TV TALK .
કરૂણા પાંડે સાઇબર ફ્રોડમાં સપડાઇ
ધારાવાહિક 'પુષ્પા ઇમ્પોસિબલ'માં ટાઇટયુલર રોલ કરી રહેલી અભિનેત્રી કરૂણાં પાંડે તાજેતરમાં સાઇબર ફ્રોડમાં સપડાઇ હતી. એક રીતે તેણે જાતે જ કુહાડા પર પગ મૂકી દીધો હતો એમ કહીએ તો તે વધારે પડતું નહીં ગણાય. વાત જાણે એમ છે કે ત્રણેક મહિના અગાઉ કરૂણા શૂટિંગ કરી રહી હતી ત્યારે તેને એક ફોન આવ્યો સામે છેડે રહેલી વ્યક્તિએ તેને કહ્યું હતું કે તે મુંબઇ પોલીસમાંથી વાત કરી રહ્યો છે. અને તેના એક બેંક અકાઉન્ટમાં થયેલા ગેરકાયદે ટ્રાન્ઝેકશન બદલ તેને હાઇ કોર્ટનું સમન બજાવવા માગે છે. કરૂણાએ આ ફોન બાબતે કહ્યું હતું કે સંબંધિત વ્યક્તિ મારો અકાઉન્ટ નંબર પણ જાણતો હતો. તેણે કહ્યું હતું કે થોડીવારમાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ મને વીડિયો કૉલ કરશે. મને તેની વાત સાંભળીને ચિંતા થઇ આવી હતી. મેં એ અકાઉન્ટ ઘણાં સમયથી ઓપરેટ નહોતું કર્યું અને મને સામે છેડે રહેલી વ્યક્તિની વાત સાચી હોય એમ લાગી કહ્યું હતું. થોડીવાર પછી મને એક વીડિયો કૉલ આવ્યું. સામી વ્યક્તિએ મને પોતાની ઓળખાણ ડીસીપી તરીકે આપી હતી. તેણે મને કહ્યું હતું કે આ ગેરકાયદે ફાઇનાન્સિયલ ટ્રાન્જેકશન વિશે હું કોઇને કાંઇ ન કહું તો સમગ્ર મામલો માત્ર ૨,૭૫,૦૦૦ રૂપિયા આપવાથી સેટલ થઇ જશે. તે વખતે મને શું થયું હશે કે મને તેની વાત પર શંકા ન ગઇ અને મેં તેને ૨,૭૫,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરી દીધાં. મને લાગે છે કે તે વખતે હું હિપ્નોટાઇઝ થઇ ગઇ હતી.
પુરૂષોના દેખાવની એકવિધતા કઠે છે યોગેન્દ્ર સિંહને
છેલ્લે 'તેરી મેરી દૂરિયા'માં કામ કરનાર અભિનેતા યોગેન્દ્ર વિક્રમ સિંઘને પહેલી વખતે એક શોમાં મુખ્ય ભૂમિકા ભજવવાનો અવસર મળ્યો હોવાથી તે બહુ ખુશ છે. 'બસ ઇતના સા ખ્વાબ હૈ' હાથ ધરનાર આ કલાકાર માને છે કે સીરિયલ સર્જકોએ મુખ્ય કલાકારોની પસંદગી વખતે ચીલો ચાતરીને ચાલવું જોઇએ, અભિનેતા વધુમાં કહે છે કે હું જ્યારે શોબિઝમાં આવ્યો ત્યારે મેં નોંધ્યું હતું કે સંખ્યાબંધ કલાકારો સરસ રીતે પોતાનું માર્કેટિંગ કરતા હતા. આ બધુ જોયા પછી મને લાગતું કે બૉલીવૂડમાં મારા જેવો સાદોસીધો યુવાન પોતાના માટે જગ્યા શી રીતે બનાવશે ? જોકે મને મારા કૌવત પર પૂરેપૂરો ભરોસો હતો. મેં મારા મનને એમ કહીને મનાવ્યું કે જેને મારું કામ ગમશે તે સ્વયં મારી પાસે આવશે. યોગેન્દ્રએ કાસ્ટિંગ ડાયરેકટરો મુખ્ય કલાકારોની પસંદગી શી રીતે કરે છે તેના વિશે કહ્યું હતું કે તેઓ ચોક્કસ પ્રકારનો દેખાવ ધરાવતા કલાકારોને જ મહત્વ આપે છે. ખાસ કરીને જ્યારે વાત મુખ્ય અભિનેતાની હોય ત્યારે. જો તમે ધારાવાહિકોમાં ધ્યાનપૂર્વક નોંધ્યું હશે તો તમને ખ્યાલ હશે કે લગભગ બધા મુખ્ય અભિનેતાઓ એક સમાન દેખાતા હોય છે. તેમના વસ્ત્રો, હેરસ્ટાઇલ તેમ જ વ્યક્તિત્વ કેટલાં બધા મળતા આવતાં હોય છે જો થોડા નોખા તરી આવતાં કલાકારોને તક જ ન આપવામાં આવે તો દર્શકોને બે કલાકારો વચ્ચે રહેલો તફાવત શી રીતે દેખાય ? જ્યારે અભિનેત્રીઓ બાબતે આ માપદંડ લાગૂ નથી પડતાં. હું આશા રાખું છું કે આવા ધારાધોરણો જલદી જ બદલાશે. અહીં એ વાતની નોંધ લેવી રહી કે યોગેન્દ્રએ 'ગુંજન સકસેના' અને 'એનએચ ૧૦' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેને માટે એક માધ્યમમાંથી નીકળીને બાજા માધ્યમમાં કામ કરવાનું સાવ સહેલું છે. તે કહે છે કે જ્યારે હું ફિલ્મોમાં કામ કરતો હતો ત્યારે મને ટીવી પર કામ કરવાની ઓફર આવી હતી.
કાશ્મીરાનો અમેરિકન અકસ્માત
તાજેતરમાં કાશ્મીરા શાહને અમેરિકામાં અકસ્માત નડયો હતો. કાશ્મીરાએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે મને લાગે છે કે કાંઇક મોટું થવાનું હતું. પરંતુ નાનામાં જ છૂટકારો થઇ ગયો. કાશ્મીરાએ પોતાની પોસ્ટમાં પતિ કૃષ્ણા અભિષેક તેમ જ સંતાનો રયાન અને કૃષ્ણાંગને ટેગ કર્યા હતા. તેણે તેની સાથે પોતાના નાક પર પટ્ટી કરેલી તસવીર પણ મૂકી હતી. તેણે એમ પણ લખ્યું હતું કે તે ભૂલથી કાચની પેનલ સાથે ભટકાઈ પડી હતી જેને પગલે મને હજી વધુ ગંભીર ઇજાઓ થઇ શકી હોત. પરંતુ ઇશ્વરે મને મોટી ઇજામાંથી બચાવી લીધી. આટલી પીડામાં પણ તે મજાક કરવાનું નહોતી ચૂકી. તેણે કહ્યું હતું કે મારો પતિ મને લેવા લૉસ એંજલસ આવવા માગતો હતો. પરંતુ મેં તેને પોતાનું કામ છોડીને આવવાની ના પાડીહતી. મને ખાતરી હતી કે જો તે આવશે તો કહેશે કે તેં નાક કપાવી લીધું. જોકે કાશ્મીરાએ તરત જ ગંભીર થઇ જતાં કહ્યું હતું કે હવે હું મારા નાકની નિશાનીને રોજ જોઇશ. એ જોઇને મને સમજાશે કે જીવનનો કોઇ ભરોસો નથી. તેથી ઇશ્વર આપણને જેટલી નવી સવાર બતાવે એટલું વખત આપણને તેનો પાડ માનવો જોઇએ. અહીં એ વાતની નોંધ લેવી રહી કે તમે આ સ્ટોરી વાંચી રહ્યાં હશે ત્યારે કાશ્મીરા કદાચ ભારત પરત ફરી ગઇ હશે.