SOCIAL સર્કલ .
સાસુમા હોય તો આવાં!
પ્રિયંકા ચોપડાએ તાજેતરમાં એના સગા નાના ભાઈને ધામધૂમથી પરણાવ્યો. અન્ય ફિલ્મી લગ્નોની માફક આ ઉજવણી ખાસ ભપકાદાર નહોતી. ઇવન બોલિવુડની જનતાને પણ આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. અલબત્ત, પ્રિયંકા અમેરિકાથી પોતાના પતિદેવ નિક જોનસ અને દીકરી મેરી-માલતી (હા, આ એક જ બેબલીનું જોડકું નામ છે) સાથે સાસુ-સસરાને પણ મુંબઈ લઈ આવી હતી. સાસુ ડેનીસ અને સસરા પૉલે ભારે ઉત્સાહથી ભારતીય પોષાકો ધારણ કર્યાં હતાં. પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર શેર કરેલી આ તસવીર જુઓ. એનાં સાસુમા કેટલાં સુંદર અને યુવાન દેખાય છે! પ્રિયંકાને એક વાતે તો સલામ કરવી પડે. એને પોતાના ભારતીયપણા માટે ભરપૂર ગર્વ છે. એ પોતાના અમેરિકન સાસરિયાઓને જ નહીં, પરંતુ એ જે હોલિવુડની ફિલ્મ કે અમેરિકન સિરિયલ માટે શૂટિંગ કરતી હોય ત્યારે એના આખા યુનિટને, ઇવન ટીવી પર કોઈ લેટ નાઇટ શોમાં ઇન્ટરવ્યુ આપવા ગઈ હોય તો એના હોસ્ટને પણ ભારતીયતાના રંગે લિટરલી રંગી નાખે છે. (યાદ કરો પ્રિયંકાનાં હોળી સેલિબ્રેશન્સ.) સાચ્ચે, પ્રિયંકાને જોઈને એવું લાગે કે એ જ માણસ ખૂબ ઊંચો ઉડી શકતો હોય છે, જેનાં પોતાનાં મૂળિયાં માટે ખૂબ ગર્વ હોય અને જે પોતાની મૂળભૂત ઓળખનું પ્રેમથી જતન કરતો હોય. વે ટુ ગો, દેસી ગર્લ!
હેન્ડસમ હર્ષવર્ધન
એકાએક જ ચારે કોર હર્ષવર્ધન... હર્ષવર્ધન થઈ રહ્યું છે તે તમે નોંધ્યું? ના ના, આ અનિલ કપૂરના દીકરા હર્ષવર્ધનની વાત નથી થઈ રહી - એ તો બાપડો બુંદિયાળનો બુંદિયાળ જ રહ્યો - પણ વાત છે, હર્ષવર્ધન રાણેની. છેલ્લે આપણે એને 'હસીન દિલરૂબા'માં જોયો હતો. તમે વિચારો કે તાપસી જેવી તાપસી આ હેન્ડસમ પર લટ્ટુ થઈ જતી હોય (ફિલ્મમાં હં, અસલિયતમાં નહીં), તો સામાન્ય કન્યાઓની શી વિસાત? જ્યારથી હર્ષવર્ધન રાણેની 'સનમ તેરી કસમ' ફિલ્મ થિયેટરોમાં રી-રિલીઝ થઈ છે ત્યારથી સમગ્ર કન્યાવૃંદ સાગમટે એના નામની માળા જપવા લાગી છે. તમે સોશિયલ મીડિયા પર પેલી રીલ્સ જોઈ હશે કે જેમાં 'સનમ તેરી કસમ'નો શો પૂરો થાય એટલે હર્ષવર્ધન ઓડિટોરિયમમાં એન્ટ્રી મારે ને એને નરી આંખે સામે ઊભેલો જોઈને કન્યાદર્શકો ઉત્તેજિત થઈને રીતસર ચીસાચીસ કરી મૂકે. કોઈ તો વળી હરખની મારી રડી પડે, જાણે કેમ ભક્તને સાક્ષાત્ ભગવાનના દર્શન થઈ ગયા હોય! હર્ષવર્ધનને કારણે આપણા એ-લિસ્ટ હીરોલોગમાં ઇર્ષ્યા પેદા થઈ ગઈ હશે એ તો નક્કી.
અય્યો રશ્મિકા!
ચાલો, રશ્મિકા મંદાનાના બાયોડેટામાં ઔર એક હિટ ફિલ્મનો ઉમેરો થઈ ગયો છે. 'છાવા'માં એણે છત્રપતિ સંભાજી મહારાજની પત્ની યેસુબાઈનો રોલ કર્યો છે. ચમકતી પૈઠણી સાડીઓમાં અને રજવાડી આભૂષણોમાં રશ્મિકા ભારે રૂપાળી લાગે છે. એ અલગ વાત છે કે રશ્મિકાના કાસ્ટિંગ વિશે ઘણા લોકોમાં અસંતોષ છે. યેસુબાઈ હાડોહાડ મરાઠી કેરેક્ટર છે. દક્ષિણની આ હિરોઈનને સાધારણ હિંદી બોલવામાં પણ સંઘર્ષ કરવો પડતો હોય ત્યારે એ બાપડી મરાઠી છાંટવાળું હિન્દી ક્યાંથી બોલવાની. 'એનિમલ' ફિલ્મના એક સીનમાં એણે વિચિત્ર રીતે ડાયલોગ ડિલીવરી કરી ને એની સઘળી મહેનત પર પાણીઢોળ થઈ ગયું હતું. કંઈક અંશે 'છાવા'ના કિસ્સામાં પણ એવું જ થઈ રહ્યું છે. ખેર, કામ કામને શીખવશે. રશ્મિકા જેવી પ્રતિભાશાળી એક્ટ્રેસ માટે આ કંઈ બહુ મોટી વાત ન હોય, ખરું?