TV TALK .
...અને હવે ઝાકિર ખાનનો શો
'ઇન્ડિયા કા સખ્ત લૌન્ડા' તરીકે ઓળખાતો સ્ટેન્ડ અપ કૉમેડિયન સ્ટેજ પર શો કરવા મશહૂર છે. પણ હવે તે કપિલ શર્મા અને કૃષ્ણા અભિષેકના પેંગડામાં પગ ઘાલવા તૈયાર થઈ ગયો છે. કહેવાનો અર્થ એ છે કે ઝાકિર હવે ટચૂકડા પડદે પોતિકા કૉમેડી શો 'આપકા અપના ઝાકિર' સાથે દર્શકોને હસાવવા આવી રહ્યો છે. તે કહે છે કે હું થોડો ગભરાયેલો છું. જોકે મને ખાતરી છે કે સૌ સારાવાનાં થશે. જ્યારથી હું મારા ટીવી શોની તૈયારી કરી રહ્યો છું ત્યારથી લોકો એમ વિચારી રહ્યાં છે કે શું હું કપિલ શર્મા અને કૃષ્ણા અભિષેક જેવો કૉમેડી શો આપી શકીશ? અલબત્ત, આવો વિચાર આવવો સહજ છે. વાસ્તવમાં હું સ્ટેજ પર શો આપતો હોઉં છું ત્યારે પણ મારી તુલના આ બંને કૉમેડિયન સાથે થાય જ છે. આ બેઉ કૉમેડિયન સાથે મારી સરખામણી થશે તેની મને ખાતરી છે.
નમિષ તનેજા : મૈં હું તેરા
નમિષ તનેજાને નિયમિત રીતે બૉય-નેકસ્ટ-ડૉર બની રહેવામાં જરાય વાંધો નથી. હાલના તબક્કે ધારાવાહિક 'મિસરી'માં મુખ્ય ભૂમિકા ભજવી રહેલો નમિષ કહે છે કે મને આ પ્રકારના પાત્રો ભજવતા રહેવામાં વાંધો નથી. આનું કારણ સમજાવતાં અભિનેતા કહે છે કે દર્શકો મને આવા પાત્રોમાં ખૂબ પસંદ કરે છે. તો પછી તેનાથી તદ્દન વેગળા કે વિરોધાભાસી હોય એવી ભૂમિકાઓ ભજવીને તેમને મૂંઝવવા કે નારાજ શા માટે કરવા? મને સંખ્યાબંધ વખત પૌરાણિક શો કરવાની ઑફરો આવી છે. તેની કથા સર્વશ્રેષ્ઠ હોય તો પણ સ્પેશ્યલ ઇફેક્ટસમાં હજી આપણે ઘણાં પાછળ છીએ. અભિનેતા વધુમાં કહે છે કે નાણાંકીય રીતે હું ભલે સધ્ધર છું. પરંતુ મારા ઘણા સપનાં પૂરાં થવાના બાકી છે. હું મારા પરિવારને પણ પૂરતો સમય આપવા માગું છું. અને આ બંને કામ એકસાથે કરવાં લગભગ લગભગ અસંભવ છે.
કરણ પટેલ કામ માગવામાં છોછ શાનો?
કરણ પટેલ જેવા જાણીતા-લોકપ્રિય કલાકારને જો ઈન્સ્ટાગ્રામ પર કામ માગવાની નોબત આવે ત્યારે વાત વિચારવા લાયક બની જાય છે. તાજેતરમાં ટચૂકડા પડદાના ટોચના અભિનેતા કરણ પટેલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે હવે સામાન્ય ચૂંટણીઓ, ટી-૨૦ વર્લ્ડ કપ પૂરાં થઈ ગયાં છે ત્યારે હવે આપણે પોતાના કામ પર પરત ફરીશું? હવે મને એ જોવું છે કે કોઈ મને કામ આપે છે કે કેમ. જોકે અભિનેતાએ આવી પોસ્ટ મૂકી તેનું પણ એક કારણ હતું. કરણ પટેલ કહે છે કે કામ માગવામાં કાંઈ ખોટું નથી. જ્યાં સુધી તમે માગશો નહીં ત્યાં સુધી કામ મળશે શી રીતે? ઘણાં ટોચના કલાકારોએ પણ આ રીતે જ કામ માગ્યું છે. મને ગુણવત્તાસભર કામ કરવું છે. અને જ્યાં સુધી મને કામ નહીં મળે ત્યાં સુધી હું આ રીતે કામ માગતો રહીશ. જોકે અહીં એ વાતની નોંધ લેવી રહી કે કરણે ટચૂકડા પડદેથી બ્રેક લઈને 'સિટી ઑફ ગોલ્ડ', 'શૂટઆઉટ એટ વડાલા', 'ડરન છૂ' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. અને હવે તે ફરીથી ટીવી શોઝ કરવા માગે છે. અભિનેતા કહે છે કે અડધો ડઝન વર્ષ સુધી હું ઈરાદાપૂર્વક ટચૂકડા પડદાથી દૂર રહ્યો હતો. પણ હવે એવું લાગે છે જાણે મારો બ્રેક પરાણે લંબાવવામાં આવી રહ્યો છે.
હું ને મારી દીકરી: ચારુ અસોપા
થોડાં દિવસ અગાઉ ચારુ અસોપા તેની અઢી વર્ષની પુત્રી ઝીઆનાને લઈને પૂર્વ પતિ તેમ જ તેના પરિવારજનો સાથે દુબઈ ફરવા ગઈ હતી તેથી લોકોને ભારે આશ્ચર્ય થયું હતું. અભિનેત્રી સુસ્મિતા સેનના ભાઈ રાજીવ સાથે લગ્ન થયાં પછી પુત્રી ઝીઆનાને જન્મ આપનાર ચારુના વિવાહિત જીવનમાં બહુ જલદી ભૂકંપ સર્જાયો હતો. અલગ થયા પછી એક વર્ષમાં જ પૂર્વ પતિ સાથે વિદેશ ફરવા ગઈ તેથી તેની ખાસ્સી વગોવણી થઈ હતી. પરંતુ ચારુએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે હું મારી અઢી વર્ષની પુત્રીને તેના પરિવારજનોથી દૂર શા માટે રાખું? મારા અને રાજીવના વિચારો નહોતા મળતાં એટલે અમે છૂટાછેડા લઈ લીધા એનો અર્થ એવો નથી થતો કે અમારી વચ્ચે બધું ખતમ થઈ ગયું છે. અમે આજે પણ સારા મિત્રો છીએ. હું એ ક્યારેય નથી ભૂલી કે રાજીવ મારી પુત્રીનો પિતા છે. અને હું મારી દીકરીને તેના પરિવારજનોથી દૂર શા માટે રાખું?