TV TALK .
દેવ જોશીએ નેપાળમાં સગાઈ કરી
ધારાવાહિક 'બાલવીર'માં ટાઇટલ રોલ કરનાર બાળઅભિનેતા દેવ જોશી હવે ૨૪ વર્ષનો યુવાન થઈ ગયો છે. અને બાળકોના લાડકવાયા આ કલાકારે પોતાની ગર્લફ્રેન્ડ આરતી સાથે સગાઈ કરી લીધી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દેવ જોશીએ અત્યંત સાદગીપૂર્વક નેપાળના કામાખ્યા મંદિરમાં સગાઈ કરી હતી. તેણે સોશ્યલ મીડિયા પર પોતાની વાગદત્તા સાથેનો મંદિરના પ્રાંગણમાં પાડેલો ફોટો શેર કર્યો ત્યારે તેના પ્રશંસકો અચંબામાં પડી ગયાં હતાં. તેમને માત્ર એ વાતનું આશ્ચર્ય નહોતું કે દેવ જોશીએ આમ અચાનક જ સગાઈ કરી લીધી. પરંતુ યુગલની સાદગીએ બધાને નવાઈ પમાડી હતી.
યોગેશ મહાજનની અણધારી વિદાય
પૌરાણિક ધારાવાહિક 'શિવ શક્તિ તપ ત્યાગ તાંડવ'માં કામ કરી રહેલા અભિનેતા યોગેશ મહાજનની અણધારી વિદાયથી માત્ર તેના સહકલાકારોને જ નહીં, તેના પ્રશંસકોને પણ ભારે આઘાત લાગ્યો છે. ૧૯મી જાન્યુઆરીએ અભિનેતા સમયસર સેટ પર ન પહોંચતા તપાસ કરવામાં આવી ત્યારે જાણ થઈ કે તેઓ તેના ઉમરગામ ખાતેના ઘરમાં બેભાન પડયાં હતાં. તેમને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં. તેમનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. તેમના સહકલાકારો હજી સુધી આ વાત માનવા તૈયાર નથી કે યોગેશ મહાજન જેવી સાલસ વ્યક્તિ હવે સદેહે તેમની વચ્ચે નથી રહી. સાત વર્ષના સંતાન અને પત્નીને વિલાપ કરતાં મૂકી ગયેલા યોગેશ 'શિવ શક્તિ - તપ, ત્યાગ, તાંડવ'માં 'શુક્રાચાર્ય'ની ભૂમિકા ભજવી રહ્યાં હતાં. તેમણે 'જયશ્રીકૃષ્ણ', 'દેવોં કે દેવ મહાદેવ', 'અદાલત' જેવી અન્ય સીરિયલો ઉપરાંત કેટલીક મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
કરણવીર શર્મા : સેટ પર ઘમંડ અસ્થાને
કરણવીર શર્મા હમણાં રવિ રાજની 'સફલ હોગી તેરી આરાધના'માં કામ કરી રહ્યો છે. સામાન્ય રીતે પોતાનો શૉટ આપ્યા પછી વેનિટી વાનમાં ભરાઈ. જતાં કલાકારોને અનુસરવાને બદલે કરણ સેટ પર જ બેસી રહે છે. તે પોતાના સહકલાકારોને મુશ્કેલ દ્રશ્યો દરમિયાન માર્ગદર્શન પણ આપે છે. તે કહે છે કે સેટ પર ઘમંડને કોઈ સ્થાન ન હોવું જોઈએ. સર્જનાત્મક વાતાવરણમાં 'હું જ કાંઈક છું' એવી માનસિકતા ભારોભાર હાનિકારક બની રહે છે. ઘમંડ કરવો એ પોતાના જ ગર્વને પોષવા બરાબર ગણાય. મને નમ્ર લોકો સાથે કામ કરવાનું વધુ ફાવે છે. કોઈપણ સેટ પર કામ કરવાનું વાતાવરણ હળવું-સ્વસ્થ હોવું ઘટે, ખાસ કરીને ટેલિવિઝન જેવા માધ્યમમાં લાંબા સમય સુધી એકસાથે કામ કરવાનું હોય ત્યારે. વળી તમને સમય સાથે ચાલવું હોય તો શીખવાની પ્રક્રિયા સતત જારી રાખવી રહી. ચાહે તમે તમારા સહકલાકારો પાસેથી શીખો, કસબીઓ પાસેથી શીખો કે પછી નાનામાં નાની ક્ષણમાંથી. પ્રત્યેક દિવસ, પ્રત્યેક ઘડી તમારા માટે કાંઈક નવું લઈને આવે છે. હું ચારેકોર નીરિક્ષણ કરતાં કરતાં ઘણું શીખતો રહું છું.