SOCIAL સર્કલ .
જોઈએ છે : હિટ
એક સમયે હિટ મશીન કહેવાતો વરૂણ ધવન છેલ્લાં ઘણાં વર્ષોથી ખાસ્સો ઢીલો પડી ગયો છે, નહીં? જોકે આ તસવીરમાં બાપુ ફુલ ફોર્મમાં છે. રાજસ્થાની પાઘડીધારી વરૂણે ઇન્સ્ટાગ્રામ પર આ તસવીર શેર કરીને કેપ્શન આપી છે: 'ફ્રોમ દાલ બાટી ટુ વડા પાઉં... વોટ અ ડે ઇન જયપુર. હેશટેગ બેબી જોન ટેકઓવર.' દેખીતું છે કે આ તસવીર ખાધોડકા વરૂણે એની આગામી ફિલ્મ 'બેબી જોન'ના પ્રમોશન દરમિયાન ખેંચાવેલી છે. 'જવાન'ના સાઉથ ઇન્ડિયન ડિરેક્ટર એટલીએ આ ફિલ્મ પ્રોડયુસ કરી છે. ધડાધડી ને મારામારીથી ભરપૂર આ એક્શન મ્યુઝિકલ થ્રિલર હિટ થાય તે જરૂરી છે, કેમ કે તો જ વરૂણના ઠંડા પડી ગયેલી કરીઅરમાં પાછો ગરમાટો આવશે. ગુડ લક!
મેરી ક્રિસમસ, પીસી!
જિંદગી તો બાકી પ્રિયંકા ચોપડા જ જીવે છે. સોશિયલ મીડિયાની ગેમ એણે એટલી અફલાતૂન રીતે હસ્તગત કરી લીધી છે કે ન પૂછો વાત. એની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં સતત કંઈક ને કંઈક સરસ, મસ્તીભર્યું ચાલ્યા જ કરતું હોય છે એવી જબરદસ્ત અસર એના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પરથી ઉપસે. જુઓને, આજકાલ એ પોતાના સાસરીયે ક્રિસમસની જોરદાર તૈયારી કરી રહી છે. પ્રિયંકા પોતાના અમેરિકન પતિદેવ નિક જોનસને હોળી-દિવાળી જેવા હિંદુ તહેવારો પણ ધૂમધામથી સેલિબ્રેટ કરાવતી હોય તો દેખીતું છે કે ક્રિસમસ જેવો ખ્રિસ્તી ફેસ્ટિવલ પણ એ હોંશે હોંશે ઉજવે. આમેય ઇન્સ્ટા-ફેસબુક માટે તહેવારો દરમિયાન સહજપણે જે ફોટો-ઓપ (ફોટો પડાવવાની ઓપર્ચ્યુનિટી) પેદા થાય છે એવી અન્યથા બહુ ઓછી થતી હોય છે. શું કહો છો?
રાધિકાના છેલ્લા દિવસો
હજુ હમણાં સુધી મોટા ભાગની પબ્લિકને ખબર જ નહોતી કે નેટફ્લિક્સની માનીતી રાધિકા આપ્ટે લગ્ન કરી ચૂકી છે. એનાં લગ્નનાં ગયા ઓક્ટોબરમાં બાર વર્ષ પૂરાં થયાં, બોલો! એનો હેન્ડસમ બ્રિટિશ પતિ બેનેડિક્ટ ટેલર સંગીતકાર છે. છૂપી રૂસ્તમ રાધિકા હાલ પ્રેગનન્ટ છે. તાજેતરમાં 'વૉગ' મેગેઝિન માટે એણે પોતાના વિરાટ ઉદરને ભારે શાનથી પ્રદર્શિત કરતું ફોટો શૂટ કરાવ્યું હતું. રાધિકાએ એક એક્ટ્રેસ તરીકે કેમેરા સામે અત્યંત બોલ્ડ દ્રશ્યો આપ્યાં છે. આ ફોટો શૂટ માટે પણ એણે બોલ્ડ તસવીરો ખેંચાવી હતી. ગર્ભાવસ્થામાં સ્ત્રીનું રૂપ આમેય નિખરતું હોય છે. એની હવે પછીની ફિલ્મનું ટાઇટલ છે, 'લાસ્ટ ડેઝ'. આ અમેરિકન બાયોગ્રાફિકલ ફિલ્મનું જાન્યુઆરીના અંતિમ વીકમાં સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર યોજાશે. ઓલ ધ બેસ્ટ, રાધિકા - સંતાન અને સ્ક્રીનિંગ, બન્ને માટે.