SOCIAL સર્કલ .
ધ ક્વીન
કંગના રનૌતે ભલે 'ક્વીન' ફિલ્મ કરી, પણ ખરેખર જો 'બોલિવુડની ક્વીન'નું બિરુદ કોઈને આપવું હોય તો સૌથી પહેલું નામ તો કરીના કપૂર ખાનનું જ યાદ આવે. શું કહો છો? આમેય એના પતિદેવ સૈફ અલી ખાન ટેકનિકલી નવાબ ખાનદાનના ગણાય એટલે કરીનાને પણ સેમી-ક્વીનની કેટેગરીમાં મૂકવી જ હોય તો મૂકી શકાય. ગુલાબી ગુલાબી કરીનાએ થોડા દિવસો પહેલાં પોતાના તાજા તાજા બ્લેક-એન્ડ-વ્હાઇટ ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં શેર કર્યા. બે સંતાનોની (સંતૂર) મમ્મી બન્યાં પછી પણ કરીનાનો ચાર્મ અકબંધ છે. આ તસવીર જોઈને કરીનાનો જ 'કભી ખુશી કભી ગમ'નો પેલો ડાયલોગ યાદ આવે છે: ગુડ લૂક્સ, ગુડ લૂક્સ... એન્ડ ગુડ લૂક્સ!
વાત વેદાંગની
કરીનાનાના લગભગ આખા કપૂર ખાનદાનની સ્કિન કુદરતી રીતે જ પિન્ક-પિન્ક છે. ડિટ્ટો, વેદાંગ રૈનાની સ્કિન. વેદાંગ કાશ્મીરી છે, ખૂબસૂરતી એના ડીએનએમાં છે. એક, મિનિટ. શું પૂછ્યું? વેદાંગ રૈના એટલે કોણ, એમ? ના ના, એમાં તમારો વાંક નથી. એની પહેલી ફિલ્મ હતી (નબળી) 'આર્ચીઝ', જે સીધી ઓટીટી પર રિલીઝ થઈ હતી ને બીજી (ફ્લોપ) ફિલ્મ હતી 'જિગરા', જે થિયેટરમાં ક્યારે આવી ને ક્યારે જતી રહી એની કાનોકાન કોઈને ખબર ન પડી. એમાં એ આલિયા ભટ્ટનો ભાઈ બન્યો હતો. ઇન્ડસ્ટ્રીમાં એની એક ઓળખ ખુશી બોની કપૂરના બોયફ્રેન્ડ તરીકે પણ છે. વેદાંગની આ તસવીર માલદીવ્ઝમાં ખેંચવામાં આવી છે. એ માલદીવ એકલો ગયો હતો કે ખુશીની સંગાથમાં તે જાણીને આપણે શું કરવું છે!
મલ્હાર-પૂજાનું સ્ટાર વેડિંગ
મલ્હાર ઠાકર અને પૂજા જોશીનાં લગ્ન ધામધૂમથી આટોપાઈ ગયાં. નવા ગુજરાતી સિનેમાજગતનું આ સંભવત: પહેલું સ્ટાર વેડિંગ! સોશિયલ મીડિયા એમની પીઠી ચોળવાની વિધિ, સંગીત, લગ્ન, રિસેપ્શન વગેરેની તસવીરોથી છલક છલક થઈ રહ્યું હતું. બન્ને કેવાં સુંદર દેખાય છે, નહીં? ફિલ્મી સિતારાઓની ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરતી વખતે આ એક વાંતની નિરાંત હોય છે. તેઓ કુદરતી રીતે જ સ્ટાઇલિશ અને સુંદર હોવાથી તસવીરો-વીડિયો કાયમ સરસ જ આવે! આશા રાખીએ કે લગ્ન મલ્હાર અને પૂજાને વ્યક્તિગત અને વ્યાવસાયિક રીતે ખૂબ ફળે. નવદંપતિને ઓલ ધ બેસ્ટ!