TV TALK .
રોનિત રોય પાસે ટીવી માટે ટાઈમ નથી
ટીવીનો અમિતાભ બચ્ચન ગણાતો અભિનેતા રોનિત રોય હમણાં ઘણાં સમયથી ટચૂકડા પડદે દેખાયો જ નથી. તાજેતરમાં તેણે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે તેને સાજા થવાની જરૂર છે. દરેક જણે સમયાંતરે સાજા થતાં રહેવું પડે. ખાસ કરીને કલાકારો ભાવનાત્મક રીતે નીચોવાઈ જતાં હોય છે. સ્વાભાવિક રીતે જ તેમને તેમાંથી બહાર આવવાની, સાજા થવાની જરૂર હોય છે. ઘણાં સમયથી કોઈ ટીવી શો હાથ ન ધરવા બાબતે રોનિત કહે છે કે હું અન્ય માધ્યમોમાં વ્યસ્ત હોવાથી ટીવી શો માટે સમય શી રીતે કાઢવો એ પ્રશ્ન થઈ પડયો છે. અને લાંબો સમય ચાલતી ધારાવાહિકમાં કામ કરવાનું હાલના તબક્કે તો લગભગ અસંભવ છે. હા, મર્યાદિત સમયમાં પૂરો થાય એવો અને 'અદાલત' જેવો કોઈ શો હોય તો તેમાં કામ કરવા વિશે હું ચોક્કસ વિચાર કરી શકું. ટીવી પર હવે માત્ર મર્યાદિત સમયમાં પૂરાં થનારા શો જ આવવા જોઈએ.
મનમોહન તિવારીને ઓળખ મળી
અભિનેતા મનમોહન તિવારીએ વર્ષ ૨૦૦૯માં 'રાખી કા સ્વયંવર'થી ટીવી પર ડગ માંડયા. આ રીઆલિટી શોએ મનમોહનને એક ઓળખ આપી. પણ આજે તેને એ વાતની ખુશી છે કે છેવટે તે આ શોની ઇમેજમાંથી બહાર આવી ગયો છે. અભિનેતા કહે છે કે મેં રાખી સાવંત સાથે લગ્ન કરવા આ શોમાં ભાગ નહોતો લીધો. વળી આ શોનું કોઈ પરિણામ નથી આવવાનું તે પણ બધા જાણતા હતાં. આમ છતાં મને એમ કહેવામાં જરાય સંકોચ નથી થતો કે સંબંધિત શોએ જ દર્શકો સાથે મારી ઓળખ કરાવી હતી. હા, એક વખત રીઆલિટી શો પૂરો થઈ જાય ત્યાર પછી તમે પડદા પર ન દેખાઓ તો લોકો તમને વિસરી જાય. જોકે મનમોહન આ બાબતે નસીબવંતો પુરવાર થયો. મનમોહન કહે છે કે સીરિયલ સર્જકો મને વિલનના રોલ જ આપે છે. જોકે આવા પાત્રોમાં અભિનય કરવાની બહોળી તક રહે છે.
માહિર પાંધી પર ગુંડાઓએ હુમલો કર્યો
'છોટી સરદારની' દ્વારા લોકપ્રિયતાના શિખરો સર કરનાર અભિનેતા માહિર પાંધી પર તાજેતરમાં બે ગુંડાઓએ હુમલો કર્યો હતો. અભિનેતાએ આ ઘટના વિશે ઇન્સ્ટાગ્રામ પર જાણ કરવા સાથે પોતાની નુકસાન પામેલી કારનો ફોટો પણ મૂક્યો હતો. તેની મોટરના રીઅર વ્યુ મિરર તેમ જ વિન્ડોને થયેલું નુકસાન સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે બે ગુંડાઓએ ધોળા દિવસે મારા ઉપર હુમલો કર્યો હતો. તેમણે મારી ગાડીની બારી તોડી નાખી હતી. વળી એવું પણ નહોતું કે મારી કારની તેમને ટક્કર લાગી હોય. તેઓ કદાચ ચોરીનો પ્રયાસ કરી રહ્યાં હતાં. હા, પોલીસ નાગરિકોની મદદ કરે છે. આમ છતાં પ્રશ્ન એ છે કે શું મુંબઈ સલામત છે? અત્રે ઉલ્લેખનીય છે કે માહિરે આ વર્ષના માર્ચ મહિનામાં જ નવી કાર ખરીદી છે. અભિનેતાએ વધુમાં કહ્યું હતું કે મેં જ્યારે આ મોટર લીધી ત્યારે મારી મમ્મીની આંખો હર્ષાશ્રુથી છલકાઈ ઉઠી હતી. મારા આપ્તજનો પણ રાજીના રેડ થઈ ગયા હતા. તમારા સુખદુઃખમાં તમારા સગાંવહાલા તમારી સાથે ન હોય તો પરિવારનો મતલબ શું? માહિર હમણાં 'વંશઝ' સીરિયલમાં 'દિગ્વિજય' ઉર્ફે 'ડીજે'ની ભૂમિકા ભજવી રહ્યો છે.
સંગીતા કાપૂરે લગ્નગાંઠે બંધાઈ
ધારાવાહિક 'મિશ્રી'માં કામ કરી રહેલી અભિનેત્રી સંગીતા કાપૂરે માટે જૂલાઈ મહિનો શુકનવંતો પુરવાર થયો છે. અભિનેત્રીએ ૧૫મી જૂલાઈએ તેના અડધો ડઝન વર્ષથી પ્રેમી રહેલા બિઝનેસમેન ગૌરવ શર્મા સાથે પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. અભિનેત્રીએ કહ્યું હતું કે અમે લોકોએ વારાણસી ખાતે અમારા પરિવારજનો અને કેટલાંક મિત્રોની ઉપસ્થિતિમાં વિવાહ કર્યાં હતાં. હું અને ગૌરવ છ વર્ષ અગાઉ એક કૉફી શૉપમાં મળ્યાં હતાં. પહેલી વખત એકમેકને જોતાં જ જાણે કે અમારા મનમાં ઘંટડીઓ રણકી ઉઠી હતી. અમારો પ્રેમ સંબંધ છ વર્ષ ચાલ્યો. અમે બે વર્ષથી લગ્ન કરવાનો વિચાર કરતાં હતાં. છેવટે અમે આમ ઓચિંતા જ લગ્ન કરી લેવાનો નિર્ણય કર્યો.