SOCIAL સર્કલ .
'નામ'માં શું છે?
'ખબર નથી પડતી કે વર્ષના અંતે મનમાં જે લાગણીઓ જાગી રહી છે તેનું મારે શું કરવું. એટલે પછી મેં અહીં એક મ્યુઝિયમ બનાવ્યું છે (મીન્સ કે ઇન્સ્ટાગ્રામ પર ફોટાનું ઝુમખું શેર કર્યું છે). આ એ બધી ફિલ્મો છે જેમાં મેં મારૂં સર્વસ્વ રેડી દીધું છે. અમુક તસવીરોમાં બે ફિલ્મો વચ્ચેની પળો કેદ થઈ છે. ટૂંકમાં, આ મ્યુઝિયમમાં (એ જ, તસવીરોમાં) એ બધું જ છે, જે ૨૦૨૪નું વર્ષ પોતાની સાથે લાવ્યું હતું.'
આવી લાંબીલચ્ચ કેપ્શનના લેખક શ્રી અજય દેવગણ છે! જેન્ટ્સ લોકોની આ જ સમસ્યા છે. કાં તો એમને ફોટો કેપ્શન લખતાં જ ન આવડે ને કાં તો કેપ્શનના નામે આવો નિબંધ ઠઠાડી દે. લેખક-કમ-કવિ અજય દેવગણ અહીં એમ કહેવા માગે છે કે, એનું ૨૦૨૪નું વર્ષ ખાસ્સું ઘટનાપ્રચુર રહ્યું હતું. ગયા વર્ષે એની અડધો ડઝન ફિલ્મો રિલીઝ થઈ હતી, બોલો. આમાંની એક ફિલ્મ, જેનું નામ જ 'નામ' છે, એ ૨૦૦૪માં બની ગઈ હતી, પણ રિલીઝ થઈ વીસ વર્ષ પછી! અનીસ બઝમીએ તે ડિરેક્ટ કરી હતી ને ભૂમિકા ચાવલા અને સમીરા રેડ્ડી જેવી એમાં હિરોઈનો હતી. આવી ફિલ્મ રિલીઝ થાય તોય શું ને ન થાય તોય શું! શું કહો છો?
પરફેક્ટ પાઉટ
મહિલાઓ ફોટોલાઇન લખવામાં હોશિયાર હોય છે એ તો બીજા નંબરની વાત થઈ. પહેલા નંબરની વાત એ કે તેઓ ફોટો ખેંચવામાં, રાધર, સેલ્ફી લેવામાં એ પાવરધી હોય છે. કરીના કપૂરને જ જોઈ લો. હોઠને ચંબુની માફક ઊંચા કરીને કેવડું મોટું પાઉટ કર્યું છે એણે. હમણાં રાજ કપૂરની એકસોમી જન્મજયંતિ નિમિત્તે એ કપૂર ખાનદાનના અન્ય સભ્યોની સાથે વડાપ્રધાનને મળી હતી ત્યારે એણે હકથી નરેન્દ્ર મોદી સાથે ફોટા પડાવ્યા હતા. જ્યારથી એ મોદીને મળી આવી છે ત્યારથી એ એમના વખાણ કરતાં થાકતી નથી. પ્રાઇમ મિનિસ્ટર સાથેની તસવીરનું કેપ્શન એણે શું આપ્યું હતું - 'જબ વી મેટ'?
દરિયો અને ડેશિંગ ડયુડ
એ ક્યો ફિલ્મી હીરો છે જેની આખા ભારતનો પુરૂષ વર્ગ ઇર્ષ્યા કરે છે? જવાબ સ્પષ્ટ છેઃ વિજય વર્મા. અરે ભાઈ, રૂપ રૂપના અંબાર જેવી તમન્ના ભાટિયા એની ગર્લફ્રેન્ડ છે એટલે ભાઈલોગને બળતરા તો થાય જને! આટલું જાણે ઓછું હોય તેમ ગામમાં વાત ફેલાઈ છે કે તમન્નાએ પોતાના હાથ પર વિજયના નામનું ટેટૂ ચિતરાવ્યું છે! વચ્ચે વિજયે એક તસવીર શેર કરી હતી, જેમાં એની બાજુમાં કોઈ વ્યક્તિ ઊભી છે, જેનો ફક્ત હાથ દેખાય છે ને આ હાથ પર હિંદીમાં 'વિજય' શબ્દનું ટેટૂ ત્રોફાવેલું છે. વિજયે મગનું નામ મરી પાડયું નથી, પણ જાણભેદુઓ કહે છે કે આ તસવીરમાં દેખાતો હાથ તમન્નાનો જ છે. એ જ હોય તે, આપણે શું? આપણા નસીબમાં તો આજ કી રાત જ નહીં, બીજી બધી ય રાત હુસ્ન કી મઝા આંખો સે પી કર હી લેને કા લિખા હૈ! બાય ધ વે, આ તસવીર વિજયકુમાર પોતાના મિત્રો સાથે યૉટ પર પાર્ટી મનાવી રહ્યા હતા ત્યારની છે.