TV TALK .
ભવ્ય ગાંધીને નેગેટિવિટી ફાવી ગઈ
ભવ્ય ગાંધીએ લાગલગાટ નવ વર્ષ સુધી ધારાવાહિક 'ઊલટા ચશ્મા'માં 'ટપુ'ની ભૂમિકા ભજવી હતી. અને હવે તે નેગેટિવ રોલ સાથે ટચૂકડા પડદે પરત ફર્યો છે. અભિનેતા લોકપ્રિય સીરિયલ 'પુષ્પા ઇમ્પોસિબલ'માં નકારાત્મક ભૂમિકા કરી રહ્યો છે. દર્શકો પણ તેને આ કિરદારમાં ખૂબ પસંદ કરી રહ્યાં છે. ભવ્ય ગાંધીએ આ રોલ શી રીતે સ્વીકાર્યો તેના વિશે તે કહે છે કે મને જેડી મજીઠિયાએ મેસેજ કરીને કહ્યું હતું કે આ શોમાં મહત્વનો વળાંક આવી રહ્યો છે. તેઓ મને તેમાં આવતા નેગેટિવ રોલ માટે લેવા માગે છે. જોકે પ્રારંભિક તબક્કે તો હું નકારાત્મક કિરદાર સ્વીકારતાં ખચકાયો હતો. મને એવો વિચાર પણ આવ્યો હતો કે આવું પાત્ર અદા કર્યા પછી ક્યાંક એવું ન બને કે મને માત્ર આવા રોલ જ ઑફર થાય. હું ટાઇપકાસ્ટ થવા નહોતો માગતો. પરંતુ થોડો વિચાર કર્યા પછી મને લાગ્યું કે જો હું સતત નવ નવ વર્ષ સુધી 'ટપુ'નું પાત્ર ભજવીને ટાઈપકાસ્ટ ન થયો. તો હવે શી રીતે થઈશ. છેવટે મેં એ રોલ સ્વીકારી લીધો. અભિનેતા વધુમાં કહે છે કે 'ટપુ'ની ભૂમિકાએ મને ઘણું આપ્યું છે. હું ક્યારેય આ ઇમેજમાંથી બહાર આવવાનું પસંદ ન કરું. અત્રે ઉલ્લેખનીય છે કે ભવ્ય હમણાં આ ધારાવાહિકમાં સાઇકોટિક કેરેક્ટર અદા કરી રહ્યો છે. સામાન્ય રીતે આવા કિરદારની માનસિક અસરમાંથી નીકળવાનું ખાસ્સું મુશ્કેલ હોય છે. પરંતુ ભવ્ય ગાંધીએ તે શીખી લીધું છે. અભિનેતા કહે છે કે મને 'ઊલટા ચશ્મા'ના 'જેઠાલાલ', એટલે કે દિલીપ જોશીએ કહ્યું હતું કે સેટ પર ગયા પછી જ્યારે તમે તમારા પાત્રના પોશાકમાં સજ્જ થાઓ ત્યારે એ કિરદારમાં પણ રમમાણ થઈ જાઓ. પરંતુ સાંજ પડયે તમારું કામ પૂરું થાય અને તમે તમારા પાત્રોના વસ્ત્રો બદલીને પોતાનો પોશાક પહેરો કે તરત જ તમારા કિરદારને પણ મગજમાંથી કાઢી નાખો. બસ, ત્યારથી મેં મારા પાત્રોની અસરમાંથી બહાર આવતાં શીખી લીધું છે.
અબ્દુ રોઝિકે સગાઈ તોડી નાખી
પોતાના બાળક જેવા કદકાઠી અને મીઠી બોલીને કારણે દર્શકોના લાડકવાયા બની ગયેલા 'બિગ બૉસ-૧૬'ના તજિકિસ્તાનથી આવેલા સ્પર્ધક અબ્દુ રોઝિકે ૨૪મી એપ્રિલે પોતાની સગાઈ થઈ હોવાનું જાહેર કર્યું હતું. મૂળભૂત રીતે તજકિસ્તાના ગાયક અબ્દુએ અમિરાતની યુવતી અમિરા સાથે તેની સગાઈ થઈ હોવાનું જાહેર કરતાં એમ પણ કહ્યું હતું કે તેઓ સાતમી જૂલાઈએ લગ્નના બંધનમાં બંધાઈ જશે. પરંતુ તાજેતરમાં અબ્દુની સગાઈ તૂટી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે ઘણાં લોકોએ એવી વાતો પણ વહેતી કરી હતી કે રોઝિકની સગાઈ નકલી હતી. તેનું કારણ એ હતું કે રોઝિકે પોસ્ટ કરેલા ફોટાઓમાં તેની વાગદત્તાનો ચહેરો નહોતો દેખાતો. એટલું જ નહીં, રોઝિકના નિકટના લોકોએ પણ તેને નહોતી જોઈ. જોકે અબ્દુએ સગાઈ શા માટે તોડી તેનું કારણ જણાવતાં કહ્યું હતું કે અમારી સંસ્કૃતિઓ ભિન્ન ભિન્ન હોવાથી અમને એમ લાગ્યું કે લગ્ન ન કરવામાં જ શાણપણ છે. ઘણી વખત આપણે ધારીએ એ બધું નથી થતું. આને જ જીવન કહેવાય. અમે બંને અમારા અનુભવ પરથી શીખી રહ્યાં છીએ. અબ્દુએ વધુમાં કહ્યું હતું કે ઘણાં લોકો મારી સગાઈને નકલી અને પબ્લિસિટી સ્ટંટ કહે છે. પરંતુ આ વાત સાચી નથી. મને પબ્લિસિટી માટે આવું કાંઈ કરવાની જરૂર નથી અને હું આવું કાંઈ કરતો પણ નથી.
'અનુપમા'ને મદાલસા શર્માની અલવિદા
ટચૂકડા પડદાની લોકપ્રિય ધારાવાહિકોમાંની એક 'અનુપમા'માં છેલ્લા કેટલાક સમયથી 'કાવ્યા', એટલે કે અભિનેત્રી મદાલસા શર્માને નોકરી કરવા અન્યત્ર મોકલી દઈને પડદા પરથી દૂર કરી દેવામાં આવી હતી. અને હવે જાણવા મળી રહ્યું છે કે- આ ખૂબસુરત અદાકારાએ શોને અલવિદા કહી દીધું છે. અભિનેત્રીએ સ્વયં આ વાતને સમર્થન આપતાં જણાવ્યું હતું કે તેણે તેના સહકલાકાર સુધાંશુ પાંડેની જેમ 'અનુપમા'માંથી નીકળી જવાનો નિર્ણય અચાનક નહોતો કર્યો. વાસ્તવમાં તે ઘણાં સમયથી આ શો છોડવાનો વિચાર કરી રહી હતી. આટલી લોકપ્રિય ધારાવાહિક છોડવાનું કારણ જણાવતાં મદાલસાએ કહ્યું હતું કે અગાઉ આ સીરિયલની કહાણી 'કાવ્યા', એટલે કે મારી 'વનરાજ શાહ' (સુધાંશુ પાંડે) અને 'અનુપમા' (રૂપાલી ગાંગુલી)ની આસપાસ ફરતી હતી. મારું નેગેટિવ પાત્ર પણ અત્યંત પ્રભાવશાળી હતું. 'કાવ્યા'માં પરિણિત પુરૂષ સાથે પ્રેમમાં પડવાની અને તેનો ઘરસંસાર તોડીને તેની સાથે પરણવની ત્રેવડ હતી. પરંતુ છેલ્લા એક વર્ષથી કહાણીમાં આવેલા બદલાવને કારણે મારો રોલ સાવ ઝંખવાઈ ગયો હતો. દાધારંગી કહી શકાય એટલી સ્માર્ટ 'કાવ્યા' જાણે કે 'બિચ્ચારી' બની ગઈ હતી. પરિણામે હું મારું કામ માણી નહોતી શકતી. મારા મનમાં સતત શો છોડવાના વિચારો ચાલતા હતાં. અલબત્ત, શોની ક્રીએટિવ ટીમે મારા પાત્રને ફરીથી કોઈક રીતે ચમકાવવાના પ્રયાસો કર્યાં હતાં. પરંતુ વાત જામી નહીં. છેવટે મેં અને સીરિયલ સર્જકે આપસી સમજૂતિથી નક્કી કર્યું કે શો છોડી દેવો મારા માટે બહેતર ગણાશે. અદાકારાએ ઉમેર્યું હતું કે મારી મમ્મી, મારા પતિ મિમોહ અને સસરા મિથુન ચક્રવર્તી પણ એ મતના જ હતાં કે જો મને આગળ વધવું હોય, કોઈક સિધ્ધિ હાંસલ કરવી હોય તો મારે શો છોડીને આગળ વધી જવું જોઈએ.