SOCIAL સર્કલ .
અમે બધાં
આ ફોટામાં એક જ કમી છે - એમાં આલિયાની સુપર ક્યુટ દીકરી રાહા ગેરહાજર છે! નહીં તો સોની રાઝદાન, આલિયા ભટ્ટ અને રાહા કપૂર એમ એકસાથે ત્રણ પેઢીઓ એક જ ફ્રેમમાં કેદ થઈ જાત. આ ફોટોગ્રાફમાં દ્રશ્યમાન ત્રીજી માનુની, અફ કોર્સ, શાહીન છે - આલિયાની સગ્ગી મોટી બહેન. પૂજા ભટ્ટ પણ આલિયાની બહેન ખરી, પણ સાવકી. તાજેતરમાં આલિયા અને રણબીર પોતપોતાનાં ફેમિલી સાથે સાગમટે થાઇલેન્ડ ફરવા ગયાં હતાં. (થાઇલેન્ડ પરિવાર સાથે ફરવા જવાનું સ્થળ નથી એમ કોણ બોલ્યું?) સારૃં છે. માત્ર કપલ જ નહીં, પણ બન્ને તરફના વેવાઈઓ સાગમટે રજાઓ માણે તે સારૃં જ છે.
જય ભોલેનાથ
સારા અલી ખાન ભલે મુસ્લિમ પિતાનું ફરજંદ રહી, પણ એની મમ્મી હિંદુ છે એટલે એને હિંદુ દેવતાઓ પર વિશેષ આસ્થા છે. ખાસ કરીને મહાદેવ પર. તાજેતરમાં એણે આંધ્રપ્રદેશમાં આવેલા મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની મુલાકાત લીધી ને પછી આ તસવીરો ખેંચાવી સોશિયલ મીડિયા પર કેપ્શન માર્યું: 'સારા કે સાલ કા પહલા સોમવાર. જય ભોલેનાથ...' સફેદ ચિકન કુર્તા, આખું કપાળ ઢંકાઈ જાય એવું તિલક, ગ્લેમરવિહોણો લૂક... આ ફોટોગ્રાફ્સમાં સારા પાક્કી ભક્તાણી લાગે છે, નહીં? સારાની પહેલી ફિલ્મનું ટાઇટલ જ ધાર્મિક હતું - 'કેદારનાથ'. સારાની કરીઅરની તો 'કેદારનાથ' અને 'સિમ્બા' જેવી બે હિટ ફિલ્મોથી થઈ હતી, પણ પછી ગરબડ શરૂ થઈ ગઈ. ટૂંક સમયમાં એની 'સ્કાયફોર્સ' અને 'મેટ્રો...
ઇન દિનોં' આ બે ફિલ્મો આવી રહી છે. સારાને ખરેખર મહાદેવના આશીર્વાદની જરૂર છે!
રિઅલ થિંગ?
કોણ કહેશે આ માણસ પચાસ વર્ષનો છે? હૃતિકની સુંદરતા ઘટવાનું નામ જ લેતી નથી! એ વાત અલગ છે કે હૃતિકનું શરીર સૌષ્ઠવ સંપૂર્ણપણે કુદરતી નથી, બલકે સ્ટિરોઇડ્સ ઇત્યાદિને આભારી છે એવી થિયરી ખાસ્સી પ્રચલિત છે. અલબત્ત, માણસ સ્ટિરોઇડ લેતો હોય તો પણ એણે જિમમાં જઈને મહેનત તો કરવી જ પડે. આ ફોટો શેર કરીને હૃતિકે લખ્યું છે: 'સ્ટ્રોંગ હોવું અને સ્ટ્રોંગ દેખાવું - આ બન્નેમાં બહુ મોટો ફરક છે. ધિસ યર આઇ એમ ગોઇંગ ફોર ધ રિઅલ થિંગ.' હવે અહીં 'રિઅલ થિંગ' એટલે એક્ઝેટલી શું એ તો હૃતિક જ જાણે.