TV TALK .
સુદેશ બેરીનો અજંપો
સુદેશ બેરી પોતાના વિચારો વ્યક્ત કરવામાં ક્યારેય પાછીપાની નથી કરતો. પીઢ અભિનેતા શબ્દો ચોર્યા વિના બોલવા જાણીતો છે. ટચૂકડા પડદે આવતી ધારાવાહિકોની ચોક્કસ બાબતો સુદેશન બહુ ખટકે છે. 'અગલે જનમ મોંહે બીટિયા હી કિજો', 'શક્તિ-અસ્તિત્વ કે અહસાસ કી' જેવી ધારાવાહિકોમાં કામ કરનાર સુદેશ બેરી હમણાં 'વંશજ'માં કામ કરી રહ્યો છે. અભિનેતા કહે છે કે આપણા ટીવી શોઝમાં વધારે પડતી નૌટંકી કરવામાં આવે છે જે બિલકુલ જરૂરી નથી. ખાસ કરીને મોટા મોટા ઘરેણાંનો ઠઠારો, હાવભાવમાં નાટકીયતાનો અતિરેક કહાણી તેમ જ તેના પાત્રો સાથે ઘણી વખત બંધબેસતો નથી હોતો. આપણે કિરદારોને સહજ-સ્વાભાવિક લાગે એ રીતે પણ રજૂ કરી શકીએ. કહાણીમાં અકારણ ઘૂસાડવામાં આવતી નાટકીયતાને પગલે તેનું વહેણ અવરોધાય છે. મને લાગે છે કે હવે આ બધું અટકવું જોઈએ.
સુજાતા મહેતાને લિમિટેડ શો કરવો છે
ગુજરાતી રંગમંચની લોકપ્રિય અભિનેત્રી સુજાતા મહેતાએ તેની અભિનય કારકિર્દીનો આરંભ 'પ્રતિજ્ઞાા' (૧૯૮૭)થી કર્યો હતો. પરંતુ તેણે 'ખાનદાન', 'યે મેરી લાઈફ હૈ', 'ક્યા હોગા નિમ્મો કા' અને 'સરસ્વતીચંદ્ર' જેવી સીરિયલોમાં પણ પોતાના અભિનયના ઓજસ પાથર્યાં છે. સુજાતા કહે છે કે મને ફિલ્મોમાં પણ મને ગમી જાય એવું કામ નહોતું મળતું તેથી મેં સંખ્યાબંધ ઑફરો પાછી વાળી દીધી હતી. છેવટે મને હિન્દી ફિલ્મોદ્યોગમાંથી ઑફરો આવવાની બંધ થઈ ગઈ. જોકે મારી વિચારસરણી હમેશાં સકારાત્મક રહી છે. આજે પણ મને મર્યાદિત એપિસોડમાં સમાપ્ત થનારા શો માટે ઑફર આવે તો હું તેનો અચૂક સ્વીકાર કરું. શરત કે તેની કહાણી રસપ્રદ હોવી જોઈએ અને તે મર્યાદિત સમયમાં પૂરો કરી દેવામાં આવશે એવી ખાતરી મળવી જોઈએ. જો આવું ન બને તો હું થિયેટરમાં જ કામ કરતાં રહેવાનું વધુ પસંદ કરું.
નિકિતિન ધીરના ટેટૂ પર વિવાદ
અભિનેતા નિકિતિન ધીરે આપણી પૌરાણિક કથા આધારિત ટેટૂ ત્રોફાવ્યું ને નેટિઝનોએ તેને આડે હાથ લીધો. નિકિતિને તેની જાંઘ પર ત્રોફાવેલા આ ટેટૂમાં મહાદેવ સાથે સંકળાયેલી રૂદ્ર વીણા અને તેની આસપાસ સંસ્કૃતમાં લખેલું હતું 'એકો અહમ્ દ્વિતિયો નાસ્તિ'. વીણાની આકૃતિ કવચિત્ રાવણ સાથે પણ સંકળાયેલી છે. 'એકો અહમ્ દ્વિતિયો નાસ્તિ' પણ રાવણ સાથે જોડાયેલું છે. કોઈ નેટિઝને ટેટૂમાંની વીણાને 'રઘુનાથ' વીણા માની લીધી. આ વીણા મા સરસ્વતી સાથે સંકળાયેલી છે. તેથી તેમણે નિકિતિનને શીખામણ આપી દીધી કે મા સરસ્વતીની વીણાને પગ પર ન ત્રોફાવાય. કોઈએ એમ લખ્યું કે આ ટેટૂ તે શરીરના ખોટા ભાગ પર ત્રોફાવ્યું છે. નિકિતિને કહ્યું હતું કે જે લોકો રાવણને પિછાણે છે તેમણે મારા ટેટૂની પ્રશંસા કરી છે. પરંતુ જેમને પૌરાણિક કથાઓનું જ્ઞાાન નથી એવા મંદબુધ્ધિ લોકોએ ટેટૂ પર શું લખ્યું છે તે વાંચવાની તસ્દી પણ નથી લીધી. આપણું શરીર એક મંદિર છે તો આપણા દેહનો પ્રત્યેક ભાગ પવિત્ર ગણાય. તેથી આપણે ગમે ત્યાં ટેટૂ બનાવડાવી શકીએ. મેં મારા હાથ પર મહાદેવનું ટેટૂ પણ ત્રોફાવ્યું છે.
રૂબિના દિલૈક : સેલ્ફ કેર એટલે સ્વાર્થ નહીં
ગયા વર્ષના નવેમ્બર મહિનામાં અભિનેત્રી રૂબિના દિલૈકે જોડિયા બાળકોને જન્મ આપ્યો ત્યારથી તે પોતાના સંતાનો માટે ખડે પગે રહે છે. આમ છતાં તે પોતાની સારસંભાળ લેવાનું પણ ચૂકતી નથી. અભિનેત્રી કહે છે કે માતા બન્યા પછી મારું સઘળું ધ્યાન મારા જોડિયા બાળકો પર છે. નવજાત શિશુઓની કાળજી દરેક માતાની પ્રાથમિકતા હોય એ સ્વાભાવિક છે. પરંતુ બાળકો સાથે પોતાની સારસંભાળ લેવી પણ એટલી જ જરૂરી છે. મારા મતે નવી નવી માતા બનેલી દરેક સ્ત્રીએ પોતાના માટે થોડો સમય ફાળવવો જોઈએ. જો માતા પોતે જ સ્વસ્થ-સંતુષ્ટ ન હોય તો પોતાના બાળકોની કાળજી શી રીતે લઈ શકે? જોડિયા બાળકોની મમ્મી બન્યા પછી જાતઅનુભવે હું આ વાત કહી રહી છું. રૂબિકા વધુમાં કહે છે કે હું મારી સારસંભાળ માટે એક કલાક માટે રિલેક્સિંગ મસાજ કરાવવા જાઉં છું. મસાજ કરાવી લીધા પછી હું સ્ટીમ અને સોના લઉં છું. ક્યારેક ક્યારેક હું મારો ગમતો શો પણ જોઉં છું.