SOCIAL સર્કલ .
શાનદાર શાહરૂખ
શાહરૂખ ખાનનો આ લેટેસ્ટ લૂક જોયો તમે? ૨૦૨૩માં સફળતાની હેટટ્રિક માર્યા પછી શાહરૂખ ફુલ ફૉર્મમાં આવી ગયો છે. એની બે આગામી ફિલ્મો અત્યારે ચર્ચામાં છે. એક છે, 'કિંગ'. સુજોય ઘોષ તે ડિરેક્ટ કરવાના છે અને શાહરૂખ પુત્રી સુહાના પણ તેમાં દેખાવાની છે. સુહાનાનું આ બિગ સ્ક્રીન ડેબ્યુ ગણાશે. એેણે 'આર્ચીઝ' કરી હતી ખરી, પણ તે સીધી ઓટીટી પર રિલીઝ થઈ હતી. કહે છે કે 'કિંગ'માં શાહરૂખ ભાડૂતી હત્યારો બન્યો છે. સુહાનાનું પાત્ર અનાથ છે. એના પરિવારને કોઈએ ખતમ કરી નાખ્યો છે એટલે એ શાહરૂખ એને પોતાના શરણમાં લે છે. 'લિઓન: ધ પ્રોફેશનલ' નામની વિદેશી ફિલ્મ પર 'કિંગ' આધારિત છે. શાહરૂખની બીજી આગામી ફિલ્મ છે, 'લાયન', જે 'જવાન'ફેમ સાઉથ ઇન્ડિયન ફિલ્મમેકર એટલી ડિરેક્ટ કરવાના છે. સાઉથની એક્ટ્રેસ નયનતારા હિરોઇન બની છે. સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થયેલી આ તસવીરમાં શાહરૂખનો જે લૂક દેખાય છે તે સંભવત: 'કિંગ' માટે છે. મસ્ત લાગે છેને બાકી?
શાદી કે બાદ
તાજેતરમાં સોનાક્ષી સિંહા અને એના પતિદેવ ઝહીરની આ તસવીર વાઇરલ થઈ. વાઇરલકર્તાએ લખેલું: આ તસવીરને યોગ્ય કેપ્શન આપો, ચાલો. કમેન્ટ્સમાં ફોટોલાઇનનો વરસાદ વરસી ગયો. કોઈએ લખ્યું: 'સોનાક્ષીના તમામ ખર્ચાનો ભાર ઉપાડી રહેલો ઝહીર...' કોઈએ લખ્યું: 'અલ્યા, ટંગ ક્લીનરથી જીભ સાફ નહોતી કરી આજે?' કોઈએ લખ્યું: 'ફોલિંગ ફોર યુ...' કોઈએ લખ્યું: 'બરાબર છે. લગ્ન પછી પુરૂષોની આવી જ હાલત થતી હોય છે...' કોઈએ લખ્યું: 'ઝહીર... ના પાડી'તી કે મોટી હિરોઈન સાથે લગ્ન ન કર. હવે ભોગવ!' સોશિયલ મીડિયા પર લોકોની ગુસ્સો કે ખૂન્નસ જ નહીં, સેન્સ-ઓફ-હ્યુમર પણ આબાદ ઝીલાતું હોય છે, નહીં?
રન મિલિંદ રન!
મિલિંદ સોમણની આ તસવીર ચીસો પાડી પાડીને આપણને કહે છે કે ચાલો, શિયાળો આવ્યો... વહેલા સવારે ઉઠીને દોડવાનું શરૂ કરો, આળસુડાઓ! મિલિન્દ સોમણ ૫૯ વર્ષનો થયો, પણ એની ફિટનેસ તમે જોઈ લો. સાચ્ચે,મિલિંદભાઉ આપણા સૌને માટે પ્રેરણાદાયી છે. એ જે શહેરમાં હોય ત્યાં જાહેર રસ્તા પર રનિંગ કરવા નીકળી પડે છે. એની ખાસિયત છે કે એ કાયમ ખુલ્લા પગે જ દોડે છે. અલબત્ત, તમારે ખુલ્લા પગે રનિંગ-જોગિંગ કરવાની જરૂર નથી. એમ તો મિલિંદ ઘણીવાર ખુલ્લા ડિલે પણ દોડતો હોય છે. તમારે એવું કરવાની પણ જરૂર નથી. જરા સમજો. મિલિંદ તો સુપરમોડલ હતો. એણે પોતાના ગ્રીક ગૉડ જેવું શરીર જાળવી રાખ્યું છે. એને ખુલ્લા શરીરે દોડવું શોભે. આપણે એવું કરવા જઈએ તો ભૂંડા લાગીએ. હેંને?