SOCIAL સર્કલ .
રાશા: આને કહેવાય સ્ટારકિડ
જ્યારથી રવિના ટંડનની પુત્રી રાશા થડાણીનું 'ઉઈ અમ્મા' ગીત લોન્ચ થયું છે ત્યારથી આખું બોલિવુડ અને નેટિઝન્સ બન્ને એની વાતો કરતા થાકતા નથી. અમિત ત્રિવેદીએ કંપોઝ કરેલા આ ઝુમાવી દેતા ગીતમાં રાશાને જોઈને ભલભલા આશ્ચર્યચકિત થઈ ગયા છે: શું આ રાશાની સૌથી પહેલી જ ફિલ્મ છે? ન હોય! ડાન્સ મૂવ્ઝ ઉપરાંત લટકાઝટકા, અદાયગી, એક્સપ્રેશન્સ, નખરાં... ટૂંકમાં, એક મેઇનસ્ટ્રીમ હિંદી હિરોઇનમાં હોવું જોઈએ તે બધું જ રાશામાં ઠાંસી ઠાંસીને ભર્યું છે. આ ગીતમાં રાશાને જોઈને બધા એક જ વાત કહે છે: આ તો બિલકુલ કેટરિના કૈફ જેવી લાગે છે. કોઈ વળી એનાથીય આગળ વધીને એકદમ ચોક્સાઇભર્યું નિરીક્ષણ પેશ કરે છે: આ કન્યા કેટરિના અને તારા સુતરિયાના કોમ્બિનેશન જેવી દેખાય છે. બેન્ગ ઓન! જોઈ લો એણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોતાની તસવીર. રાશા હજુ ૧૯ વર્ષની જ છે. એનો કોન્ફિડન્સ અને ડાન્સ જોઈને સ્પષ્ટપણે કહી શકાય છે કે છેલ્લા કેટલાક સમયમાં જેટલાં સ્ટારકિડ્સ આવ્યાં, ખાસ કરીને સ્ટારપુત્રીઓ - જહ્નાન્વી કપૂર, અનન્યા પાંડે, ખુશી કપૂર, સુહાના ખાન વગેરે - એ કોઈમાં રાશા જેવો ચાર્મ કે ઝમક નથી. જો રાશાની અભિનય પણ એના લૂક અને ડાન્સ જેવો જ પ્રભાવશાળી હશે તો એ આ સ્ટારપુત્રીઓને જ નહીં, ઠીક ઠીક અનુભવી હિરોઈનોને પણ ભારે પડી જશે. રાશાની એક્ટિંગ સ્કિલ્સ કેવી છે એ તો આજે રિલીઝ થયેલી એની 'આઝાદ' ફિલ્મ જોઈને ખબર પડી જવાની છે. ગુડ લક, ગર્લ!
લય ભારી!
આજે કંગના રનૌતની 'ઇમરજન્સી' ફિલ્મ પણ રિલીઝ થઈ, જેમાં શ્રેયસ તળપદેએ યુવાન અટલ બિહારી બાજપાઈની ભુમિકા ભજવી છે. શ્રેયસ મૂળ તો મરાઠી એક્ટર. અત્યંત સામાન્ય દેખાવ ધરાવતાલ શ્રેયસે બહુ ઓછી હિંદી ફિલ્મો કરી છે, જેમાં 'ઇકબાલ', 'ઓમ શાંતિ ઓમ', 'ગોલમાલ' સિરીઝ અને 'હાઉસફુલ-ટુ' મુખ્ય છે. 'ઇમરજન્સી' ઉપરાંત શ્રેયસ આજકાલ 'પુષ્પા-ટુ'ને કારણે પણ ન્યુઝમાં છે. ના ના, આ સુપરડુપર હિટ ફિલ્મમાં એણે કોઈ રોલ કર્યો નથી, પણ ફિલ્મના હિન્દી ડબ્ડ વર્ઝનમાં હીરો અલ્લુ અર્જુન માટે એણે અવાજ આપ્યો છે. 'પુષ્પા'ના પહેલા ભાગમાં પણ, અફ કોર્સ, નાયક માટે શ્રેયસનો જ અવાજ વપરાયો છે. 'પુષ્પા' વન એન્ટ ટુ હિન્દીમાં પણ અતિ સફળ થઈ તેનું એક મહત્ત્વનું કારણ શ્રેયસનું વાચિકમ્ અથવા કહો કે એનું ઓરલ પર્ફોર્મન્સ પણ છે. આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરીને એણે કેપ્શન મારી છે: 'સેવન્ટીઝ કી ફિલ્મ કા પ્રમોશન, નાઇન્ટીઝ કા સ્વેગ ઔર ટુ થાઉઝન્ડ્સ કા ઇ-સ્ટાઇલ!' બાત તો સહી હૈ!
ખુશરંગ હીના
'યે રિશ્તા ક્યા કહલાતા હૈ?' ટીવી શોથી એકદમ પોપ્યુલર બની ગયેલી હીના ખાન સૌને એક એક્ટ્રેસ તરીકે તો ગમે જ છે, પણ જ્યારથી એણે પોતાના કેન્સરની વાત ઘોષિત કરી છે ત્યારથી એક ફાઇટર તરીકે પણ એ સૌની પ્રિય થઈ પડી છે. ભારતીય ટેલિવિઝનની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંની એક એવી હીનાએ ગયા જૂન મહિનામાં સોશિયલ મીડિયા પર સૌથી પહેલી વાર જાહેર કર્યું હતું કે એને બ્રેસ્ટ કેન્સર થયું છે, જે સ્ટેજ-થ્રીમાં પહોંચી ગયું છે ને એ કીમોથેરપી પણ લઈ રહી છે. દેખીતું છે કે જનતાની ભરપૂર સહાનુભૂતિ પ્રેમ હીનાને મળે જ. એણે સહજપણે પોતાનો કેશહીન લૂક પણ શેર કર્યો હતો. હમણાં એણે ૨૦૨૪માં એના જીવનમાં બનેલી મહત્ત્વની ઘટનાઓની આખી તસવીરકથા શેર કરી હતી, જેની લાંબી કેપ્શનનું પહેલું વાક્ય છે- 'અ યર ધેટ વોઝ ઇક્વલ ટુ અ લાઇફટાઇમ એક્સપિરીયન્સ.' ખરેખર! આ તસવીરમાં કીમોથેરપીને કારણે જેનો ભોગ લેવાઈ ગયો એ ઝુલ્ફાંને હાથમાં પકડીને હીના બહાદૂરીપૂર્વક સ્મિત કરી રહી છે. વે ટુ ગો, હીના!