SOCIAL સર્કલ .
દમદાર દેસી ગર્લ
પ્રિયંકા ચોપડા હોલિવુડમાં પોતાનું મજબૂત થાણું સ્થાપ્યાં બાદ, નખશિખ અમેરિકન સાસરે ગયા બાદ જે રીતે ભારતીય કલ્ચર અને રીતિરિવાજનું પાલન કરે છે તે જોઈને દર વખતે દિલ બાગ-બાગ થઈ જાય છે. અમેરિકન માહોલમાં પ્રિયંકાને પોતાના ભારતીય હોવા વિશે જબરદસ્ત ગર્વ છે, આપણા કેટલાય દેસી ભાઈબહેનોની જેમ શરમ કે લઘુતાગ્રંથિ નહીં. આ કેટલી અદભુત વાત છે. ગઈ દિવાળીએ એણે પોતાના સાસરે રીતસર પંડિત બોલાવીને પૂજા રાખી હતી. પતિ નિક જોનસ જ નહીં, ગોરી સાસુમાને પણ એણે ઇન્ડિયન ટ્રેડિશનલ વસ્ત્રો પહેરાવ્યાં ને સંપૂર્ણ ભક્તિભાવ સાથે દેવ-વંદના કરી. આને કહેવાય બેસ્ટ ઓફ બોથ ધ વર્લ્ડ્ઝ!
તેરા ધ્યાન કિધર હૈ...
બોલિવુડની સૌથી લૉ પ્રોફાઇલ વાઇફ કોઈ હોય તો એ છે, નતાશા દલાલ. શ્રીમાન વરૂણ ધવનનાં ધર્મપત્ની. એમનાં લગ્નને ત્રણ વર્ષ થઈ ગયાં, પણ હજુ સુધી આપણા ચિત્તમાં નતાશાની છબી વ્યવસ્થિત અંકિત થઈ નથી. તેનું કારણ એ છે કે નતાશા મીડિયાથી જોજનો અંતર રાખે છે. એ ભાગ્યે જ ઇન્ટરવ્યુ કે સાઉન્ડબાઇટ આપે છે. આ તો ભલું થજો સોશિયલ મીડિયાનું ને જેના કારણે આપણને ફેશન ડિઝાઇનર નતાશાની થોડીઘણી ઝલક મળી જાય છે. વરૂણ અને નતાશા ચાઇલ્ડહૂડ સ્વીટહાર્ટ્સ છે. બન્નેની જોડી મસ્ત લાગે છે, નહીં? જૂન મહિનામાં વરૂણ-નતાશા એક સરસ મજાની બેબલીનાં મમ્મી-પપ્પા બન્યાં. બેબીનું નામ છે, લારા. માએ પોતાની જેમ દીકરીને પણ મીડિયાથી જોજનો દૂર રાખી છે. આ તસવીરમાં વરૂણના ચહેરા પર વધારે પડતું મોટું સ્માઇલ છે તેનું કારણ એ છે કે એની નવી ફિલ્મ અનાઉન્સ થઈ છે - 'બેબી જોન', જેના સાઉથ ઇન્ડિયન ડિરેક્ટરનું નામ છે, કલીસ. ઓલ ધ બેસ્ટ, વરૂણ.
ખુશી કપૂરની ખુશીનું રાઝ
મહાન શ્રીદેવીની નાની દીકરી ખુશી પણ હિરોઈન બની ગઈ છે તે તમને યાદ છેને? 'ધ આર્ચીઝ'માં નવાનિશાળીયાઓનું જે ઝુંડ હતું એમાં એક ખુશી પણ હતી. એ વાત અલગ છે કે ન તો આ ફિલ્મ કોઈ છાપ છોડી શકી કે ન તો ખુશી. એનીવે, થોડા દિવસો પહેલાં ખુશીએ પોતાનો ચોવીસમો બર્થડે ઉજાવ્યો. એણે પોતાના ઘરે પજામા પાર્ટી રાખી હતી, જેમાં ખુશીની બહેનપણીઓની સાથે 'ધ આર્ચીઝ' બાદ એવી જ ફ્લોપ 'જિગરા'નો એક્ટર વેદાંગ રૈના પણ મોટે ઉપાડે આવ્યો હતો. અફવા તો એવી છે કે ખુશી અને વેદાંગ વચ્ચે કંઈક છે. સાચુંખોટું તો માતાજી જાણે. આપણે શું!