TV TALK .

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
TV TALK                                                            . 1 - image


નાયરા-નિશાંતની ઑડિયો સીરિઝમાં એન્ટ્રી

'પિશાચીની' ફેમ નાયરા બેનરજી અને તેનો એક સમયનો કથિત પ્રેમી નિશાંત મલકાની પોતાના કામનો વિસ્તાર કરી રહ્યાં છે. તેમણે ઑડિયો સીરિઝ 'ઇન્સ્ટા અમ્પાયર' હાથ ધરી છે.  આ ક્ષેત્રે કામ કરતી વખતે તમારી કલ્પના શક્તિ ખિલે, તમારા દિલોદિમાગમાં સમગ્ર કહાણી કંડારાઈ જાય તો જ તમે તેને ભાવનાત્મક રીતે રજૂ કરી શકો. વળી આપણા દેશમાં બાળકોને વાર્તાઓ સંભળાવવાની, લોરી ગાઈને સુવડાવવાની પ્રથા હમેશાંથી ચાલી આવે છે. આમ બાળકો નાનપણથી વડિલોના મુખે જે સાંભળે તેની કલ્પના કરતાં શીખી જાય છે. જ્યારે નિશાંતે કહ્યું હતું કે પોકેટ એફએમ જેવા ઑડિયો સીરિઝ પ્લેટફોર્મ સાથે કામ કરવાનો અનુભવ અનોખો બની રહ્યો છે. કલાકાર તરીકે શ્રોતાઓ સાથે જોડાવાનો અનુભવ રોમાંચક લાગે છે. આ સ્ટોરીમાં મેં 'નક્ષ'નું પાત્ર હાથ ધર્યું છે અને નાયરાએ 'અનિકા'નું. અભિનેતા વધુમાં કહે છે કે 'અનિકા' ધનાઢ્ય પરિવારની પુત્રી છે. જ્યારે 'નક્ષ' સાધારણ ઘરનો યુવક હોવાથી પોતાના સાસરિયાઓની અવહેલના સહે છે. 

પલ્લવી દુબઈ-મુંબઈ આવ-જા કરશે

છેલ્લે 'ઈતના કરો ના મુજે પ્યાર' સીરિયલમાં કામ કર્યા પછી વેબ શો '૧૯૬૨ ઃ ધ વૉર ઇન ધ હિલ્સ'માં જોવા મળેલી પલ્લવી કુલકર્ણી હવે દુબઈ રહેવા ચાલી ગઈ છે. પણ રખે એમ માની લેતાં કે તેણે અભિનય ક્ષેત્રમાંથી સન્યાસ લઈ લીધો છે. અભિનેત્રીએ આ બાબતે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે મેં મુંબઈ છોડીને અન્યત્ર સ્થળાંતર કરવાનું સ્વપ્નેય નહોતું વિચાર્યું. પરંતુ મારા ભાગ્યમાં કાંઈક જુદું લખેલું હશે. વાસ્તવમાં મારા પતિને દુબઈમાં સારી તક મળી રહી હતી તેથી તેમણે ત્યાં સ્થળાંતર કરી જવાનો વિચાર કર્યો. જોકે પહેલા તો હું ત્યાં જતા ખચકાતી હતી. પણ છેવટે મેં દુબઈ જવાનો નિર્ણય કર્યો. આનું કારણ જણાવતાં પલ્લવી કહે છે કે દુબઈથી મુંબઈ આવતાં માત્ર બે કલાક લાગે છે. તેથી જો મને સારા કામની ઑફર મળશે તો હું ચોક્કસપણે મુંબઈ આવીશ. ખરેખર તો મને પણ ટચૂકડા પડદે સરસ શોમાં કામ કરવું છે. છેલ્લા ઘણાં સમયથી મને ટીવી શોમાં મનગમતો રોલ કરવાનો મોકો નથી મળ્યો. તેથી જો મને મનપસંદ પાત્ર ઑફર થશે એવી આશા છે.  

ઝૈન ઈમામને ટીવી ક્ષેત્રે પરત ફરવું છે

'ફના : ઇશ્ક મેં મરજાવાં'માં કામ કર્યા પછી ઝૈન ઈમામે ઈરાદાપૂર્વક ટચૂકડા પડદેથી બ્રેક લીધો હતો. અભિનેતા આ બાબતે કહે છે કે હું ઓટીટી પર કામ કરવા માગતો હતો તેથી મેં ૨૦૨૨માં ટીવી ધારાવાહિકોમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો હતો. મને તેમાં કાંઈ ખોટું પણ નહોતું લાગ્યું. પરંતુ કદાચ મારા ભાગ્ય નબળાં હશે. મેં જે વખતે ઓટીટી પર કામ કરવાનો વિચાર કર્યો તે સમયમાં ઝાઝા શો નહોતા બનતા. વળી મને ટચૂકડા પડદાની ખોટ પણ સાલવા લાગી હતી. છેવટે મેં અહીં પરત ફરવાનું નક્કી કર્યું. મહત્વની વાત એ છે કે ઝૈનને એક શોમાં કામ મળી પણ ગયું છે. જોકે આ સીરિયલનું નામ પાડવાનું હજી બાકી છે. પરંતુ ઝૈનના જીવને હવે ધરપત થઈ છે. અભિનેતા કહે છે કે મને ઘર-પરિવારનો ખર્ચ ચલાવવાનો હોય છે. અને ટીવી સીરિયલમાં કામ કરવાથી સારા પૈસા મળે છે. વળી મારી મમ્મી મને વારંવાર લગ્ન કરી લેવા દબાણ કરે છે. પણ મને હજી એવી યુવતી નથી મળી જે મને ગમી જાય. અને હું એવી કન્યાને પરણવા નથી માગતો જે મને અંકુશમાં રાખવાનો પ્રયાસ કરે.

'બિગ બૉસ' શોમાં અકલ્પનીય બદલાવ

વિવાદાસ્પદ રીઆલિટી શો 'બિગ બૉસ' (ઓટીટી)માં આ વખતે અકલ્પનીય બદલાવ જોવા મળી રહ્યો છે. કોઈએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તેનું સંચાલન પીઢ અભિનેતા અનિલ કપૂર કરશે. તેવી જ રીતે એભેદ્ય કિલ્લા જેવા ઘરમાં બહાર શું ચાલી રહ્યું છે તેની જાણ થશે. સૌથી મહત્વની વાત એ છે કે અત્યાર સુધી શોના સ્પર્ધકોને બિગ બૉસ ટાસ્ક આપતાં હતાં. પણ આ વખતે આ મોકો ઑડિયન્સને આપવામાં આવ્યો છે. તેના સિવાય પણ દર્શકોને કેટલાંક અધિકાર આપવામાં આવ્યાં છે. આટલું ઓછું હોય તેમ આ વખતે સોશ્યલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરવાના ભાગરૂપે મીમ બનાવનારા તેમ જ ટ્રોલર્સને પણ પોતાની ટેલેન્ટ બતાવવાની તક આપવામાં આવી છે. ઓટીટીના દર્શકો માટે આ શો ચોવીસે કલાક સીધું પ્રસારિત થઈ રહ્યું છે તે છોગામાં.


Google NewsGoogle News