SOCIAL સર્કલ .
ફવાદ ખાન: બોલિવુડ ડ્રીમ્સ પાર્ટ-ટુ
ફવાદ ખાન આજકાલ પાછો ન્યુઝમાં છે. ફવાદ ખાન એટલે પેલો હેન્ડસમ પાકિસ્તાની હીરો, જેને આપણે સૌથી પહેલાં પાકિસ્તાની સિરીયલોમાં જોયો હતો. પછી બોલિવુડે એને ઇમ્પોર્ટ કર્યો. કરણ જોહરે એને 'કપૂર એન્ડ સન્સ' ફિલ્મમાં લોન્ચ કર્યો. આ ફિલ્મ અને ફવાદ બન્નેના ખૂબ વખાણ થયેલા. એ પછી ફવાદે ઔર કેટલીક હિન્દી ફિલ્મો કરી... પણ પછી પાકિસ્તાની કલાકારો વિરુદ્ધ વંટોળ જાગ્યો ને એનું બોલિવુડ ડ્રીમ અધૂરું રહી ગયું. ખેર, ફવાદ ફરી એક વાર હિન્દી ફિલ્મમાં દેખાવાનો છે, જેનું ટાઇટલ છે, 'અબીર ગુલાલ' (મીન્સ કે, ગુજરાતીમાં, અબીલ ગુલાલ). આરતી બાગડી નામનાં માનુની ડિરેક્ટર છે, વાણી કપૂર હિરોઇન છે. 'અબીર ગુલાલ' એક રોમેન્ટિક કોમેડી છે, જે આવતા મહિને રિલીઝ થશે. વાણી કપૂરની વાત કરે તો એ ખરેખર બુંદિયાળ છે. એને યશરાજ ઇત્યાદિ બેનર્સની ફિલ્મોમાં રણવીર સિંહ, રણબીર કપૂર ઇત્યાદિ ટોપ હીરો સાથે સતત કામ કરવાની તક મળે છે, પણ હરામ બરાબર એની એકેય ફિલ્મ હિટ થતી હોય તો! એકાદ અપવાદ આમતેમ. દેસી હીરો તો ન ફળ્યા પણ જોઈએ, વાણીને આ પાકિસ્તાની હીરો કેવોક ફળે છે.
સુપરનેચરલ મૌનિ રોય
મૌનિ રોયના ચાહકોને (જો હોય તો) સમજાતું નથી કે મૌનિ માટે ખુશ થવું કે દુખી થવું. રૂપ રૂપના અંબાર જેવી આ અભિનેત્રી હજુ સુધી નાગણની ઇમેજમાંથી બહાર આવી શકી નથી (થેન્ક્સ ટુ, 'નાગિન' નામનો પેલો મહાવિચિત્ર, પણ ખૂબ સફળ થયેલો ટીવી શો.)... ને હવે એની એક ફિલ્મ આવી રહી છે, જેનું ટાઇટલ છે, 'ભૂતની'! સંજય દત્ત આ ફિલ્મના પ્રોડયુસર પણ છે અને ભૂવો મીન્સ કે હીરો પણ છે. મૌનિ, અફ કોર્સ 'ભૂતની'નો ટાઇટલ રોલ કરી રહી છે. ટ્રેલર પરથી સ્પષ્ટ વર્તાય છે કે 'ભૂલભુલૈયા' અને 'ી' સિરીઝની હોરર-કોમેડી ફિલ્મો હિટ થઈ એટલે એ વહેતા ટ્રેન્ડમાં હાથ ધોવા આ ફિલ્મ બનાવી નાખવામાં આવી છે. મૌનિ પણ વિચારતી હશે કે જો શ્રદ્ધા કપૂર, તબુ, વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત જેવી હિરોઈનોને ભૂતડી બનવામાં કંઈ છોછ ન હોય તો મારે શા માટે વાંધો લેવો જોઈએ? એ બધુંય સાચું, પણ મૌનિને માલૂમ થાય કે મેડમ, બહુ થઈ ગયા તમારા સુપરનેચરલવેડા. હવે જરાક માણસ થાઓ - લિટરલી - અને માણસને શોભે એવા સીધા સાદા રોલ કરો તો સારું!
નાચ જયદીપ નાચ
કોણે વિચાર્યું હતું કે 'પાતાલલોક' વેબ શોનો પેલો ખડૂસ પોલીસ અધિકારી એક દિવસ બિગ સ્ક્રીન પર રીતસર ઠુમકા મારશે? વાત સુપર ટેલેન્ટેડ જયદીપ અહલાવતની થઈ રહી છે. આજથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થયેલી 'જ્વેલ થીફ - ઘ હાઇસ્ટ બિગિન્સ' નામની ફિલ્મમાં જયદીપે ટિપિકલ હિન્દી હીરો જેવાં કપડાં પહેરીને, ટિપિકલ ડાન્સ સોંગમાં રીતસર નાચ કર્યો છે. ટ્રેલર જોતી વખતે મનનાં સવાલ થયો હતો કે કો-સ્ટાર સૈફ અલી ખાન પર ફિલ્માવાનું હતું એ ગીત ક્યાંક ભૂલથી જયદીપ પર તો નથી ફિલ્માવાઈ ગયુંને? ટ્રેલર જોઈને તો આ ફિલ્મની સ્ટોરી ઉતરી ગયેલી કઢી જેવી વાસી લાગે છે, પણ આવા સેટ-અપમાં જયદીપ શું કરે છે તે જોવાની ઉત્સુકતા રહેશે ખરી. જયદીપ કમસે કેમ એવું તો કહી જ શકશે કે મેં આવું ડાન્સ-સોંગ કરીને મારી 'રેન્જ' દેખાડી છે. જયદીપને માલૂમ થાય કે ભાઈ, નાચગાના કરવાવાળા તો જથ્થાબંધ હીરો પડયા છે, અમને તારી લચકતી કમર જોવામાં કોઈ રસ નથી, અમે તો તને ઇન્ટેન્સ અને દમદાર રોલ્સમાં જોવા માગીએ છીએ!