SOCIAL સર્કલ .
જંગલ બ્યુટી
ક્રિસમસનું વેકેશન હજુ શરુ થયું નથી, પણ કેટરીના કૈફ અત્યારથી વેકેશન મૂડમાં આવી ગઈ છે. એણે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરીને કેપ્શન આપી છેઃ '૪૮ અવર્સ ઇન જંગલ...' કેટી જંગલમાં મંગલ કોની સાથે કરી રહી છે તે સમજાતું નથી, કેમ કે એમના પતિદેવ વિકી કૌશલ આ તસવીરોમાં ગેરહાજર છે. કેટરીનાનો પોતાનો પરિવાર ખાસ્સો મોટો છે. એને કુલ છ બહેનો - ત્રણ મોટી, ત્રણ મોટી અને એ પોતે સાતમી. વત્તા એક મોટો ભાઈ. શક્ય છે કે જંગલમાં એ પોતાના પિયરીયા સાથે આવી હોય, અથવા કદાચ દોસ્તારો સાથે આવી હોય કે પછી શૂટિંગ માટે આવી હોય. એ જે હોય તે... આપણા માટે તો કેટરીના કૈફ મોજમાં છે એવી પ્રતીતિ પૂરતી છે. ખરું કે નહીં?
જાલિમ જ્હાન્વી
જ્હાન્વી કપૂર જબરી છે. એક બાજુ એ સોશિયલ મીડિયા પર પોતાની એવી અલ્ટ્રા ગ્લેમરસ તસવીરો શેર કરશે કે ન પૂછો વાત... ને બીજી બાજુ, એ ફિલ્મો એવી પસંદ કરશે જેમાં એના રોલને ગ્લેમર સાથે ખાસ કંઈ લેવાદેવા ન હોય. એની સોશિયલ મીડિયા ઇમેજ અને એનાં કિરદારોની ઇમેજ વચ્ચે કોઈ માથામેળ નથી. જોકે એની લેટેસ્ટ ફિલ્મ 'દેવરા' આમાં અપવાદરૂપ છે. આ સાઉથ ઇન્ડિયન ફિલ્મમાં જ્હાન્વી જબરી મનમોહક દેખાય છે. અપેક્ષા હતી કે એનટીઆર જુનિયરને મેઇન રોલમાં ચમકાવતી આ ફિલ્મ હિટ થશે, પણ એવું થયું નથી. જ્હાન્વીની તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી ધમાકેદાર પૂરવાર થવાને બદલે સૂરસૂરિયું સાબિત થઈ. ઠીક છે, ચાલ્યા કરે એ તો. સાઉથ ઇન્ડિયન મમ્મીની આ દીકરી જ્હાન્વી અતિ મહેનતુ અને નિષ્ઠાવાન છે એટલે એ વહેલીમોડી સાઉથમાં વિજયપતાકા ફરકાવશે એ તો નક્કી.
શાદી મુબારક
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સેલિબ્રિટી વેડિંગની મોસમ બરાબર જામી છે. જુઓને, હીરો નંબર વન મલ્હાર ઠાકર અને પૂજા જોશીનાં લગ્નના શરણાઈના સૂર હજુ શમ્યા પણ નથી ત્યાં હિરોઈન નંબર વન આરોહીએ પણ પ્રભુતામાં પગલાં પાડયાં. વરરાજા પણ ગુજરાતી ફિલ્મના હીરો જ છે - તત્સત મુન્શી. આપણે આ બન્નેને એકસાથે 'ઓમ મંંગલમ્ સિંગલમ્'માં જોયાં છે. આ ફિલ્મના ડિરેક્ટર સંદીપ પટેલ એટલે આરોહીના પપ્પા અને પ્રોડયુસર આરતી પટેલ એટલે આરોહીનાં (એક્ટ્રેસ) મમ્મી. થોડાં વર્ષો પહેલાં 'નોન-આલ્કોહોલિક બ્રેકઅપ' નામની એક ગુજરાતી વેબ સિરીઝ આવી હતી, યાદ છે? આ શોના શૂટિંગ દરમિયાન આરોહી અને તત્સત વચ્ચે દોસ્તી થઈ જે આખરે લગ્નમાં પરિણમી. સરસ! સદા ખુશ રહેજો, આરોહી-તત્સત... ઓલ ધ બેસ્ટ!