામાં આવે છે. અને આ મહેમાનોમાંથી કોઈને ચોક્કસ સ્પર્ધકમાં રહેલી પ્રતિભા કળાઈ ગઈ તો તેઓ તેને મોટી તક આપતાં ખચકાતાં નથી. આવું જ કાંઈક તાજેતરમાં જ આ શોમાં જોવા મળ્યું હતું. મિકા સિંહ આ રીઆલિટી શોના એક સ્પર્ધક ઉજ્જવલ ગજભારની ગાયકીથી એટલો બધો પ્રભાવિત થયો હતો કે તેણે આ સ્પર્ધકને લાગલું જ કહી દીધું હતું કે હવે તે જ્યારે વર્લ્ડ ટુર પર જશે ત્યારે ઉજ્જવલને પોતાની સાથે લઈ જશે. મિકા સિંહની આવી જાહેરાતથી ઉજ્જવલ ગદગદિત થઈ ગયો હતો.  

રાજન શાહીએ ચુપ્પી તોડી

ધારાવાહિકોની દુનિયામાં પ્રારંભિક તબક્કાથી લોકપ્રિય રહેલા શો 'અનુપમા'માં છેલ્લા કેટલાંક મહિનાઓમાં સંખ્યાબંધ કલાકારોની વિદાય થઈ ચૂકી છે. શોમાં મહત્વની ભૂમિકા ભજવી રહેલા સુધાંશુ પાંડે, ગૌરવ ખન્નાએ ધારાવાહિકમાંથી અલવિદા લીધી. પરંતુ થોડા સમય પહેલા 'રાહી'ની ભૂમિકા અદા કરી રહેલી અલીશા પરવીનને રાતોરાત શોમાંથી તગેડી મૂકવામાં આવી અને તેના સ્થાને અદ્રિજા રૉયને ગોઠવી દેવામાં આવી. તેવી જ રીતે વર્ષોથી ચાલી રહેલી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'માંથી પણ થોડા સમય પહેલા પ્રતિક્ષા હોનમુખે તેમ જ શહજાદા ધામીને પણ અચાનક જ રવાના કરી દેવામાં આવ્યાં હતાં. આ બધા કલાકારોએ તેમને દરવાજો દેખાડવામાં આવ્યો ત્યારે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે અમને પણ ખબર નથી કે અમને આ રીતે શોમાંથી બહાર શા માટે કાઢી નાખવામાં આવ્યાં. પરંતુ તાજેતરમાં આ બંને શોના સર્જક રાજન શાહીએ ચુપ્પી તોડતાં કહ્યું હતું કે હું અગત્યની ભૂમિકાઓ ભજવતાં કલાકારોને શોમાંથી કાઢી નાખું છું ત્યારે મને પણ નુકસાન થતું હોય છે. તેમને કેળવવા પાછળ મારો સમય અને નાણાં ખર્ચાયા હોય છે. 

મૌની રોય : મેરા દિલ માગે મોર

૩૯ વરસની મૌની રોય ફિગરની બાબતમાં ટીનેજર સુહાના ખાન સાથે સ્પર્ધામાં ઉતરી શકે છે. ટીવી સીરિયલોથી પોતાની એક્ટિંગ કરિયર શરૂ કરનાર બંગાળી બ્યુટિએ હમણાં હિન્દી સિનેમામાં છ વરસ પૂરા કર્યા. એ નિમિત્તે એક ઈવેન્ટમાં મીડિયા સાથે વાતચીત કરતા મૌની કહે છે, 'આ ઇન્ડસ્ટ્રીમાં તમારું ધાર્યું મોટાભાગે થતું નથી. બોલીવૂડ અનપ્રિડિકટેબલ છે એવું હું અવારનવાર કહેતી હોઉં છું એટલે જ અહીં ફોક્સડ રહેવું અને સેલ્ફ કોન્ફિડન્સ જાળવી રાખવો બહુ અગત્યનો બની જાય છે. બોલિવુડ પાસેથી મેં એક મોટો પદાર્થ-પાઠ લીધો છે કે ધીરજ રાખો અને તમારી ટેલેન્ટનું જતન કરો. તમે જે કંઈ શીખ્યા છો એ સાચવી રાખો. બાકી તો તમે સૌ જાણો છો કે મારી જર્ની આસાન નથી રહી. જો કે એટલું ખરું કે ફિલ્મોમાં આવ્યા પછી હું એક આર્ટિસ્ટ તરીકે વિકસી છું, મારી કળામાં નિખાર આવ્યો છે. અહીં સુધી પહોંચવા મેં હાર્ડ વર્ક કર્યું છે, મારા કામ પ્રત્યે પૂરું ડેડિકેશન (નિષ્ઠ) રાખી છે અને એની સાથોસાથ રોજેરોજ નવું શીખતી રહું છું. ' 


Google NewsGoogle News