SOCIAL સર્કલ .
કોલ્ડપ્લેની કમાલ
જ્યારથી કોલ્ડપ્લેની કોન્સર્ટ્સ અમદાવાદમાં યોજાઈ છે ત્યારથી એની ચર્ચા અટકવાનું નામ લેતી નથી. સોશિયલ મીડિયા અમદાવાદની આ કોન્સર્ટ્સની રીલ્સ, સ્ટોરીઝ અને તસવીરોથી છલકાઈ ગયું છે. આ ઇવેન્ટને કારણે અમદાવાદ એકદમ આંતરરાષ્ટ્રીય મ્યુઝિકલ મેપમાં ચમકી ગયું છે. કોલ્ડપ્લેએ અહીં કમાલ કોન્સર્ટ્સ કરી બતાવી એટલે અન્ય ગ્લોબલ પોપ સિંગર્સ, રોક સિંગર્સ અને બેન્ડ્સની નજરમાં પણ અમદાવાદ આવી ગયું છે. તોતિંગ કેપેસિટી ધરાવતું આવડું મોટું સ્ટેડિયમ ભારતમાં એમને બીજે ક્યાં મળવાનું! ટેલર સ્વિફ્ટ, એડ શિરીન, બીયોન્સેના ચાહકો... તૈયાર રહેજો!
શટ અપ, સોનમ!
સોનમ કપૂર શું કરે છે આજકાલ? આઈ મીન, મોંઘાં કપડાં પહેરીને ગ્લેમરસ દેખાવા સિવાય? ભગવાન જાણે. છેલ્લે આપણે એને 'બ્લિન્ક' નામની ઓટીટી ફિલ્મમાં જોઈ હતી. થોડા દિવસો પહેલાં એ ટોચના ફેશન ડિઝાઇનર સવ્યસાચી મુખર્જીના પચ્ચીસમા એનિવસરી શોમાં બનીઠનીને ઉપસ્થિત થઈ હતી. ફેશનની વાત આવે ને તમે સોનમ કપૂરને યાદ ન કરો તો પાપ પડે! એક્ટિંગ-બેક્ટિંગ તો સમજ્યા મારા ભાઈ, પણ ફેશન સેન્સના મામલામાં આજે પણ સોનમ બોલિવુડની નંબર વન હિરોઈન ગણાય છે. સોનમ પાછી બટકબોલી છે. ઇન્ટરવ્યુઝમાં, જાહેર ઇવેન્ટ્સમાં એ કંઈ પણ ભરડી નાખતી હોય છે. યાદ છે, થોડાં વર્ષો પહેલાં એણે ઐશ્વર્યા રાય બચ્ચન માટે 'ઐશ્વર્યા આન્ટી' શબ્દપ્રયોગ કર્યો હતો. તે વખતે ઐશ્વર્યાની ઉંમર ફ્કત ૩૬ વર્ષ હતી! સોનમે કહેલું, 'પણ ઐશ્વર્યાએ મારા ડેડ સાથે ફિલ્મો કરી છે એટલે મારે માટે તો એ આન્ટી જ ગણાયને! અમારી વચ્ચે એક પેઢીનું અંતર છે...'
રાશા થડાણીઃ આઇ એમ ઓલરાઇટ, ઓકે?
ડેબ્યુ ફિલ્મ ચાલે કે ન ચાલે, આપણે તો ઇન્સ્ટાગ્રામ પર સ્માઇલિંગ ફોટા અને સ્ટોરીઓ મૂકવાનાં એટલે મૂકવાનાં, કેમ ખરું ને રાશા? રવીના ટંડનની આ સુપુત્રી અને અજય દેવગણના ભાણિયા અમન જેવાં બબ્બે સ્ટાર-કિડ્સને ચમકાવતી 'આઝાદ' ફિલ્મ બોક્સ ઓફિસ પર એવા ઊંધા માથે પછડાઈ છે કે બધા ચોંકી ગયા છે. (જોકે એ જ દિવસે કંગના રણૌતની 'ઇમરજન્સી' પણ ફ્લોપ થઈ ગઈ તેનાથી ખાસ આશ્ચર્ય ફેલાયું નથી, કેમ કે કંગનાની ફિલ્મો માટે નિષ્ફળતા જાણે કે ડિફોલ્ટ સેટિંગનો એક ભાગ થઈ બની ગઈ છે.) ખેર, રાશાએ બહુ દુખી થવા જેવું નથી, કેમ કે આખી ઇન્ડસ્ટ્રીની નજર એના પર પડી ચૂકી છે. અમનકુમારને બોલિવુડ અને પ્રેક્ષકો કેટલો અપનાવશે તે પ્રશ્ન છે, પણ રાશામાં તો હિંદી ફિલ્મની હિરોઈન થવાના બધા ગુણ છે. ડેબ્યુ ફિલ્મ હિટ થઈ ગઈ હોત તો આખી વાર્તા જ બદલાઈ ગઈ હોત, પણ છતાંય રાશા ઘણી બધી હિરોઈનોની ઊંઘ હરામ કરી દેવાની છે એ તો નક્કી.