TV TALK .
કુશલ ટંડનને પરણવાની ઉતાવળ નથી
અભિનેતા કુશલ ટંડનને એ વાતની ખુશી છે કે છેવટે તેના માતાપિતા તેની સાથે રહેવા મુંબઈ આવી ગયા છે. 'બેહદ' ધારાવાહિકથી બેહદ લોકપ્રિયતા હાંસલ કરનાર કુશલ કહે છે કે મારા માતાપિતા મારી સાથે રહેવા મુંબઈ આવી ગયા છે તેથી હું ફૂલ્યો નથી સમાતો. અલબત્ત, અમારા મૂળ લખનૌ સાથે જડાયેલાં રહેશે. પરંતુ સમય પાકી ગયો છે કે અમે હવે એકસાથે રહીએ. જ્યારે આપણે નાના હોઈએ છીએ ત્યારે આપણા માબાપ આપણી કાળજી લે છે. પરંતુ તેમની જીવનસંધ્યાએ તેમની કાળજી લેવાની આપણી ફરજ છે. અભિનેતા વધુમાં કહે છે કે હું શાળામાં અભ્યાસ કરતો હતો ત્યારથી હોસ્ટેલમાં રહેતો હતો. મારો અભ્યાસ પૂરો થયા પછી હું અમેરિકા ચાલ્યો ગયો હતો અને ત્યાર પછી મુંબઈ આવી ગયો. આમ મેં મારા પેરન્ટ્સ સાથે બહુ ઓછો સમય વિતાવ્યો છે. પરંતુ હવે હું તેમની સાથે રહેવા માગું છું. જોકે અમે સમયાંતરે લખનઉની મુલાકાત લેતા રહીશું. અત્રે ઉલ્લેખનીય છે કે કુશલનું નામ અભિનેત્રી શિવાંગી જોશી સાથે સંકળાયેલું છે. સ્વાભાવિક રીતે જ તેના પ્રશંસકો અભિનેતાને પૂછ્યા કરે છે કે તે ક્યારે પરણશે. આના જવાબમાં કુશલ કહે છે કે મને લગ્નના માંડવે બેસવાની જરાય ઉતાવળ નથી.
અંકિતા લોખંડેનો પતિ પણ હવે અભિનય ક્ષેત્રે
અભિનેત્રી પત્ની અંકિતા લોખંડે સાથે ટચૂકડા પડદાના કેટલાંક રીઆલિટી શોમાં ભાગ લીધા પછી વિકી જૈને અભિનય ક્ષેત્રે ઝંપલાવ્યું છે. આ બિઝનેસમેન 'ફૌજી-૨'થી અભિનય ક્ષેત્રે પગલાં માંડી રહ્યો છે. વિકીએ કહ્યું હતું કે હું ભાગ્યશાળી છું કે મને અભિનય કરવાની તક મળી રહી છે. અત્યાર સુધી મેં કેમેરાનો સામનો કરવાનો અનુભવ મેળવી લીધો છે. તેથી મારા મનમાં હવે તત્સંબંધી કોઈ ડર નથી. મને એ પણ સમજાઈ ગયું છે કે અભિનય ગંભીર વ્યવસાય છે. વળી અંકિતા મને ડગલેને પગલે સાથ આપી રહી છે. ખરેખર તો તે મારો મુખ્ય આધાર છે. તેણે મારા મનમાં રહેલો ડર તેણે દૂર કરી દીધો છે. તેણે મને કહ્યું હતું કે તું બહાર જા અને તારું કામ મનભરીને માણ. કદાચ આ કારણે જ તે પહેલી વખત મારી આસપાસ ન હોવા છતાં મને ડર નથી લાગતો. અત્રે ઉલ્લેખનીય છે કે 'ફૌજી-૨' શાહરુખ ખાનની ૧૯૮૯માં બનેલી 'ફૌજી'ને આગળ ધપાવશે. વિકીએ કહ્યું હતું કે તેમણે આ બાબતે સુપરસ્ટારની મંજૂરી લઈ લીધી છે. શોના નિર્માતા સંદીપ સિંહે પણ શાહરુખને આ વાતની જાણ કરી દીધી છે. શાહરુખ પણ આ શો આગળ ધપવાનો હોવાથી બહુ ખુશ છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે અત્યાર સુધી જનરલ એન્ટરટેનમેન્ટ ચેનલો પર રીઆલિટી શોઝમાં આવેલો વિકી દૂરદર્શન પર રજૂ થનારી આ સીરિયલમાં કામ કરવા રાજી થઈ ગયો છે.
શૈલેષ લોઢા બે વર્ષે ફરી ફિક્શન શોમાં
અભિનેતા-કવિ શૈલેષ લોઢાએ 'તારક મહેતા કા ઊલટા ચશ્મા' શો છોડયો તેને બે વર્ષ થઈ ગયા. અને હાલના તબક્કે તે 'એડવોકેટ અંજિલ અવસ્થી'માં કામ કરી રહ્યો છે. ફિક્શન શોમાં પરત ફરવા બાબતે શૈલેષ લોઢા કહે છે કે મેં બે વર્ષના અંતરાલ પછી ફિક્શન શો હાથ ધર્યો છે. તેનાથી પહેલા 'તારક મહેતા કા ઊલટા ચશ્મા'માં મેં ૧૪ વર્ષ સુધી કામ કર્યું હતું. આ બંને શોના વચ્ચેના બે વર્ષ દરમિયાન હું રીઆલિટી શો 'વાહ વાહ ક્યા બાત હૈ'માં ભાગ લેતો રહ્યો હતો. મારા કવિતાના શો માટે હું વિશ્વભરમાં ફર્યો હતો. મને સારો ફિક્શન શો મળે તેની હું રાહ જોઈ રહ્યો હતો. અને જ્યારે મને આ ધારાવાહિકની ઑફર મળી ત્યારે મેં તે સ્વીકારી લીધી. શૈલેષે કબૂલ્યું હતું કે તેને અભિનય પ્રત્યે પણ કવિતાઓ જેટલો જ લગાવ છે. તે કહે છે કે મારી અંદર ધબકતો કવિ મને અભિનેતા તરીકે પૂર્ણતા બક્ષે છે. મને અભિનય ક્ષેત્રે હજી ઘણું કામ કરવું છે. હું દર્શકોને મારી ભીતર બેઠેલા કલાકારને ખુલ્લો મૂકવા માગું છું.
શ્રીજીતા ડેના હવે બંગાળી રસમથી વિવાહ
જો સઘળું આયોજન મુજબ પાર પડશે તો અભિનેત્રી શ્રીજીતા ડે અને તેનો પતિ માઇકલ બ્લોમ-પેપ ૧૦મી નવેમ્બરે ગોવા ખાતે બંગાળી વિધિથી વિવાહ કરશે. અગાઉ વર્ષ ૨૦૨૩માં જર્મની ખાતે વાઇટ વેડિંગ કરનાર આ દંપત્તિ ત્યાર પછીના થોડા સમયમાં જ બંગાળી રીતરસમથી પ્રભુતામાં પગલાં પાડવા માગતું હતું. પરંતુ આજકાલ આજકાલ કરતાં કરતાં તેમના વેડિંગને દોઢ વર્ષ વિતી ગયું. છેવટે બંગાળી વિધિથી વિવાહ કરવા માટે ૧૦મી નવેમ્બરનું મૂહુર્ત નીકળ્યું છે. શ્રીજીતાએ કહ્યું હતું કે મેં હમેશાંથી બંગાળી રસમથી પરણવાના શમણાં જોયા હતા.
ગોવામાં લગ્નનું આયોજન કરવા બાબતે શ્રીજીતા કહે છે કે અમે લૉકડાઉન દરમિયાન લગભગ આઠ મહિના સુધી ગોવા ખાતે એકસાથે રહ્યાં હતાં. તેથી અમને એમ લાગ્યું કે અમારા બંગાળી વિધિ મુજબ થનારા વિવાહ માટે ગોવાથી વધુ સારું સ્થળ બીજું ક્યું હોઈ શકે? નવમી નવેમ્બરે અમે મેહંદી અને સંગીતનો કાર્યક્રમ રાખીશું. અને ૧૦મી નવેમ્બરે બંગાળી રીતરસમથી પરણીશું. અમે અમારા બંનેના રીતરિવાજોને એકસમાન રીતે માન આપવામાં માનીએ છીએ. માઇકલના પરિવારજનોએ વિડિયોમાં બંગાળી વિધિથી થતાં વિવાહ જોયા છે તેથી તેઓ પણ અમારા આ લગ્ન જોવા અત્યંત ઉત્સુક છે.